'સ્માર્ટ સિટી' વડોદરામાં મહાનગરપાલિકાના એન્જિનિયરોની લાપરવાહી ફરી એકવાર સામે આવી છે. વડોદરા શહેરના વાડી વિસ્તારમાં આવેલા રાજમહેલ રોડ પર આજે એક ભારેભરખમ ટ્રક રસ્તામાં ફસાઈ જતા વાહનવ્યવહાર ખોરવાયો હતો. આ ઘટના પાછળ પાલિકા દ્વારા કરવામાં આવેલું અધૂરું અને નબળું કામ જવાબદાર હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે.


એન્જિનિયરોની ઘોર બેદરકારી

ઘટનાની મળતી વિગતો અનુસાર, વડોદરા શહેરમાં આવેલા રાજમહેલ રોડ પર થોડા સમય પહેલા જ પાણીની લાઈનમાં ભંગાણ પડતા તેનું સમારકામ કરવામાં આવ્યું હતું. કામગીરી પૂર્ણ થયા બાદ જે ખાડો ખોદવામાં આવ્યો હતો, તેનું એન્જિનિયરોની હાજરીમાં યોગ્ય રીતે પુરાણ કરવામાં આવ્યું ન હતું. માત્ર માટી નાખીને કામ પતાવી દેવાતા આજે જ્યારે એક ટ્રક ત્યાંથી પસાર થયો ત્યારે રોડ બેસી ગયો હતો અને ટ્રકનું ટાયર જમીનમાં ફસાઈ ગયું હતું.

સ્થાનિકોમાં ભારે રોષ

વડોદરાના માર્ગો પર ખાડા પડવા અને તેમાં વાહનો ફસાવાની ઘટનાઓ હવે સામાન્ય બની ગઈ છે. રાજમહેલ રોડ જેવો મુખ્ય માર્ગ હોવા છતાં પાલિકાની ઢીલી નીતિને કારણે વાહનચાલકોના જીવ જોખમમાં મુકાયા છે. આ ઘટનાને પગલે આસપાસના રહિશો અને વેપારીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો.

સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે, ટેક્સ ભરવા છતાં જનતાને સારા રસ્તા મળતા નથી અને એન્જિનિયરોની દેખરેખના અભાવે આવા હલકી ગુણવત્તાના કામો થાય છે. સદનસીબે આ ઘટનામાં કોઈ મોટી દુર્ઘટના ઘટી નથી, પરંતુ જો ટુ-વ્હીલર ચાલક હોત તો ગંભીર ઈજા થઈ શકી હોત.


આ પણ વાંચો - Vadodaraના સેવાસી ચેક પોસ્ટ પાસે ડમ્પર અને કાર વચ્ચે અકસ્માત, જુઓ Video


  • Follow us on: