ઉત્તર પ્રદેશના મેરઠ જિલ્લામાં માનવતાને શરમાવે તેવી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. બહસૂમા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ફિરોઝપુર-સૈફપુર ગામમાં ઘર બહાર રમી રહેલા 7 વર્ષીય અંગદવીરનું અપહરણ કરીને તેની હત્યા કરવામાં આવી હતી. ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી.


CCTV ફૂટેજ અને ટેકનિકલ પુરાવાઓના આધારે આરોપી અર્પિત શર્માની ઓળખ કરાઈ

માહિતી મુજબ, અંગદવીર મંગળવારે સવારે ઘર બહાર રમતો હતો ત્યારે અચાનક ગુમ થઈ ગયો હતો. પરિવારજનોએ તેની શોધખોળ શરૂ કરી હતી, પરંતુ કોઈ પત્તો ન મળતા પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરીને આસપાસના CCTV ફૂટેજ અને ટેકનિકલ પુરાવાઓના આધારે આરોપી અર્પિત શર્માની ઓળખ કરી હતી. પૂછપરછ દરમિયાન શરૂઆતમાં આરોપીએ પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ કડક પૂછપરછ બાદ તેણે ગુનો કબૂલી લીધો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું કે આરોપીના બાળકની માતા સાથે પ્રેમસંબંધ હતા અને તે તેની સાથે લગ્ન કરવા ઈચ્છતો હતો. જોકે બાળક તેના સંબંધમાં અડચણરૂપ બનતો હોવાનો આરોપીનો દાવો હતો.

બાળકને ચોકલેટ આપવાની લાલચ આપી કારમાં બેસાડ્યો હતો

ઘટનાના દિવસે આરોપીએ બાળકને ચોકલેટ આપવાની લાલચ આપી કારમાં બેસાડ્યો હતો અને બાદમાં તેની હત્યા કરી દીધી હતી. શરૂઆતમાં તેણે મૃતદેહ નહેરમાં ફેંક્યાનો દાવો કર્યો હતો, પરંતુ બાદમાં સાચી માહિતી આપતાં તેની નિશાનદેહી પરથી પોલીસે એક ખેતરમાંથી બાળકનો મૃતદેહ શોધી કાઢ્યો હતો.

પોલીસના જણાવ્યા મુજબ બાળકના પિતા દુબઈમાં નોકરી કરે છે અને તેમની ગેરહાજરી દરમિયાન આરોપીની બાળકની માતા સાથે નજીકતા વધી હતી. મહિલા લગ્ન માટે તૈયાર ન હોવાથી આરોપીએ બદલો લેવા માટે આ કૃત્ય આચર્યું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. આ કેસ ઉકેલવા માટે પોલીસની પાંચ ટીમો કાર્યરત કરવામાં આવી હતી. હાલ આરોપીની ધરપકડ કરીને તેની સામે અપહરણ અને હત્યાની ગંભીર કલમો હેઠળ કાર્યવાહી કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો : સ્પીકર ઓમ બિરલાએ Mamata Banerjeeને આપી મોટી તક, શું TMC ભાગલામાંથી બચી શકશે?



  • Follow us on: