જો તમે પણ એવા લોકોમાંથી એક છો જેમણે પોતાનું પાન કાર્ડ આધાર સાથે લિંક નથી કરાવ્યું, તો આ સમાચાર તમારા માટે છે. CBDTએ સ્પષ્ટ કહી દીધું છે કે PAN કાર્ડને આધાર સાથે લિંક કરાવવું ફરજિયાત છે. જેના માટેની ડેડલાઈન 31 ડિસેમ્બર 2025 છે. એટલે કે આ તારીખ સુધીમાં તમારે તમારું PAN કાર્ડ આધાર કાર્ડ સાથે લિંક કરાવી લેવું પડશે. નહીં તો 1 જાન્યુઆરી 2026થી તમારું PAN કાર્ડ ડિએક્ટિવેટ અથવા તો બંધ થઈ જશે. જેનાથી તમને આગળ જતા અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડશે.
કોના માટે આધાર સાથે PAN લિંક કરાવવું જરૂરી?
નાણામંત્રાલય દ્વારા 3 એપ્રિલ 2025ના રોજ જાહેર કરાયેલા નોટિફિકેશનમાં જણાવાયું છે કે જે વ્યક્તિને આધાર એનરોલમેન્ટ આઈડીના આધાર પર PAN કાર્ડ ઈશ્યૂ કરવામાં આવ્યું છે તેમના માટે PAN કાર્ડ સાથે આધારકાર્ડ લિંક કરાવવું જરૂરી છે. જો તમારું પાનકાર્ડ આધાર એનરોલમેન્ટ આઈડીનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યું છે તો પણ તમારે તમારો આધાર નંબર જાહેર થયા બાદ લિંકિંગની પ્રક્રિયા પૂરી કરવી પડશે.
આધાર સાથે પાન લિંક નહીં હોય તો સર્જાશે સમસ્યા
જો તમે 31 ડિસેમ્બર 2025 સુધી તમારું PAN કાર્ડ આધાર સાથે લિંક ના કરાવ્યું તો તેના બીજા જ દિવસથી તમારું પાન કાર્ડ ઈનએક્ટિવ થઈ જશે. જેના ઘણા બધા નુકસાન છે. તમે બેંક એકાઉન્ટ કે ડિમેટ એકાઉન્ટ નહીં ખોલાવી શકો. ફિક્સ્ડ ડિપોઝિટ નહીં કરી શકો. બેંકમાં 50,000થી વધુ કેશ જમા નહીં કરાવી શકો. શેર માર્કેટમાં પૈસા નહીં રોકી શકો. SIP શરૂ નહીં કરી શકો. કોઈ પણ સરકારી સ્કીમનો લાભ નહીં ઉઠાવી શકો. અને સૌથી મહત્વનું તમે ITR નહીં ભરી શકો. ત્યાં સુધી કે મકાન કે વાહન ખરીદવા કે વેચવામાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડશે.
PANને આધાર સાથે કેવી રીતે કરશો લિંક?
સૌથી પહેલા તમારે ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટની ઓફિશિયલ વેબસાઈટ https://www.incometax.gov.in/iec/foportal પર જવું પડશે. અહીં ડાબી બાજુ Link Aadahr વિકલ્પ કર ક્લિક કરવું પડશે. હવે અહીં તમારો આધાર નંબર લખી Validate બટન પર ક્લિક કરો. હવે તમારા આધાર સાથે રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર OTP આવશે, જેને સબમિટ કરતાંની સાથે જ તમારા PAN સાથે આધાર લિંકની પ્રોસેસ પૂરી થઈ જશે.