અર્ચના પૂરણ સિંહના દીકરાઓ હવે મોટા થઈ ગયા છે અને પોતાની મહેનતથી કમાવા લાગ્યા છે. તાજેતરમાં આવેલા તેમના ફેમિલી વ્લોગમાં આ વાત સામે આવી કે આયુષ્માન અને આર્યમાનએ પહેલીવાર પોતાની કમાણીમાંથી ફ્લાઇટની બિઝનેસ ક્લાસ ટિકિટ ખરીદી. આ ક્ષણ અર્ચના માટે ખૂબ ભાવુક હતી, જ્યારે પિતા પરમીત સેઠી ગર્વથી “શાબાશ” કહેતા નજરે પડ્યા.
પરિવારની સ્વિટ્ઝર્લૅન્ડ યાત્રાની ઝલક
અર્ચના પૂરણ સિંહ, પરમીત સેઠી અને તેમના પુત્રો આયુષ્માન તથા આર્યમાન આજે ફેમિલી વ્લોગર્સ તરીકે પણ લોકપ્રિય છે. તેમના તાજેતરના યુટ્યુબ વ્લોગમાં પરિવારની સ્વિટ્ઝર્લૅન્ડ યાત્રાની ઝલક જોવા મળી. આ દરમિયાન અર્ચનાએ એક મહત્વનો નિયમ જાહેર કર્યો, જે તેમણે વર્ષોથી પોતાના બાળકો માટે રાખ્યો હતો.
માતા–પિતા સાથે ફર્સ્ટ કે બિઝનેસ ક્લાસમાં મુસાફરી નહીં કરે
અર્ચનાએ જણાવ્યું કે ભલે તેણે પોતાના જીવનમાં ઘણી લક્ઝરી જોઈ હોય, પરંતુ તેમણે બાળકોને તેનાથી દૂર રાખવાનો પ્રયાસ કર્યો. તેમના ઘરમાં સ્પષ્ટ નિયમ હતો કે જ્યાં સુધી દીકરાઓ પોતાની કમાણીથી ટિકિટ ખરીદવા લાયક ન બને, ત્યાં સુધી તેઓ માતા–પિતા સાથે ફર્સ્ટ કે બિઝનેસ ક્લાસમાં મુસાફરી નહીં કરે. આ નિયમ પાછળનો હેતુ બાળકોને મહેનતનું મહત્વ સમજાવવાનો હતો.
પહેલીવાર આયુષ્માન અને આર્યમાન બિઝનેસ ક્લાસમાં
સ્વિટ્ઝર્લૅન્ડની આ યાત્રા ખાસ એટલા માટે બની કે આ પહેલીવાર આયુષ્માન અને આર્યમાન બિઝનેસ ક્લાસમાં મુસાફરી કરી રહ્યા હતા, તે પણ પોતાની કમાણીમાંથી. વીડિયોમાં આયુષ્માન કહે છે, “આ પહેલી વાર છે જ્યારે અમે બિઝનેસ ક્લાસમાં મુસાફરી કરી રહ્યા છીએ. અમારા માતાપિતાનો નિયમ હતો કે તેઓ અમને ક્યારેય આવી ટિકિટ આપશે નહીં, અમારે તે જાતે કમાવાની હતી.” આ વાત સાંભળતા જ અર્ચનાએ હળવી સ્મિત સાથે કહ્યું, “અને હવે તમે તે મેળવી લીધું છે.” પરમીત સેઠીએ પણ દીકરાઓને અભિનંદન આપતા કહ્યું, “શાબાશ છોકરાઓ.” આ ક્ષણ માત્ર મુસાફરીની નહીં, પરંતુ જવાબદારી અને સ્વતંત્રતાની પણ હતી.
આર્યમાન ટૂંક સમયમાં જ ફિલ્મોમાં પોતાનું ડેબ્યૂ
આર્યમાન ટૂંક સમયમાં જ ફિલ્મોમાં પોતાનું ડેબ્યૂ કરવા જઈ રહ્યો છે. અગાઉના એક વ્લોગમાં અર્ચનાએ ખુલાસો કર્યો હતો કે આર્યમાનને તેની પહેલી ફિલ્મ મળી ગઈ છે. વર્ષો સુધી તેણે 100થી વધુ ઓડિશનમાં ભાગ લીધો, પરંતુ લાંબા સમય સુધી કોઈ સકારાત્મક જવાબ મળ્યો નહોતો. હવે તે પોતાની પહેલી ફિલ્મનું શૂટિંગ કરી રહ્યો છે. આર્યમાનને તાજેતરમાં શ્રી શ્રી રવિશંકરના આશીર્વાદ પણ મળ્યા. તેમણે આર્યમાનને સલાહ આપતા કહ્યું, “તમે જે પણ ભૂમિકા ભજવો, તેને સંપૂર્ણપણે જીવો. તેમાં ડૂબી જાઓ, ભૂલી જાઓ કે તમે આર્યમાન છો. ત્યારે જ સાચી સફળતા મળશે.” આ શબ્દો આર્યમાન માટે માર્ગદર્શક બની રહ્યા છે. અર્ચના પૂરણ સિંહ અને પરમીત સેઠીએ પોતાના બાળકોને લક્ઝરી કરતાં મહેનત અને આત્મનિર્ભરતાનું મૂલ્ય શીખવ્યું છે. દીકરાઓએ પહેલી કમાણીમાંથી ટિકિટ ખરીદીને માત્ર એક ફ્લાઇટ નહીં, પરંતુ જીવનની એક મહત્વની ઉડાન ભરી છે.
આ પણ વાંચો : Film Toxic : ટોક્સિકમાં હુમા કુરેશી બની એલિઝાબેથ, યશની ફિલ્મનું નવું પોસ્ટર જોઈ ફેન્સ બોલ્યા- આખી વાઇબ હોલીવુડ જેવી…!