મહેસાણા જિલ્લાના કડી તાલુકામાંથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલ ઉઠાવતો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. કડીના મોકાસણ ગામે માત્ર ચોરીની શંકાના આધારે એક 55 વર્ષીય પ્રૌઢને કાયદો હાથમાં લઈને નિર્દયતાથી માર મારી મોતને ઘાટ ઉતારી દેવામાં આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. તાલુકામાં ફરી એકવાર કાયદાના ડર વગર તાલિબાની સજા આપીને વ્યક્તિનો જીવ લેવાયો હોવાની આશંકા સેવાઈ રહી છે.


બે દિવસ પહેલા ઇજાગ્રસ્ત હાલતમાં મળ્યા હતા પ્રૌઢ

મળતી વિગતો અનુસાર, મોકાસણ ગામના વતની પ્રતાપજી મોહનજી ઠાકોર નામના વ્યક્તિ બે દિવસ પહેલા ગામમાંથી જ લોહીલુહાણ અને અત્યંત ગંભીર ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યા હતા. તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ગંભીર ઇજાઓના કારણે સારવાર દરમિયાન તેમણે દમ તોડ્યો હતો. પ્રૌઢનું મોત નીપજતાં જ આ મામલો હત્યામાં ફેરવાયો છે.

ગામના જ શખ્સ સામે હત્યાની આશંકા

પ્રાથમિક વિગતો મુજબ, પ્રતાપજી ઠાકોર પર ચોરીની શંકા રાખીને તેમને ઢોર માર મારવામાં આવ્યો હતો. આ ગુનામાં ગામના જ ઘનશ્યામભાઈ ઉર્ફે લાલી ચંદુભાઈ પટેલ નામના શખ્સ દ્વારા આ તાલિબાની સજા ફટકારવામાં આવી હોવાની પ્રબળ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો

આ ઘટનાની જાણ થતાં જ કડી પોલીસનો કાફલો ઘટનાસ્થળે અને હોસ્પિટલ દોડી ગયો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપીને સમગ્ર મામલે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે. આરોપીને ઝડપી પાડવા અને હત્યા પાછળનું સાચું કારણ જાણવા માટે પોલીસે અલગ-અલગ દિશામાં સઘન તપાસ શરૂ કરી છે.


આ પણ વાંચો - Mehsana News: મોકાસણ ગામે ચોરીની શંકાએ પ્રૌઢને માર માર્યો, સારવાર દરમિયાન મોત



  • Follow us on: