પંજાબી ગાયક ગુરુ રંધાવાના જીમમાં થયેલા ગોળીબારના બરાબર 14 દિવસ પછી દિલ્હી પોલીસને એક મોટી સફળતા મળી છે. દિલ્હી પોલીસ સ્પેશિયલ સેલની કાઉન્ટર ઇન્ટેલિજન્સ યુનિટ (CIU) ટીમે એક દિલધડક એન્કાઉન્ટર બાદ લોરેન્સ બિશ્નોઈ અને અનિલ પંડિત ગેંગ સાથે સંકળાયેલા બે મુખ્ય શૂટર્સની ધરપકડ કરી છે.


પગમાં ગોળી વાગતા બંને શૂટર્સ ઝડપાયા

પોલીસના જણાવ્યા અનુસાર, પશ્ચિમ વિહાર વિસ્તારમાં મોડી રાત્રે આ એન્કાઉન્ટર થયું હતું. ધરપકડ કરાયેલા આરોપીઓની ઓળખ હકીકત અને સાગર તરીકે થઈ છે, જેઓ મૂળ હરિયાણાના સોનીપતના રહેવાસી છે. આ બંને શૂટર્સ દિલ્હીમાં અન્ય કોઈ મોટી ગુનાહિત ઘટનાને અંજામ આપવાના ઈરાદાથી ફરી રહ્યા હતા. જ્યારે સ્પેશિયલ સેલની ટીમે પશ્ચિમ વિહાર વિસ્તારમાં તેમને ઘેરીને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો, ત્યારે શૂટર્સે પોલીસ પર સીધું ફાયરિંગ શરૂ કરી દીધું હતું. પોલીસે વળતો જવાબ આપતા જવાબી ગોળીબાર કર્યો હતો, જેમાં બંને શૂટર્સના પગમાં ગોળી વાગી હતી અને તેઓ ઘાયલ થતાં પોલીસે તેમને દબોચી લીધા હતા. તેમની પાસેથી પાકિસ્તાની બનાવટના હથિયારો અને એક મોટરસાઇકલ જપ્ત કરવામાં આવી છે.

ગુરુરંધાવા જીમ કેસમાં શું હતો સમગ્ર મામલો?

ઉલ્લેખનીય છે કે, ૧૧ જૂન, ૨૦૨૬ ના રોજ દિલ્હીના પશ્ચિમ વિહારમાં આવેલા ગુરુ રંધાવાના '૨૪ કલાક ફિટનેસ' જીમ પર મોટરસાઇકલ પર આવેલા બે અજાણ્યા નકાબપોશ હુમલાખોરોએ અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. જોકે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. હુમલાના થોડા જ સમય બાદ લોરેન્સ બિશ્નોઈ ગેંગે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને આ ફાયરિંગની જવાબદારી સ્વીકારી હતી.

સલમાન ખાન સાથેની નિકટતા બની કારણ?

ઇન્ટરનેટ પર વાયરલ થયેલી એક કથિત ઓડિયો ક્લિપમાં ગેંગના સભ્યએ દાવો કર્યો હતો કે ગુરુ રંધાવા બોલિવૂડ અભિનેતા સલમાન ખાનની ખૂબ નજીક છે, અને આ નિકટતાના કારણે જ તેના જીમને નિશાન બનાવવામાં આવ્યું હતું.

કેસમાં અત્યાર સુધીમાં કુલ 4 ધરપકડ

દિલ્હી પોલીસ આ હાઈપ્રોફાઈલ કેસમાં શરૂઆતથી જ ખૂબ સક્રિય જોવા મળી છે. સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ પુરાવાઓના આધારે પોલીસે તપાસ તેજ કરી હતી. પ્રથમ સફળતા ૧૭ જૂનના રોજ ઘટનાના છ દિવસ પછી જ ક્રાઈમ બ્રાન્ચે લોરેન્સ ગેંગના બે આરોપીઓ અમન અને તુષારની ધરપકડ કરી લીધી હતી. અને ત્યારબાદ ૨૫ જૂન હવે સ્પેશિયલ સેલે એન્કાઉન્ટર બાદ હકીકત અને સાગર નામના વધુ બે મુખ્ય શૂટર્સને ઝડપી લીધા છે. આ ઓપરેશન બાદ પોલીસે લોરેન્સ ગેંગના સ્થાનિક નેટવર્ક અને કનેક્શનને તોડી પાડવા માટે આગળની કાયદેસરની કાર્યવાહી અને પૂછપરછ હાથ ધરી છે.


આ પણ વાંચો : Alka Yagnik: પદ્મ ભૂષણ એવોર્ડ લેવા પહોંચેલા અલ્કા યાજ્ઞિક કેમ સહારો લઈને ચાલ્યા, ગાયિકાએ શેર કરી ઇમોશનલ નોટ

  • Follow us on: