અમિતાભ બચ્ચને હાલમાં મુંબઈના સૌથી લોકપ્રિય ગણપતિ પંડાલોમાંથી એક લાલબાગચા રાજાને 11 લાખ રૂપિયાનું દાન આપ્યું હતું. જોકે તેમણે આ દાન પોતાના હાથે આપ્યું ન હતું પરંતુ બિગ બીએ તેમની ટીમ દ્વારા ચેક મોકલ્યો હતો. લાલબાગચા રાજાના સેક્રેટરી સુધીર સાલ્વીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તેઓ ચેક સ્વીકારતા અને પત્રકારો માટે પોઝ આપતા જોવા મળે છે. અમિતાભના દાનના સમાચાર આવતાની સાથે જ સોશિયલ મીડિયા યુઝર્સ પીઢ અભિનેતા પર ગુસ્સે ભરાયેલા જોવા મળી રહ્યા છે. તેમનું કહેવું છે કે બિગ બીએ આ સમયે પંજાબના લોકોને મદદ કરવી જોઈતી હતી.


કેટલાક લોકો 11 લાખ રૂપિયાનું દાન આપવા બદલ મેગાસ્ટારના વખાણ કરી રહ્યા છે તો કેટલાક લોકો તેમનાથી નારાજ છે. લોકોનું કહેવું છે કે આ રકમ પંજાબમાં આવેલા વિનાશક પૂર પછી સંઘર્ષ કરી રહેલા લોકોને મદદ કરી શકી હોત. લાલબાગચા રાજા સાર્વજનિક ગણેશોત્સવ મંડળના ટ્રસ્ટીઓએ આ દાનની પુષ્ટિ કરી છે જેનાથી પંડાલમાં ઉત્સવનો માહોલ વધુ મજબૂત બન્યો છે.

અમિતાભ બચ્ચને 11 લાખનું દાન આપ્યું

અમિતાભ બચ્ચનની ટીમ તરફથી 11 લાખ રૂપિયાનો સહી કરેલો ચેક સ્વીકારતી પંડાલ સમિતિનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જોકે, આ પગલા પર ઓનલાઈન મિશ્ર પ્રતિક્રિયાઓ મળી છે. ઘણા લોકોએ બચ્ચનની ઉદારતા અને શ્રદ્ધાની પ્રશંસા કરી છે તો કેટલાક લોકોએ સવાલ કર્યો છે કે તેમણે પૂર પછીની પરિસ્થિતિનો સામનો કરી રહેલા પંજાબમાં પૂર રાહત માટે કેમ યોગદાન આપ્યું નથી.

લોકોએ આપી આ પ્રતિક્રિયા

ઘણા યુઝર્સે ટિપ્પણી કરી હતી કે, 'જો તમે પંજાબ માટે આ કર્યું હોત, તો આપણે વધુ ખુશ થાત, કેટલાક યુઝર્સે ધ્યાન દોર્યું કે સેલિબ્રિટીઓ ઘણીવાર ધાર્મિક કાર્યો માટે દાન આપવા તૈયાર હોય છે પરંતુ ભાગ્યે જ આપત્તિ રાહત માટે આગળ આવે છે. બીજા યુઝરે લખ્યું હતું કે, પંજાબ માટે પણ દાન કરો, ભગવાનને મદદ કરવાથી મદદ મળશે નહીં. મનુષ્યોને મદદ કરો. બીજા યુઝરે ટિપ્પણી કરી હતી કે, જો તમે તે પંજાબને આપ્યું હોત એક કે બે પરિવાર દત્તક લીધા હોત તો તમારા પૈસા સીધા ગણપતિ બાપ્પા સુધી પહોંચી ગયા હોત.' આવી રીતે લોકો બીગબીની પોસ્ટ પર મિશ્ર પ્રતિક્રિયા આપી રહ્યા છે.

પંજાબે ગંભીર પૂરનો સામનો કર્યો

પંજાબ 1988 પછીના સૌથી ભયાનક પૂરનો સામનો કરી રહ્યું છે જેમાં 1300થી વધુ ગામડાઓ ડૂબી ગયા છે. પ્રારંભિક અંદાજ મુજબ, કાપણી પહેલા લગભગ 3 લાખ એકર (1,20,000 હેક્ટર) ડાંગર અને અન્ય પાક પાણીમાં ડૂબી ગયા હોવાથી મોટા પાયે કૃષિ નુકસાન થયું છે. અધિકારીઓએ પુષ્ટિ આપી કે બુધવારે રાજ્યમાં ભારે વરસાદ પડ્યા બાદ કટોકટી વધુ વકરી જેના કારણે મૃત્યુઆંક વધી ગયો હતો.


  • Follow us on: