મહેસાણા જિલ્લાના બહુચરાજી તાલુકાના ડેડાણા ગામમાં સગીરા પર આચરવામાં આવેલા દુષ્કર્મના ચકચારી મામલામાં કોર્ટ દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ગુનામાં મુખ્ય આરોપીને ગુનો આચરવામાં મદદ કરનાર અને હાલ જેલમાં બંધ સહ-આરોપીની નિયમિત જામીન અરજી કોર્ટે આકરી દલીલો સાંભળ્યા બાદ ફગાવી દીધી છે.


મુખ્ય આરોપીને રૂમની વ્યવસ્થા કરી આપી હતી

ડેડાણા ગામની સગીરા પર દુષ્કર્મ ગુજારવાના આ ગંભીર ગુનામાં સહ-આરોપી ચૌહાણ કિરણસિંહ ઉર્ફે મેહરસિંહની સંડોવણી સામે આવી હતી. કિરણસિંહે સગીરા પર કાળું કૃત્ય આચરનાર મુખ્ય આરોપીને ગુનો કરવા માટે રૂમની વ્યવસ્થા કરી આપી હતી. ગુનામાં સક્રિય ભૂમિકા ભજવવા બદલ પોલીસ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી અને તે ત્યારથી જેલના સળિયા ગણી રહ્યો છે.

સરકારી વકીલની ધારદાર દલીલો ગ્રાહ્ય રખાઈ

જેલમાં બંધ સહ-આરોપી ચૌહાણ કિરણસિંહ ઉર્ફે મેહરસિંહ દ્વારા જેલમાંથી બહાર આવવા માટે મહેસાણા સેશન્સ કોર્ટમાં રેગ્યુલર જામીન મેળવવા અરજી કરવામાં આવી હતી. આ જામીન અરજી પર સુનાવણી દરમિયાન સરકારી વકીલ પરેશકુમાર કે. દવે દ્વારા કોર્ટ સમક્ષ ધારદાર અને કાયદાકીય દલીલો રજૂ કરવામાં આવી હતી. તેમણે સગીરા સામેના આ ગુનાની ગંભીરતા અને તેમાં સહ-આરોપીની ભૂમિકાને સ્પષ્ટ કરી જામીન ન આપવા ભાર મૂક્યો હતો.

સેશન્સ જજ એમ. એફ. ખત્રીએ ફગાવી જામીન અરજી

સરકારી વકીલ પરેશકુમાર કે. દવેની દલીલો અને રજૂ કરવામાં આવેલા પુરાવાઓને ગ્રાહ્ય રાખીને મહેસાણા સેશન્સ કોર્ટના જજ એમ. એફ. ખત્રી દ્વારા સહ-આરોપી કિરણસિંહની રેગ્યુલર જામીન અરજી સરેઆમ ફગાવી દેવામાં આવી છે. કોર્ટના આ કડક વલણને પગલે કાયદાના રક્ષકો અને પીડિતાના પરિવારમાં ન્યાયની આશા વધુ મજબૂત બની છે.


આ પણ વાંચો - Mehsana: બેફામ ટ્રક ચાલકે 2 કારને 30 ફૂટ ઢસડી, અકસ્માતમાં બાઇક સવાર અને ટ્રક ચાલક ઘાયલ


  • Follow us on: