આધાર કાર્ડ (Aadhaar Card) ભારતમાં એક અત્યંત મહત્વપૂર્ણ દસ્તાવેજ છે, જે માત્ર સરકારી યોજનાઓનો લાભ લેવા માટે જ નહીં, પણ KYC અને બેંકિંગ કાર્યો માટે પણ અનિવાર્ય છે. શું તમે જાણો છો કે, નવજાત શિશુઓનું પણ આધાર કાર્ડ બને છે? હા, 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે જે કાર્ડ બનાવવામાં આવે છે તેને 'બાલ આધાર' (Baal Aadhaar) અથવા 'બ્લુ આધાર' (Blue Aadhaar) તરીકે ઓળખવામાં આવે છે.
'બાલ આધાર' શું છે?
બાલ આધાર એ 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટેનું આધાર કાર્ડ છે. આ કાર્ડ વાદળી રંગનું હોય છે, તેથી તેને 'બ્લુ આધાર' પણ કહેવામાં આવે છે. સૌથી મહત્વની વાત એ છે કે, આ કાર્ડ બનાવતી વખતે બાળકના કોઈપણ બાયોમેટ્રિક ડેટા (Biometric Data) (જેમ કે ફિંગરપ્રિન્ટ્સ કે આંખની કીકી) લેવામાં આવતા નથી.
બાળકની UID, તેમની વસ્તી વિષયક માહિતી (Demographic Information) અને તેમના માતા-પિતાના આધાર કાર્ડ સાથે જોડાયેલા ચહેરાના ફોટોગ્રાફના આધારે તૈયાર કરવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, બાળક જ્યારે 5 વર્ષ અને ફરીથી 15 વર્ષનો થાય, ત્યારે તેના બાયોમેટ્રિક ડેટા (દસ આંગળીઓ, આંખની કીકી અને ચહેરાનો ફોટો) અપડેટ કરાવવો ફરજિયાત છે.
બાલ આધાર કાર્ડના ફાયદાઓ
- ઓફિશિયલ ઓળખ: બાળકને સત્તાવાર ઓળખ મળે છે, જે હોટલમાં ચેક-ઇન, પ્રવાસ અને મુસાફરીમાં મદદરૂપ થાય છે.
- સરકારી યોજનાઓનો લાભ: સબસિડી, હેલ્થકેર અને પોષણ સંબંધિત સરકારી કલ્યાણકારી યોજનાઓનો લાભ મેળવવામાં સરળતા રહે છે.
- શાળામાં પ્રવેશ: સ્કૂલમાં એડમિશન અને મિડ-ડે મીલ જેવી યોજનાઓ માટે આવશ્યક છે.
- ડિજિટલ ઓળખ: આ કાર્ડ બાળકને ડિજિટલ ઓળખ અપાવે છે, જે ભવિષ્યમાં PAN કાર્ડ, બેંક ખાતું અને અન્ય નાણાકીય સેવાઓ સાથે જોડાવામાં મદદરૂપ થશે.
- બાલ આધાર કાર્ડ બનાવવા માટે ઓનલાઈન (UIDAI વેબસાઇટ પર એપોઇન્ટમેન્ટ બુક કરીને) અથવા ઓફલાઇન (નજીકના આધાર સેવા કેન્દ્ર પર જઈને) અરજી કરી શકાય છે. નોંધનીય છે કે, આ કાર્ડ બનાવવાની પ્રક્રિયા સંપૂર્ણપણે નિઃશુલ્ક છે.