મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકામાંથી એક અત્યંત ચોંકાવનારી અને કાળજું કંપાવી દેનારી લોહિયાળ ઘટના સામે આવી છે. વિજાપુરના મણીપુરા ગામે આવેલા આર.વી. હોમ્સ ની આગળ અજાણ્યા શખ્સોએ આતંક મચાવી 22 વર્ષીય આશાસ્પદ યુવાનની ઘાતકી હત્યા કરી નાખતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. આ હિંસક હુમલાને પગલે ગામમાં ભારે તણાવ અને અરેરાટીનો માહોલ વ્યાપી ગયો છે.


અજાણ્યા શખ્સોએ તેને ઘેરી લીધો

પ્રાપ્ત વિગતો અનુસાર, મૃતક યુવાનની ઓળખ 22 વર્ષીય અમિત સલાટ તરીકે થઈ છે. અમિત જ્યારે મણીપુરા ગામ પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે અચાનક ધસી આવેલા અજાણ્યા શખ્સોએ તેને ઘેરી લીધો હતો અને જૂની અદાવત કે અન્ય કોઈ અકળ કારણોસર તેના પર તીક્ષ્ણ હથિયારો વડે ઉપરાઉપરી જીવલેણ ઘા ઝીંકી દીધા હતા. આ લોહિયાળ હુમલો એટલો ભયાનક હતો કે ગંભીર ઈજાઓના કારણે અમિત સલાટનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.

નિકુંજ મિસ્ત્રી ઉર્ફે ગબ્બર નામનો વ્યક્તિ વચ્ચે પડ્યો

આ ઘટના દરમિયાન જ્યારે અમિત પર હુમલો થઈ રહ્યો હતો ત્યારે તેને બચાવવા માટે નજીકમાં નિકુંજ મિસ્ત્રી ઉર્ફે ગબ્બર નામનો વ્યક્તિ વચ્ચે પડ્યો હતો. જોકે, ઉશ્કેરાયેલા હુમલાખોરોએ નિકુંજ પર પણ હથિયારોથી હુમલો કરી દીધો હતો, જેમાં તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો.

નિકુંજને સારવાર માટે ખસેડાયો

લોહીલુહાણ હાલતમાં નિકુંજને તાત્કાલિક સ્થાનિક હોસ્પિટલ અને ત્યારબાદ વધુ હોસ્પિટલ સારવાર માટે ગાંધીનગર સિવિલ ખાતે ખસેડવામાં આવ્યો છે. ઘટનાની જાણ થતાં જ વિજાપુર પોલીસનો કાફલો તાબડતોબ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. પોલીસે હાલ અજાણ્યા શખ્સો વિરુદ્ધ આઈપીસીની કલમો હેઠળ હત્યાનો ગુનો દાખલ કરીને હત્યારાઓને પકડી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. 


આ પણ વાંચો----   Gujarat Latest News Live : રાજકોટમાં વૃદ્ધને બંધક બનાવી કરોડોની સનસનાટીભરી લૂંટ

  • Follow us on: