બોલીવુ઼ડ સુપરસ્ટાર અમિતાભ બચ્ચને ફરી એકવાર એર ઇન્ડિયાની દુર્ધટનના પર દુ:ખ વ્યક્ત કર્યું છે. સુપરસ્ટારે 12 જૂનના રોજ થયેલા આ અકસ્માત પર કલાકો બાદ પોસ્ટ કરી હતી જેના કારણે તેઓ સોશિયલ મીડિયા પર ટ્રોલ થયા હતા. યુઝર્સેની ટીકા બાદ પણ બિગ બીએ ફરી એકવાર આ વિશે વાત કરી હતી. આ અકસ્માતમાં તેમના એક નજીકના મિત્રના પુત્રનું પણ મૃત્યુ થયું જેના કારણે તેઓ ખૂબ જ દુઃખી છે.
મને ખૂબ દુઃખ થયું: અમિતાભ બચ્ચન
અમિતાભ બચ્ચને કહ્યું હતું કે તેઓ ખૂબ જ દુઃખી છે અને તેમણે પ્રાર્થના કરી કે આ દુઃખ આપણને એક કરે જેથી આપણે જીવ ગુમાવનારાઓને શ્રદ્ધાંજલિ આપી શકીએ. તેમણે એમ પણ કહ્યું હતું કે અકસ્માતની પારદર્શક રીતે તપાસ થવી જોઈએ. બિગ બીએ પોતાના બ્લોગમાં લખ્યું હતું કે, 'એર ઇન્ડિયા અકસ્માતથી હું ખૂબ જ દુઃખી અને વ્યથિત છું. આપણા લોકો સિવાય હું આ અકસ્માતમાં પોતાના નાગરિકો ગુમાવનારા અન્ય દેશો પ્રત્યે મારી સંપૂર્ણ સંવેદના અને સમર્થન વ્યક્ત કરું છું. હું પ્રાર્થના કરું છું કે આ દુઃખ આપણને એક કરે જેથી આપણે બધા મળીને મૃતકોને શ્રદ્ધાંજલિ આપી શકીએ.'
અમિતાભ બચ્ચને આગળ કહ્યું હતું કે, 'આ અકસ્માતની તપાસ પ્રામાણિકતા અને પારદર્શિતા સાથે થવી જોઈએ જેથી આપણે તેને હંમેશા યાદ રાખી શકીએ અને તેમાંથી કંઈક શીખી શકીએ. આપણે મજબૂત બનવું પડશે, યોગ્ય પગલાં લેવા પડશે અને ઝડપથી શીખવું પડશે જેથી દરેકને આ દુઃખ દૂર કરવામાં મદદ મળી શકે.'
અકસ્માતમાં અમિતાભ બચ્ચનના નજીકના મિત્રના પુત્રનું અવસાન
આ અકસ્માતમાં અમિતાભ બચ્ચનના નજીકના મિત્રના પુત્રનું પણ અવસાન થયું છે જેના પછી બિગ બી ભાવુક થઈ ગયા હતા. કોઈનું નામ લીધા વિના બિગ બીએ લખ્યું કે, 'આ સવારે મને અને મારા પરિવારને બીજો ઊંડો આઘાત લાગ્યો. આ સવારે દુઃખદ સમાચાર આવ્યા. અમારા એક ખૂબ જ પ્રિય મિત્રએ પોતાનો પુત્ર ગુમાવ્યો અને તે નાનો હતો આ બધું ખૂબ જ અચાનક બન્યું. અમારા મિત્ર અને અમે જે પીડા અને દુ:ખમાંથી પસાર થઈ રહ્યા છીએ તે અકલ્પનીય છે. એવું માનવું ખૂબ મુશ્કેલ છે કે આવું થયું છે. હવે આપણે ફક્ત પ્રાર્થના કરવાની છે અને શોકમાં રહેલા લોકોને હિંમત આપવાની છે જેથી તેઓને આ નુકસાન સહન કરવાની શક્તિ મળે.'
તમને જણાવી દઈએ કે 12 જૂનના રોજ બપોરે એર ઈન્ડિયાના બોઈંગ 787-8 ડ્રીમલાઈનર વિમાનને અકસ્માત નડ્યો હતો. એરક્રાફ્ટ AI-171 અમદાવાદથી લંડન ગેટવિક જઈ રહ્યું હતું. ટેકઓફ કર્યાના થોડા સમય બાદ આ વિમાન બી.જે. મેડિકલ કોલેજ નજીક રહેણાંક વિસ્તારમાં પડી ગયું. આ અકસ્માતમાં 241 મુસાફરોના મોત થયા હતા. આ ક્રેશ થયેલા વિમાનમાં 230 મુસાફરો, 10 કેબિન ક્રૂ સભ્યો અને 2 પાયલોટ હતા. અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ અકસ્માતમાં ફક્ત એક જ વ્યક્તિ બચી ગયો હતો જે સીટ 11A પર બેઠો હતો. તે સ્થાનિક હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.