ગુજરાતમાં નશીલા પદાર્થોની હેરાફેરી રોકવા માટે પોલીસ દ્વારા સતત વોચ રાખવામાં આવી રહી છે. જે અંતર્ગત પશ્ચિમ રેલવે જીઆરપી વડોદરા SOG અને NDPS ડેડિકેટેડ ટીમે એક મોટી સફળતા મેળવી છે. હાવડા-અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનમાં હાથ ધરવામાં આવેલા સર્ચ ઓપરેશન દરમિયાન લાખોની કિંમતનો ગાંજાનો જથ્થો બિનવારસી હાલતમાં મળી આવ્યો છે.
ચેકિંગ દરમિયાન મળી આવ્યો જથ્થો
ઘટનાની મળતી માહિતી અનુસાર, રેલવે પોલીસની ખાસ ટીમ ટ્રેનોમાં માદક પદાર્થોની હેરાફેરી રોકવા માટે સઘન ચેકિંગ કરી રહી હતી. આ દરમિયાન હાવડા-અમદાવાદ એક્સપ્રેસ ટ્રેન વડોદરા રેલવે સ્ટેશન પર આવતા તેમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન એક શંકાસ્પદ બેગ મળી આવી હતી, જેનો કોઈ માલિક હાજર ન હતો. પોલીસે બેગની તપાસ કરતા તેમાંથી નશીલા પદાર્થ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો.













