મહેસાણા જિલ્લાનું સૌથી મોટું ઔદ્યોગિક હબ ગણાતું કડી પંથક હાલ જાણે ગુનાખોરીનું એપીસેન્ટર બની ગયું હોય તેવી ભયાવહ સ્થિતિ સર્જાઈ છે. કડી પંથકમાં કાયદો અને વ્યવસ્થાના ખુલ્લેઆમ લીરેલીરા ઊડી રહ્યા છે. છેલ્લા 10 દિવસના ટૂંકાગાળામાં એક પછી એક 4 સનસનાટીભર્યા મર્ડરની ઘટનાઓ સામે આવતા સમગ્ર પંથકમાં હાહાકાર મચી ગયો છે. ગુનેગારો બેફામ બનતા સ્થાનિક જનતામાં સવાલ ઉઠી રહ્યો છે કે, શું કડીમાં ખાખીનો ખોફ સાવ ઓગળી ગયો છે?
હત્યાના સિલસિલા બાદ કડી આખું પોલીસ છાવણીમાં ફેરવાયું
કડી શહેરમાં ઉપરાઉપરી થયેલી હત્યાઓના આ લોહિયાળ સિલસિલા બાદ આખરે મોડી મોડી જાગેલી પોલીસ સફાળી બેઠી થઈ છે અને એક્શન મોડમાં આવી ગઈ છે. કડીમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પુનઃ સ્થાપિત કરવા માટે સમગ્ર પંથકને પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યું છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિત પોલીસનો બહુ મોટો કાફલો અત્યારે કડીના અલગ-અલગ વિસ્તારોમાં ખડકી દેવામાં આવ્યો છે.













