સુપ્રીમ કોર્ટે ફિલ્મ નિર્માતા નીરજ પાંડેને તેમની ફિલ્મ “ઘુસખોર પંડિત” ના શીર્ષક અંગે કડક ટિપ્પણી કરી છે. કોર્ટે કહ્યું છે કે ફિલ્મનું આ શીર્ષક સમાજના એક વર્ગને બદનામ કરે છે અને તે નૈતિકતા તેમજ જાહેર વ્યવસ્થાના સિદ્ધાંતો સામે છે. કોર્ટે સ્પષ્ટ કર્યું કે જ્યાં સુધી ફિલ્મનું નવું અને યોગ્ય શીર્ષક રજૂ કરવામાં નહીં આવે, ત્યાં સુધી ફિલ્મને રિલીઝ કરવાની મંજૂરી આપવામાં નહીં આવે.


પોતાના “ઇન્ડિયા પ્લાન 2026” ની જાહેરાત

આ કેસ ત્યારે શરૂ થયો જ્યારે નેટફ્લિક્સે 3 ફેબ્રુઆરી, 2026 ના રોજ પોતાના “ઇન્ડિયા પ્લાન 2026” ની જાહેરાત કરી. આ જાહેરાત દરમિયાન મનોજ બાજપેયીની ફિલ્મ “ઘુસખોર પંડિત” નું ટીઝર પણ જાહેર કરવામાં આવ્યું હતું. પરંતુ ટીઝર રિલીઝ થયા બાદ ફિલ્મના નામને લઈને વિવાદ ઉભો થયો. કેટલાક લોકોનું કહેવું હતું કે આ શીર્ષક એક ખાસ સમાજને નકારાત્મક રીતે દર્શાવે છે.

લોકો રસ્તા પર ઉતરી આવ્યા

વિવાદ વધતા લોકો રસ્તા પર ઉતરી આવ્યા અને મામલો કોર્ટ સુધી પહોંચ્યો. સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી કે ફિલ્મનું નામ નૈતિકતા અને જાહેર વ્યવસ્થાના વિરુદ્ધ છે અને તેનાથી સામાજિક તણાવ ઊભો થઈ શકે છે. આ અરજી પર સુનાવણી કરતા કોર્ટે કેન્દ્ર સરકાર, સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC) અને ફિલ્મ નિર્માતા નીરજ પાંડેને નોટિસ ફટકારી છે.

 સમાજના એક વર્ગને કેમ નિશાન

સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન પૂછ્યું કે ફિલ્મના નામ દ્વારા સમાજના એક વર્ગને કેમ નિશાન બનાવવામાં આવી રહ્યો છે? કોર્ટે કહ્યું કે અભિવ્યક્તિની સ્વતંત્રતા મહત્વપૂર્ણ છે, પરંતુ તે અન્યોની માનહાનિ કે સમાજમાં અશાંતિ ફેલાવવાની છૂટ નથી આપતી.

મનોજ બાજપેયી એક ભ્રષ્ટ પોલીસ અધિકારી

ફિલ્મમાં મનોજ બાજપેયી એક ભ્રષ્ટ પોલીસ અધિકારીની ભૂમિકા ભજવે છે, જેને વિભાગમાં “પંડિત” તરીકે ઓળખવામાં આવે છે. નિર્માતાઓનો દાવો છે કે ફિલ્મનું નામ પાત્રના ઉપનામ પરથી રાખવામાં આવ્યું છે અને તેનો કોઈ ધાર્મિક અથવા સામાજિક સમુદાયને બદનામ કરવાનો ઉદ્દેશ નથી. તેમ છતાં, કોર્ટએ કહ્યું કે શીર્ષકની અસરને ધ્યાનમાં લેવી જરૂરી છે. હાલમાં, ફિલ્મની રિલીઝ પર અસ્થાયી રોક લગાવવામાં આવી છે. જો નિર્માતા નવું શીર્ષક રજૂ કરે અને કોર્ટ તેની મંજૂરી આપે, તો જ ફિલ્મ નેટફ્લિક્સ પર રિલીઝ થઈ શકશે. આ મામલો હવે આગળની સુનાવણીમાં શું વળાંક લે છે તે જોવાનું રહ્યું.

આ પણ વાંચો : Rajpal Yadav : રાજપાલ યાદવને હાઈકોર્ટનો કડક ઠપકો, 25 તક છતાં ચૂકવણી નહીં


  • Follow us on: