ફિલ્મ 'કાલા હિરન' (Kala Buck) ને લઈને ચાલી રહેલો વિવાદ હવે કાનૂની લડાઈ અને ગંભીર આરોપો તરફ વળી ગયો છે. ફિલ્મમાં વકીલની ભૂમિકા ભજવતા જાણીતા અભિનેતા ગોવિંદ નામદેવે તાજેતરમાં નિવેદન આપ્યું હતું કે ફિલ્મના નિર્માતા-દિગ્દર્શકે તેમને અંધારામાં રાખ્યા હતા અને તેમને ખબર નહોતી કે આ વાર્તા સલમાન ખાનના ૧૯૯૮ના બ્લેકબક (કાળા હરણ) શિકાર કેસ પર આધારિત છે. આ નિવેદન બાદ ફિલ્મના નિર્માતા અમિત જાનીએ નામદેવને કરાર ભંગની કાનૂની નોટિસ ફટકારી છે. એક મીડિયા ચેનલના ઇન્ટરવ્યુમાં અમિત જાનીએ ગોવિંદ નામદેવ પર આકરા પ્રહારો કર્યા છે.


સ્ક્રિપ્ટ વાંચ્યા પછી ગોવિંદ નામદેવે ફિલ્મ સાઇન કરી હતી..

અમિત જાનીએ નામદેવના દાવાઓને સદંતર ફગાવી દેતા જણાવ્યું કે, "તેઓ કોઈ દૂધ પીતા બાળક નથી. તેમને આખી સ્ક્રિપ્ટ, વાર્તાનો સારાંશ અને કેરેક્ટર સ્કેચ આપવામાં આવ્યા હતા. તેમણે સતત પાંચ દિવસ હોટલના રૂમમાં અને વેનિટી વેનમાં બેસીને સ્ક્રિપ્ટ વાંચી હતી." જાનીએ ઉમેર્યું કે કોર્ટરૂમના દ્રશ્યોમાં બિશ્નોઈ સમુદાયના વકીલ મહિપાલ તરીકે અભિનય કરતી વખતે તેઓ પોતે કાકાની ગામમાં થયેલા શિકાર અને અયાન ખાન (સલમાન ખાનનું કાલ્પનિક પાત્ર) ના સંવાદો બોલી રહ્યા હતા, તેથી તેમને ખબર નહોતી એ વાત તદ્દન ખોટી છે.

ગોવિંદ નામદેવે 'કાલા હિરણ 2' માટે પણ એડવાન્સ લીધું 

દિગ્દર્શકે મોટો ખુલાસો કરતા કહ્યું કે ગોવિંદ નામદેવ સાથે માત્ર એક ફિલ્મનો નહીં, પરંતુ તેની સિક્વલ 'કાલા બક ૨' (Black Buck 2) નો પણ કરાર થયેલો છે અને તેમણે બંને ફિલ્મો માટે એડવાન્સ પેમેન્ટના ચેક લીધા છે. અમિત જાનીના મતે, મુંબઈ પહોંચતા જ નામદેવ ફરી ગયા છે. કાં તો સલમાન ખાનના કોઈ નજીકના વ્યક્તિએ તેમને ધમકાવ્યા છે અથવા ફોન કરીને દબાણ કર્યું છે, જેના કારણે પોતાની વિશ્વસનીયતા ગુમાવીને તેઓ આવું કરોડરજ્જુ વગરનું નિવેદન આપી રહ્યા છે.

વોટ્સએપ પર માંગી માફી, પણ પબ્લિક માફી જરૂરી

અમિત જાનીએ જણાવ્યું કે મીડિયામાં વિવાદ થયા બાદ નામદેવે તેમનો ફોન ઉપાડ્યો નહોતો, પરંતુ વોટ્સએપ ચેટ પર સ્વીકાર્યું હતું કે તેમને પહેલા દિવસથી જ સલમાન ખાન કેસની પ્રેરણા વિશે ખબર હતી અને અમર ઉજાલા અખબારે તેમનું નિવેદન મરોડીને છાપ્યું છે. નામદેવે વોટ્સએપ પર અંગત રીતે માફી પણ માંગી છે. જો કે, જાનીએ સ્પષ્ટ કર્યું કે તેઓ આ ચેટ સોશિયલ મીડિયા પર વાયરલ કરીને કોઈની પ્રાઇવસી છીનવવા નથી માંગતા, પરંતુ બદનામી પબ્લિક પ્લેટફોર્મ પર થઈ હોવાથી માફી પણ જાહેરમાં જ હોવી જોઈએ.

અમિત જાનીએ ગોવિંદ નામદેવની ફટકારી નોટિસ

પ્રોડક્શન હાઉસને થયેલા નુકસાન અને બદનામી બદલ ગોવિંદ નામદેવને ₹૫૦ લાખનું વળતર ચૂકવવા અને ૭ દિવસની અંદર ANI કે અન્ય ન્યૂઝ એજન્સીઓ સમક્ષ જાહેરમાં માફી માંગવાની નોટિસ આપવામાં આવી છે. કરાર મુજબ તેમણે ફિલ્મનું ડબિંગ અને પ્રમોશન કરવું જ પડશે. અમિત જાનીએ છેલ્લે ઉમેર્યું કે બોલીવુડ પર હંમેશા અંડરવર્લ્ડનું દબાણ રહ્યું છે, પરંતુ તેઓ નોઈડાની વાસ્તવિક કોર્ટના સીન સાથે આ કાલ્પનિક ક્રાઇમ થ્રિલરને દર્શકો સમક્ષ લાવીને જ રહેશે.


આ પણ વાંચો : Kalki 2898 ADની સિક્વલમાંથી દીપિકા પાદુકોણ બહાર, બોલીવુડની કઈ અભિનેત્રી લેશે તેની જગ્યા

  • Follow us on: