નાગ અશ્વિનના નિર્દેશનમાં બનેલી સાયન્સ ફિક્શન ફિલ્મ "કલ્કી ૨૮૯૮ એડી" ને દર્શકોએ ખૂબ જ પ્રેમ આપ્યો હતો. પ્રભાસ, અમિતાભ બચ્ચન અને દીપિકા પાદુકોણ જેવા દિગ્ગજ કલાકારોથી સજ્જ આ બ્લોકબસ્ટર ફિલ્મનો બીજો ભાગ પણ આવવાનો છે, જેની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. પરંતુ, સિક્વલને લઈને એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. ફિલ્મમાંથી અભિનેત્રી દીપિકા પાદુકોણને બહાર કરી દેવામાં આવી છે, ત્યારથી જ સોશિયલ મીડિયા પર અટકળો તેજ થઈ છે કે હવે ફિલ્મમાં તેમની જગ્યા કોણ લેશે?


શું આલિયા ભટ્ટની થશે 'કલ્કી 2' માં એન્ટ્રી?

છેલ્લા કેટલાક સમયથી અહેવાલો વહેતા થયા હતા કે બોલિવૂડ કવીન આલિયા ભટ્ટ 'કલ્કી'ની સિક્વલમાં જોવા મળી શકે છે. એટલું જ નહીં, એવી ચર્ચાઓ પણ હતી કે આલિયાએ ફિલ્મ માટે કેટલાક સીનનું શૂટિંગ પણ કરી લીધું છે. આ સમાચારો વાયરલ થતાં જ સોશિયલ મીડિયા પર યુઝર્સ સતત સવાલ પૂછી રહ્યા છે કે શું આલિયા ફિલ્મમાં દીપિકાની જગ્યાએ જોવા મળશે કે પછી કોઈ નવા જ રોલમાં એન્ટ્રી કરશે?

વાયરલ સમાચારો પર ફિલ્મના પ્રવક્તાએ શું કહ્યું?

આલિયા ભટ્ટના કાસ્ટિંગને લઈને ચાલી રહેલી તમામ અફવાઓ પર ફિલ્મના પ્રવક્તાએ પૂર્ણવિરામ મૂકી દીધું છે. સત્તાવાર સ્પષ્ટતા કરતા પ્રવક્તાએ જણાવ્યું કે, "અત્યાર સુધી કોઈ શૂટિંગ થયું નથી. ફિલ્મમાં આલિયાની એન્ટ્રીને લઈને કોઈ ઓફિશિયલ કન્ફર્મેશન નથી. સોશિયલ મીડિયા પર કોઈએ આ ખોટી પોસ્ટ મૂકી અને બાકીના લોકોએ તેને કોપી-પેસ્ટ કરવાનું શરૂ કરી દીધું. કાસ્ટિંગ અંગે હજુ સુધી કશું નક્કી કરાયું નથી."

નિર્માતાઓએ દીપિકાના બહાર થવા પર લગાવી મહોર

તમને જણાવી દઈએ કે 'કલ્કી ૨૮૯૮ એડી' ના પહેલા ભાગમાં દીપિકા પાદુકોણે એક ગર્ભવતી મહિલા 'સુમતી'ની મુખ્ય ભૂમિકા ભજવી હતી અને વાર્તા મુજબ બીજા ભાગમાં પણ તેનો રોલ ઘણો મહત્વનો માનવામાં આવતો હતો. જોકે, નિર્માતાઓએ સપ્ટેમ્બર ૨૦૨૫માં જ દીપિકાના ફિલ્મમાંથી બહાર થવાની સત્તાવાર જાહેરાત કરી દીધી હતી.

'કલ્કી ૨૮૯૮ એડીનો હિસ્સો નથી દીપિકા, મેકર્સ

"અમે સત્તાવાર રીતે જાહેર કરીએ છીએ કે દીપિકા પાદુકોણ હવે 'કલ્કી ૨૮૯૮ એડી' ની સિક્વલનો હિસ્સો નથી. ઘણી ચર્ચા-વિચારણા બાદ અમે પરસ્પર સહમતીથી અલગ થવાનો નિર્ણય લીધો છે. પહેલા ભાગની લાંબી સફર બાદ, અમે બીજા ભાગમાં સાથે કામ કરી શકીએ તેમ નથી. 'કલ્કી' જેવી ભવ્ય ફિલ્મ માટે મોટા સ્તરે પ્રતિબદ્ધતાની જરૂર હોય છે. અમે દીપિકાને તેના ભવિષ્ય માટે ખૂબ-ખૂબ શુભકામનાઓ પાઠવીએ છીએ."હવે જોવાનું એ રહેશે કે મેકર્સ દીપિકા પાદુકોણના સ્થાને કઈ નવી અભિનેત્રીની પસંદગી કરે છે અને ફિલ્મની સિક્વલ ક્યારે ફ્લોર પર આવે છે.


આ પણ વાંચો : Entertainment : સોનુ નિગમના વાયરલ વીડિયોએ ફેન્સની વધારી ચિંતા, ફેમસ ગાયક બીમારીનો શિકાર

  • Follow us on: