ગુજરાતી ફિલ્મો આજકાલ સિનેમાઘરોમાં ધૂમ મચાવી રહી છે. ગુજરાતી સિનેમામાં પણ બોલીવુડ અને હોલીવુડ ફિલ્મ જેવા અવનવા એક્સીપરિમેન્ટ ફિલ્મ ડાયરેક્ટર કરતાં રહે છે. આ દરમિયાન હાલમાં એક નવી ફિલ્મના ટ્રેલરે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે.


પ્રેમ ગઢવીનું આ ફિલ્મથી ડાયરેક્ટર તરીકે ડેબ્યૂ

આ અન્ય કોઈ ફિલ્મ નહીં પરંતુ અનોખી ગુજરાતી "અજબ રાતની ગજબ વાત" ફિલ્મની છે. આ ફેમસ ફિલ્મમાં ભવ્ય ગાંધી, આરોહી પટેલ, યશ્ચિ મહેતા, દીપ વૈદ, આરજે હર્ષ તથા આરજે રાધિકા લીડ રોલમાં જોવા મળશે. આ ફિલ્મનું લેખનકાર્ય પ્રેમ ગઢવી અદિતિ વર્મા તથા નિકિતા શાહ દ્વારા કરવામાં આવ્યું છે. આ ફિલ્મ પ્રેમ ગઢવીની ડાયરેક્ટર તરીકેની પહેલી ડેબ્યૂ ફિલ્મ છે. આ ફિલ્મમાં અન્ય ડાયરેક્ટર કિલ્લોલ પરમાર છે.

"એન્ટરટેઈનમેન્ટ, એન્ટરટેઈનમેન્ટ, એન્ટરટેઈનમેન્ટ...": પ્રેમ ગઢવી

"અજબ રાતની ગજબ વાત" ફિલ્મની સ્ટારકાસ્ટની સંદેશ સાથે ખાસ વાતચીત થઈ છે. આ વાતચીતમાં પ્રેમ ગઢવીએ વાત કરતાં જણાવ્યું કે 'મારા માટે દરેક ફિલ્મ કરવી એ એક સ્વપ્ન જેવી વાત છે.' આ ફિલ્મ જોવા માટે 3 કારણો જણાવવા વિશે કહેતા પ્રેમ ગઢવીએ જવાબ આપ્યો કે વિદ્યા બાલને કહ્યું તેમ - "એન્ટરટેઈનમેન્ટ, એન્ટરટેઈનમેન્ટ, એન્ટરટેઈનમેન્ટ..." આ ફિલ્મમાં અલગ અલગ ઈમોશન્સના બોમ્બ ફૂટતાં જોવા મળશે. આ સિવાય પ્રેમ ગઢવી અને કિલ્લોલ પરમારે કહ્યું કે બે ડાયરેક્ટરના વિચારો ભેગાં થાય તો ચર્ચા થાય, મતભેદ થાય અને અલગ અલગ આઈડિયા આવે પણ આ ચર્ચાઓ અને મતભેદ મજા ના આવે.

નવો વિચાર એ જ ગુજરાતી સિનેમાનું ભવિષ્ય: ભવ્ય ગાંધી

આ સિવાય ફિલ્મ વિશે ભવ્ય ગાંધીએ વાત કરતાં કહ્યું કે ગુજરાતી ઈન્ડસ્ટ્રીમાં નવી વાત, નવી વસ્તુ, નવો વિચાર એ જ ગુજરાતી સિનેમાનું ભવિષ્ય છે. આ ફિલ્મ કરવા માટે "પ્રેમ...!" એટલે કે પ્રેમ ભાઈ ખેંચી લાવ્યા. ફિલ્મની સ્ટોરી ખૂબ જ સરસ છે, આ ફિલ્મનો દરેક સીન દર્શકોને હસાવશે. આ સિવાય ભવ્ય ગાંધીએ કહ્યું કોઈ પણ માણસ તેના મૂળ સાથે સંકળાયેલો રહે છે અને તે તેની પરંપરા વિશે જાણવા માંગે છે, તેથી "Regional is the Future."

વાસ્તવિક પાત્ર કરતાં આ પાત્ર ખૂબ જ અલગ: આરોહી પટેલ

"અજબ રાતની ગજબ વાત" એક્ટ્રેસ આરોહી પટેલે કહ્યું કે મારા વાસ્તવિક પાત્ર કરતાં આ પાત્ર ખૂબ જ અલગ છે. મને ખુલ્લી ટી-શર્ટ અથવા ખુલ્લાં કપડાં પહેરવાનો શોખ છે, પણ આ ફિલ્મમાં વેડિંગ આઉટફિટ અને હેવી જ્વેલરી પહેરવી મારા માટે ખૂબ જ મુશ્કેલ હતું. આ ફિલ્મમાં આરોહી પટેલના પાત્રનું નામ પ્રણાલી છે, જે ખૂબ જિદ્દી છે, જે તે વિચારે છે, તે સમયે જ થવું જોઈએ. આ પાત્રમાં મને ઢળવા માટે પ્રેમ ગઢવીએ ખૂબ જ મદદ કરી. આ ફિલ્મ એક અલગ જ મેસેજ ડિલીવર કરશે.

આ સિવાય આ ફિલ્મમા 'ધ કોમેડી ફેકટરી' અને 'લવારી' શો માં ફેમ દીપ વૈદ્ય જોવા મળશે, દીપ માટે ભવ્ય ગાંધી સાથે કામ કરવું એક અલગ જ પ્રકારનો આનંદ છે. ફિલ્મના સેટ પર અને ઓફસીન ફિલ્મની સ્ટારકાસ્ટે ખૂબ જ મસ્તી કરી.આ ફિલ્મના પ્રોડ્યુસર ડો. જયેશ પાવરા છે.

15 નવેમ્બરે રિલીઝ થશે આ ફિલ્મ

"અજબ રાતની ગજબ વાત" ફિલ્મ રોમેન્ટિક કોમેડી અને ડ્રામા ફિલ્મ છે. આ ફિલ્મમાં એક રાતમાં તેમનો જીવનમાં કેવો બદલાવ આવે છે, તે જોવાનું રસપ્રદ રહેશે. આ ફિલ્મના ટ્રેલરને ફેન્સનો જેટલો પ્રેમ મળ્યો છે, તે પરથી કહી શકાય કે, આ ફિલ્મ દર્શકોને થિયેટર સુધી ખેંચી લાવવામાં સફળ થશે. આ ફિલ્મ દેવદિવાળી એટલે કે 15 નવેમ્બર 2024 ના શુક્રવારને રોજ થિયેટરોમાં રિલીઝ થશે.


  • Follow us on: