બિગબોસ અને વિવાદ કદાચ એક સિક્કાની બે બાજુ છે તે કહેવામાં કંઇ ખોટુ નહી. કારણ કે એકવાર ફરી શૉ બિગબોસ કાયદાકીય આંટીઘૂંટીનો શિકાર બન્યો છે. જો કે આ વખતે બિગ બોસ કન્નડ શો વિવાદમાં આવ્યો . આ શોને લઇને કર્ણાટક રાજ્ય મહિલા આયોગ અને કર્ણાટક પોલીસે ગોપનીયતા ભંગ કરવા માટે મેકર્સને નોટિસ ફટકારી છે.


બિગ બોસને નોટિસ મળી

બિગ બોસ કન્નડની 11મી સીઝનમાં 'હેવન એન્ડ હેલ' નામનું સાપ્તાહિક ટાસ્ક કરવામાં આવ્યું હતું. આમાં સ્પર્ધકોને અલગ-અલગ ભાગમાં વહેંચવામાં આવ્યા હતા, જેમાંથી કેટલાકને જેલ જેવા સેટિંગમાં રાખવામાં આવ્યા હતા. એટલું જ નહીં, મહિલા આયોગ દ્વારા કરવામાં આવેલી ફરિયાદમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે આ ટાસ્કમાં મહિલા સ્પર્ધકોની ગોપનીયતા અને ગુપ્તતાનું પણ ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું.

સૂત્રોએ જણાવ્યું હતું કે મહિલા સ્પર્ધકોએ પુરુષ સ્પર્ધકો સાથે વોશરૂમ શેર કરવો પડ્યો હતો. કારણ કે તેઓ નરકની સજામાંથી પસાર થઈ રહ્યા હતા. જ્યારે મહિલાઓ શૌચાલયમાંથી બહાર નીકળતી ત્યારે પુરુષો તેમને પાછા લઈ જતા હતા. ફરિયાદમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે ખેલાડીઓના યોગ્ય પોષણ અને સ્વચ્છતાનું ધ્યાન રાખવામાં આવ્યું નથી.

સ્પર્ધકોની કરવામાં આવી પૂછપરછ

આ બધા પર ચિંતા વ્યક્ત કરતા કર્ણાટક રાજ્ય મહિલા આયોગ અને કર્ણાટક પોલીસે બિગ બોસ કન્નડ વિરુદ્ધ નોટિસ જારી કરી છે. શોના નિર્માતાઓને કુમ્બલાગોડુ પોલીસ દ્વારા બોલાવવામાં આવ્યા છે અને તે એપિસોડની રૉ એટલે કે એડિટ કર્યા વિનાની અને પબ્લિશ ન થઇ હોય તેવી ક્લિપ અને ઓડિયો માગ્યો છે. પોલીસે 5 મહિલા સ્પર્ધકોના નિવેદન પણ લીધા છે જેઓ સેટિંગના 'હેલ' ભાગમાં બંધ હતી. સૂત્રોનું કહેવું છે કે ઘરમાં રહેલી મહિલા સ્પર્ધકોએ માનવાધિકાર ઉલ્લંઘનના કોઈપણ પાસાને નકારી કાઢ્યા છે અને કહ્યું છે કે તેમની સંમતિ વિના તેમના પર કંઈપણ લાદવામાં આવ્યું નથી.

પેટાએ નોટિસ મોકલી

ઉલ્લેખનીય છે કે બિગ બોસની હિન્દી સીઝન 18ને પણ કાનૂની નોટિસનો સામનો કરવો પડ્યો હતો. પ્રાણી કલ્યાણ માટે કામ કરતી સંસ્થા PETAએ રાષ્ટ્રીય ટીવી પર મનોરંજન માટે શોમાં સ્પર્ધક તરીકે હાજર રહેલા ગદર્ભનો ઉપયોગ કરવા સામે વાંધો ઉઠાવ્યો હતો. નોટિસ પછી નિર્માતાઓએ તરત જ કાર્યવાહી કરી અને ગદર્ભને 19મા સ્પર્ધક તરીકે મુક્ત કર્યો.

સૌથી વધુ ટીઆરપી મેળવનારો શૉ

બિગ બોસ કન્નડની વાત કરીએ તો, આ શો ત્યાં સૌથી વધુ ટીઆરપી મેળવનારા રિયાલિટી શોમાં ગણવામાં આવે છે. તાજેતરમાં તેની ટીઆરપી 9.9 હોવાનું કહેવાય છે. તેને અભિનેતા સુદીપ કિચ્ચા હોસ્ટ કરી રહ્યા છે. ભવ્ય ગૌડા, યમુના શ્રીનિધિ, શિશિર શાસ્ત્રી, ધનરાજ આચાર્ય જેવી ઘણી હસ્તીઓએ શોમાં પોતાની ઓળખ બનાવી છે.

  • Follow us on: