સંસ્કારી નગરી વડોદરામાં ગેરકાયદે પ્રવૃત્તિઓ અને બુટલેગરો સામે પોલીસ વિભાગ દ્વારા લાલ આંખ કરવામાં આવી છે. વડોદરા શહેર પોલીસે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત કરવાના ભાગરૂપે જપ્ત કરાયેલા ગેરકાયદે દારૂના જથ્થા પર અત્યાર સુધીની સૌથી મોટી અને કડક કાર્યવાહી હાથ ધરી છે. વડોદરા ગોત્રી વિસ્તારમાં નાયબ પોલીસ કમિશનરની સીધી અધ્યક્ષતા અને કડક દેખરેખ હેઠળ આ સમગ્ર પ્રક્રિયાને અંજામ આપવામાં આવ્યો હતો.


કોયલી ચેક પોસ્ટ ખાતે મેગા ડ્રાઈવ

વડોદરાના કોયલી ચેકપોસ્ટ નજીક આવેલા ખુલ્લા મેદાનને આ કામગીરી માટે પસંદ કરવામાં આવ્યું હતું. પોલીસ દ્વારા વિવિધ રેડ દરમિયાન પકડવામાં આવેલી દેશી-વિદેશી દારૂ અને બિયરની હજારો બોટલોને અહીં લાવવામાં આવી હતી. નાયબ પોલીસ કમિશનર અને ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં આ તમામ જથ્થાને મેદાનમાં લાઇનસર ગોઠવવામાં આવ્યો હતો. ત્યારબાદ કાયદાકીય પ્રક્રિયાના ભાગરૂપે આ દારૂના જથ્થાનો સંપૂર્ણ નાશ કરવાની મંજૂરી મળતાં જ પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી.


15 પોલીસ સ્ટેશનનો મુદ્દામાલ

પોલીસ વિભાગ પાસેથી મળતી વિગતો અનુસાર, આ મેગા ડિસ્ટ્રક્શન ડ્રાઈવમાં વડોદરા શહેરના ઝોન-1, ઝોન-3 અને ઝોન-4 હેઠળ આવતા કુલ 15 પોલીસ સ્ટેશનોનો સમાવેશ થાય છે. આ તમામ પોલીસ સ્ટેશનોની હદમાંથી અલગ-અલગ સમયે બુટલેગરો પાસેથી જપ્ત કરવામાં આવેલો મુદ્દામાલ અહીં લાવવામાં આવ્યો હતો. આ તમામ જથ્થાની કુલ કિંમત આશરે રૂ. 4 કરોડ જેટલી થવા જાય છે, જેને કાયદેસર રીતે મંજૂરી મેળવ્યા બાદ નષ્ટ કરવાનો નિર્ણય લેવાયો હતો.


રોડ રોલર અને બુલડોઝરથી કચ્ચરઘાણ

આ વિશાળ જથ્થાનો નાશ કરવા માટે ખાસ રોડ રોલર અને બુલડોઝર જેવા ભારે વાહનો મંગાવવામાં આવ્યા હતા. ઉપસ્થિત અધિકારીઓની નજર સામે જ વિદેશી દારૂ અને બિયરના ટીન પર રોડ રોલર ફેરવી દેવામાં આવ્યું હતું. મિનિટોની અંદર જ દારૂની હજારો કાચની બોટલોનો કચ્ચરઘાણ વળી ગયો હતો અને દારૂના વહેણ વહ્યા હતા. નશાબંધી અને અબકારી વિભાગના ઉચ્ચ અધિકારીઓની ખાસ હાજરી અને પંચોની રૂબરૂમાં આ સમગ્ર પ્રક્રિયાની વીડિયોગ્રાફી પણ કરવામાં આવી હતી, જેથી પારદર્શિતા જળવાઈ રહે.


બુટલેગરોમાં ફફડાટનો માહોલ

વડોદરા પોલીસની આ આક્રમક અને કડક કાર્યવાહીને પગલે સ્થાનિક બુટલેગરો અને અસામાજિક તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.


આ પણ વાંચો - Vadodara News: શહેરમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ, ઉકળાટથી મળી રાહત


  • Follow us on: