- કેસ 2014માં આવેલી ફિલ્મ 'કોચાદૈયાં' સાથે સંબંધિત
- રજનીકાંતની પુત્રી સૌંદર્યા દ્વારા નિર્માણ પામી હતી ફિલ્મ
- લતા પર ફિલ્મ પ્રચારમાં પૈસાનો દુરુપયોગ કરવાનો આરોપ
સુપરસ્ટાર રજનીકાંતની પત્ની લતા મોટી મુશ્કેલીમાં ફસાયેલી જોવા મળી રહી છે. લતા સામે છેતરપિંડીનો કેસ ફરી શરૂ કરવામાં આવ્યો છે. સર્વોચ્ચ અદાલતે કર્ણાટક હાઈકોર્ટના નિર્ણયને રદ કરીને લતા વિરુદ્ધ તપાસનો આદેશ આપ્યો છે.
છેતરપિંડીનાં કેસને પુનઃસ્થાપિત કરવાનો આદેશ
સુપ્રીમ કોર્ટે તેમની સામે છેતરપિંડીનાં કેસને પુનઃસ્થાપિત કરવાનો આદેશ આપ્યો છે. આ આદેશ બાદ લતા રજનીકાંત સામે છેતરપિંડીનો કેસ દાખલ કરવામાં આવશે. આ સાથે સુપ્રીમ કોર્ટે કર્ણાટક હાઈકોર્ટના આદેશને પણ સંપૂર્ણપણે પલટી નાખ્યો. જેમાં લતા રજનીકાંત પરના તમામ આરોપો અને કેસ રદ કરવામાં આવ્યા હતા.
પ્રમોશનની રકમનો દૂરુપયોગ
રજનીકાંતની પત્ની લતા પર ફિલ્મ 'કોચાદૈયાં'ના પોસ્ટ પ્રોડક્શન માટે આપવામાં આવેલા પૈસાનો કથિત દુરુપયોગ કરવાનો આરોપ છે. આ કેસમાં લતા રજનીકાંત વિરુદ્ધ છેતરપિંડીનો કેસ નોંધવામાં આવ્યો હતો. લતા રજનીકાંતે ફિલ્મના પ્રમોશન માટે બાકી રકમ ચૂકવી નથી તેવો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ સંદર્ભમાં લતા રજનીકાંત વિરુદ્ધ પ્રમોશન કંપની દ્વારા છેતરપિંડીનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો જેની સાથે ફિલ્મના પ્રચાર સંબંધિત પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું.
લતા રજનીકાંત પર કેસ અને કર્ણાટક હાઈકોર્ટનો આદેશ
સુપ્રીમ કોર્ટે નિર્દેશ આપ્યો કે લતા રજનીકાંતે કાં તો આ કેસમાં કાર્યવાહીનો સામનો કરવો જોઈએ અથવા પોતાને નિર્દોષ જાહેર કરવા માટે અરજી દાખલ કરવી જોઈએ. કર્ણાટકમાં લતા રજનીકાંત વિરુદ્ધ આઈપીસીની ચાર ફોજદારી કલમ 196, 199, 420 અને 463 હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી હતી. પરંતુ કોર્ટે લતાને રાહત આપતા 2022માં FIR રદ કરી દીધી હતી. પરંતુ હવે સુપ્રીમ કોર્ટે કર્ણાટક હાઈકોર્ટના આ આદેશને રદ્દ કરી દીધો છે.
અરજદારોએ શું કહ્યું?
આ સમગ્ર મામલો રજનીકાંતની પુત્રી સૌંદર્યા દ્વારા બનાવવામાં આવેલી ફિલ્મ 'કોચાદૈયાં' સાથે જોડાયેલો છે. અરજદારો અબીર ચંદ નાહર અને મધુબાલા નાહરે કહ્યું કે તેમણે આ પ્રોજેક્ટમાં રોકાણ કરવા માટે લગભગ 10 કરોડ રૂપિયા આપ્યા છે. અરજદારોએ આરોપ લગાવ્યો છે કે લતા રજનીકાંતે કંપનીને તેનો હક નથી આપ્યો.