સુરત જિલ્લાના કામરેજ વિસ્તારમાંથી આર્થિક ગુના અને વિશ્વાસઘાતની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જ્યાં આવેલી એક નામાંકિત કુરિયર કંપનીમાં ફરજ બજાવતા કર્મચારીએ જ પોતાની કંપનીને લાખો રૂપિયાનો ચૂનો લગાવ્યો છે. ગ્રાહકો પાસેથી ઓનલાઇન ખરીદી પેટે મેળવેલા 'કેશ ઓન ડિલિવરી'ના રૂપિયા કંપનીમાં જમા કરાવવાના બદલે આ કર્મચારી તમામ રકમ લઈને ફરાર થઈ ગયો છે.
5 દિવસનું કલેક્શન ફરાર થયો કુરિયર કંપનીનો કર્મચારી
મળતી માહિતી મુજબ, ફરાર થઈ ગયેલો આ કર્મચારી છેલ્લા 5 દિવસથી ગ્રાહકોને પાર્સલ ડિલિવર કરીને કેશ ઓન ડિલિવરીની રકમ ઉઘરાવી રહ્યો હતો. નિયમ મુજબ આ રકમ ઓફિસે જમા કરાવવાની હોય છે, પરંતુ તેણે સતત પાંચ દિવસ સુધી કલેક્શન ઓફિસમાં જમા ન કરાવ્યું. જ્યારે કંપની દ્વારા હિસાબની તપાસ કરવામાં આવી ત્યારે ખબર પડી કે કર્મચારી કુલ 3,76,000 રૂપિયાની મોટી રકમ પોતાના ખિસ્સામાં મૂકીને નાસી છૂટ્યો છે.













