આ દિવસોમાં ઓપલ સુચાતા ચુઆંગ્સરીના નામની ચર્ચા દરેક જગ્યાએ થઈ રહી છે. ઓપલ થાઇલેન્ડની રહેવાસી છે, જેણે મિસ વર્લ્ડ 2025નો ખિતાબ જીત્યો છે. ગયા વર્ષે તેણે મિસ યુનિવર્સ થાઇલેન્ડનો ખિતાબ પણ જીત્યો હતો. 31 મેની રાત્રે હૈદરાબાદના હાઇ-ટેક એક્ઝિબિશન સેન્ટરમાં જ્યારે તેના નામની જાહેરાત કરવામાં આવી, ત્યારે તે ખૂબ જ ખુશ થઈ ગઈ.
22 વર્ષની ઉંમરે મિસ વર્લ્ડ બની
મિસ વર્લ્ડ 2024 ક્રિસ્ટીના પિઝકોવા સ્ટેજ પર આવી અને સુચાતા ચુઆંગ્સરીને તાજ પહેરાવ્યો. તે સમયે ઓપલ ખૂબ જ ભાવુક થઈ ગયી. તે માત્ર 22 વર્ષની છે અને આટલી નાની ઉંમરે તેણે પોતાનું નામ દુનિયાભરમાં ફેમસ કરી દીધું છે. મિસ વર્લ્ડ બન્યા પછી તેને જે તાજ આપવામાં આવ્યો હતો તે ખૂબ જ ખાસ છે. તાજ સફેદ સોનાનો બનેલો છે. તેમાં 1770 હીરા પણ જડેલા છે. આ તાજની કિંમત 3 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે.
આ અમૂલ્ય તાજ આવતા વર્ષે ઓપલને પાછો આપવો પડશે. વર્ષ 2026માં જે કોઈ મિસ વર્લ્ડ બનશે, ઓપલને આ તાજ તેના પર પહેરાવવો પડશે. જોકે, મિસ વર્લ્ડ બનવા બદલ ઓપલને તાજની સાથે 1 મિલિયન યુએસ ડોલર પણ આપવામાં આવ્યા હતા, જે ભારતીય રૂપિયામાં આશરે 8.5 કરોડ રૂપિયા થાય છે.
એટલું જ નહીં, તેને મોડેલિંગ કોન્ટ્રાક્ટ અને બીજી ઘણી સુવિધાઓ પણ મળશે. આ ઉપરાંત, તેમને વિશ્વભરમાં ફરવાની તક પણ મળશે. તેણીને મિસ વર્લ્ડ ઓર્ગેનાઇઝેશન વતી આખી દુનિયાનો પ્રવાસ કરવાની તક મળશે.
સુચાતા ચુઆંગ્સરીની અહી સુધીની સફર સહેલી નહોતી
ઓપલ સુચાતા ચુઆંગ્સરી માટે અહીં પહોંચવું બિલકુલ સરળ નહોતું. તેણે લગભગ 110 દેશોની મોડેલોને પાછળ છોડીને તાજ પોતાના નામે કર્યો છે. તે છેલ્લા ચાર વર્ષથી મોડેલિંગની દુનિયામાં છે. ઓપલે 2021 માં મિસ રત્નાકોસીન ઇવેન્ટથી તેની પેજેન્ટ્રી કારકિર્દીની શરૂઆત કરી હતી પરંતુ તે જીતી શકી ન હતી. જોકે, વર્ષ 2024 માં, તેણીએ મિસ યુનિવર્સ થાઈલેન્ડ જીતીને ઇતિહાસ રચ્યો. આ ઇવેન્ટમાં, 125 સહભાગીઓ સાથે સ્પર્ધા કરી અને જીત મેળવી.