ઇન્ડિયાસ ગોટ લેટન્ટ શૉમાં યુટ્યુબર રણવીર અલ્હાબાદિયાની નિવેદનને લઇને રણવીર અને સમય રૈનાની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લેતી. મહારાષ્ટ્ર સાયબર સેલએ રણવીર અલ્હાબાદિયાને સમન પાઠવ્યુ છે. 24 ફેબ્રુઆરીએ મહારાષ્ટ્ર સાયબર સેલ સામે રજૂ થવુ પડશે. જ્યારે સમય રૈનાએ 18 ફેબ્રુઆરી એટલે કે આવતીકાલે જ મહારાષ્ટ્ર સાયબર સેલ સામે રજૂ કરવા કહ્યું છે. ઉલ્લેખનીય છે કે આ બંનેએ વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી હાજર રહેવા માટે અપીલ કરી હતી પરંતુ મહારાષ્ટ્ર સાયબર સેલએ તેઓની અરજી નકારી કાઢી હતી.
શું છે મામલો ?
સમય રૈનાનો શો 'ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ' વિવાદમાં આવ્યો હતો. આ શોના એક એપિસોડમાં રણવીર અલ્લાહબાદિયા જોવા મળ્યો હતો. જ્યાં તેણે એક સ્પર્ધકને માતાપિતા વિશે અશ્લીલ પ્રશ્ન પૂછ્યો. આ પછી વિવાદ વધ્યો. રણવીરે પોતાની ભૂલ માટે માફી માંગવી પડી. દરમિયાન, સમય રૈનાએ 'ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ' ના બધા એપિસોડ ડિલીટ કરી દીધા.
અલ્હાબાદિયાને મળી ધમકીઓ
મહત્વનું છે કે રણવીર અલ્લાહબાડિયાએ શનિવારે ફરી એકવાર પોતાની વિવાદાસ્પદ ટિપ્પણી બદલ માફી માંગી હતી. તેણે સોશિયલ મીડિયા પર જણાવ્યું કે તેને અને તેના પરિવારને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે. તેણે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરતા તેણે કહ્યું કે આ પરિસ્થિતિમાં મને ડર લાગી રહ્યો છે કારણ કે મને અને મારા પરિવારને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે. સાથે જ કહ્યું કે કેટલાક લોકો માતાના ક્લિનિકમાં પણ ઘૂસી ગયા હતા. જોકે રણવીરે એમ પણ કહ્યું કે તેઓ કોઈના ડરથી ભાગવાના નથી અને તેમને પોલીસ અને ન્યાય વ્યવસ્થા પર સંપૂર્ણ વિશ્વાસ છે.
વીડિયો કરાયા ડિલીટ
રણવીર અલ્લાહબાદિયાની વિવાદાસ્પદ ટિપ્પણી બાદ સોશિયલ મીડિયા પર તેનો ભારે વિરોધ થઈ રહ્યો છે. તેમની સામે પોલીસ ફરિયાદો નોંધાઈ હતી. મુંબઈ અને ગુવાહાટીમાં તેમની વિરુદ્ધ ફરિયાદો દાખલ કરવામાં આવી છે. વિવાદ બાદ રૈનાએ યુટ્યુબ પરથી શોના તમામ 18 એપિસોડ દૂર કર્યા અને કહ્યું કે તે અધિકારીઓને સંપૂર્ણ સહયોગ કરશે.