ભારતીય સિનેમાની શાનદાર અભિનેત્રીઓમાંની એક સારિકા આજે ૩ જૂનના રોજ પોતાનો જન્મદિવસ ઉજવે છે. રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા સારિકાનું જીવન કોઈ ફિલ્મી વાર્તાથી કમ નથી. તેમણે પોતાના જીવનમાં સફળતાના શિખરો પણ જોયા છે અને પ્રેમ, દગો, એકલતા તેમજ આત્મનિર્ભરતાના કપરા તબક્કાઓનો સામનો પણ કર્યો છે. આજે તેમના જન્મદિવસ પર જાણીએ તેમની જિંદગીના દર્દનાક કિસ્સા.
સારિકાનું 5 વર્ષની ઉંમરે છીનવાયું બાળપણ
૩ જૂન, ૧૯૬૦ના રોજ નવી દિલ્હીમાં જન્મેલી સારિકાનું બાળપણ ખૂબ જ મુશ્કેલીઓથી ભરેલું હતું. કૌટુંબિક આર્થિક સંજોગો એટલા ખરાબ હતા કે તેમણે માત્ર ૫ વર્ષની કુમળી વયે જ પરિવારનું ગુજરાન ચલાવવા માટે અભિનયની દુનિયામાં પગ મૂકવો પડ્યો. રમવા-ભણવાની ઉંમરે તેમના પર આખા ઘરની જવાબદારી આવી ગઈ હતી. ફિલ્મ ઉદ્યોગમાં તેઓ બાળ કલાકાર તરીકે "બેબી સારિકા" ના નામે મશહૂર થયા અને ધીમે ધીમે પોતાની અદભુત પ્રતિભાથી દર્શકોના દિલ જીતી લીધા.
મિત્રના પતિના પ્રેમમાં પડી અને શરૂ થયો વિવાદ
સારિકા જેટલી પોતાની ફિલ્મો માટે ચર્ચામાં રહી, એટલી જ તે પોતાની પર્સનલ લાઈફને લીધે પણ હેડલાઈન્સમાં રહી હતી. સુપરસ્ટાર કમલ હાસન સાથેના તેમના પ્રેમ સંબંધોએ તે જમાનામાં ભારે ખળભળાટ મચાવ્યો હતો. રસપ્રદ વાત એ છે કે, સારિકાની મુલાકાત કમલ હાસનની પહેલી પત્ની વાણી મારફતે જ થઈ હતી, કારણ કે સારિકા વાણીની ખાસ મિત્ર હતી. પરંતુ સમય જતાં સારિકા અને કમલ હાસન એકબીજાના પ્રેમમાં પડી ગયા.
લિવ-ઇન રિલેશનશિપ અને સામાજિક બહિષ્કાર, સારિકા
જ્યારે કમલ હાસને તેમની પહેલી પત્ની વાણી સાથે ૧૦ વર્ષ જૂના લગ્નજીવનનો અંત આણ્યો, ત્યારે તેમણે ભારે ભરણપોષણ ચૂકવવું પડ્યું હતું. કમલ હાસને પોતે સ્વીકાર્યું હતું કે આ ભરણપોષણ ચૂકવવામાં તેઓ સંપૂર્ણપણે નાદાર થઈ ગયા હતા. છૂટાછેડા પછી, કમલ અને સારિકાએ લગ્ન વગર સાથે રહેવાનું શરૂ કર્યું. ૮૦ના દાયકાના ભારતીય સમાજ માટે આ ખૂબ જ ચોંકાવનારી બાબત હતી, જેના કારણે આ કપલે ભારે સામાજિક બહિષ્કાર અને લોકાપવાદનો સામનો કરવો પડ્યો હતો.
કમલ હાસન સાથે લગ્ન, પુત્રીનું સ્વાગત
અભિનેતા કલમ હસન સાથેના સંબંધ દરમિયાન જ ૧૯૮૬માં સારિકાએ તેમની મોટી પુત્રી શ્રુતિ હાસનનું દુનિયામાં સ્વાગત કર્યું હતું. દીકરીના જન્મના બે વર્ષ બાદ, એટલે કે ૧૯૮૮માં આ કપલે સત્તાવાર રીતે લગ્ન કર્યા. લગ્નના ચાર વર્ષ પછી તેમની નાની દીકરી અક્ષરા હાસનનો જન્મ થયો. લગ્ન પછી આ બંને વચ્ચે અંતર વધવા લાગ્યું. મીડિયા અહેવાલો મુજબ, કમલ હાસનને ફરી એકવાર સારિકાની જ એક ખાસ મિત્ર સાથે પ્રેમ થઈ ગયો. પરિણામે, ૨૦૦૪માં આ બંને સત્તાવાર રીતે અલગ થઈ ગયા.
દીકરીઓએ મોં ફેરવ્યું, એકલવાયું જીવન જીવે છે સારિકા
કમલ હાસનથી અલગ થયા પછી સારિકા પર મુશ્કેલીઓનો પહાડ તૂટી પડ્યો. આ મુશ્કેલ સમયમાં તેમની પોતાની દીકરીઓ—શ્રુતિ અને અક્ષરાએ પણ તેમની માતાથી અંતર જાળવી લીધું અને પિતા તરફ વળી ગઈ. બંને દીકરીઓ માતાથી અલગ રહેવા લાગી, જેના કારણે સારિકા સાવ એકલી પડી ગઈ. આટલી મોટી ખ્યાતિ મેળવ્યા પછી પણ, આ અભિનેત્રી આજે એકલવાયું જીવન જીવી રહી છે, પરંતુ તેમનો આ આત્મનિર્ભરતા અને હિંમતભર્યો અંદાજ આજે પણ અકબંધ છે.
આ પણ વાંચો : TMKOCના આ કલાકારનો બોલીવુડમાં અનોખો રેકોર્ડ! 30 ફિલ્મોમાં ભજવ્યો એક જ ટાઇપનો રોલ, નામ જાણીને ચોંકી જશો