લોકપ્રિય બોલિવૂડ અભિનેતા કુણાલ ખેમુએ હવે રિયાલિટી શો "એલાયન્સ" (Alliance) થી હોસ્ટ તરીકે પોતાની નવી ઇનિંગની શરૂઆત કરી દીધી છે. તાજેતરમાં આપેલા એક ઇન્ટરવ્યુમાં તેમણે શોના કન્સેપ્ટ વિશે વાત કરવાની સાથે-સાથે બોલિવૂડમાં ચાલતા જૂથવાદ (ગ્રુપિઝમ) અને આજના સિનેમાની વાસ્તવિકતા પર ખુલ્લેઆમ પોતાના વિચારો રજૂ કર્યા છે.
એલાયાન્સ શો હોસ્ટ તરીકે ડેબ્યુ કરશે કુણાલ ખેમુ
એક મીડિયા ચેનલ સાથેની ખાસ વાતચીતમાં કુણાલ ખેમુએ જણાવ્યું કે, "એલાયન્સ" શોનો ખ્યાલ વાસ્તવિક જીવન સાથે ખૂબ જ મળતો આવે છે. તેમના મતે એક પરિવાર એવો હોય છે જ્યાં આપણો જન્મ થાય છે, અને બીજો પરિવાર (મિત્રો) આપણે પોતે પસંદ કરીએ છીએ. ક્યારેક કૌટુંબિક સંબંધો પણ તૂટી જાય છે, કારણ કે માનવ જીવનનો આખો માળખો જ આવા જોડાણો પર ટકેલો છે. પ્રાચીન સમયમાં પણ માણસે ખોરાક મેળવવા કે ટકી રહેવા માટે અન્યો સાથે જોડાણ કરવું પડતું હતું. સરળ શબ્દોમાં કહીએ તો, અસ્તિત્વ માટે સંબંધો અને જોડાણો ખૂબ જ મહત્વપૂર્ણ છે.
'હા, બોલિવૂડમાં ગ્રુપિઝમ છે અને તે હંમેશા રહેશે'
ઇન્ડસ્ટ્રીમાં ચાલતા નેપોટિઝમ કે કેમ્પ પ્રથા પર વાત કરતા કુણાલે સ્વીકાર્યું કે બોલિવૂડમાં જૂથવાદ અસ્તિત્વ ધરાવે છે. તેમણે ઉમેર્યું "આ કામ કરવાનો એકમાત્ર રસ્તો નથી, પરંતુ દરેક ક્ષેત્રની જેમ અહીં પણ જૂથવાદ છે. તમને ગમે કે ન ગમે, પણ આ એક સત્ય છે અને તે હંમેશા રહેશે કારણ કે તે માનવ સ્વભાવ છે. જો હું કોઈને પસંદ કરું અને તેની સાથે કામ કરવા માંગુ, તો મને કોઈ રોકી ન શકે. આનાથી કદાચ બીજા કોઈને નુકસાન થઈ શકે છે, પણ દુનિયા આ રીતે જ ચાલે છે."
હવે ફિલ્મ નથી બનતી, 'પ્રોજેક્ટ્સ' બને છે!
કુણાલ ખેમુએ અત્યારના સમય અને પહેલાના સમયની સરખામણી કરતા જણાવ્યું કે, પહેલાંના સમયમાં માત્ર થોડા ગણ્યાગાંઠ્યા પરિવારો જ ફિલ્મો બનાવતા હતા એટલે કેમ્પ વધારે હતા, જે હવે કોર્પોરેટ્સના આવવાથી થોડા ઓછા થયા છે. જો કે, આજે પણ ફિલ્મ બિઝનેસ હંમેશા પ્રતિભા (ટેલેન્ટ) ના આધારે નક્કી નથી થતો, પણ તેની પાછળ એક પાયાવિહોણું 'ગાણિતિક લોજિક' ચાલતું હોય છે. તેમણે ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે, "આ જ કારણ છે કે હવે આપણે ફિલ્મો બનાવવાનું બંધ કરીને 'પ્રોજેક્ટ્સ' બનાવવાનું શરૂ કરી દીધું છે."
દર્શકોએ આપી દીધો છે સ્પષ્ટ સંદેશ
જો કે, કુણાલે આશાવાદ વ્યક્ત કરતા કહ્યું કે સમય આપણને બધું શીખવી દે છે. સારી વાર્તા અને પ્રતિભા વિનાના મોટા પ્રોજેક્ટ્સ પણ બોક્સ ઓફિસ પર ફ્લોપ થઈ રહ્યા છે. દર્શકો હવે થિયેટરોમાં માત્ર મોટા નામ જોઈને જતા નથી, તેઓ સ્પષ્ટપણે મજબૂત કન્ટેન્ટ (વાર્તા) ની માંગ કરી રહ્યા છે.
પ્રાઇમ વિડિયો પર 'એલાયન્સ'
તમને જણાવી દઈએ કે કુણાલ ખેમુનો આ મોસ્ટ અવેટેડ રિયાલિટી શો "એલાયન્સ" ૨૬ જૂનના રોજ પ્રાઇમ વિડિયો પર રિલીઝ થઈ ચૂક્યો છે. આ શોમાં મનોરંજન અને સોશિયલ મીડિયા જગતના ઘણા જાણીતા ચહેરાઓ જોવા મળી રહ્યા છે, જેમાં મુખ્યત્વે રવિ કિશન, રીવા કિશન અને ડેઝી શાહ, કુશલ ટંડન, નીતિ ટેલર, મીની માથુર, ઝૈદ દરબાર, ડોલી જાવેદ અને અર્સલાન ગોની, સબી સુરી, રૂહી દોસાની, પાયલ ગેમિંગ અને વંશરાજ સામેલ છે.













