બોલિવૂડના દિગ્ગજ અભિનેતા અને રાજનેતા રાજ બબ્બરનો જન્મ ૨૩ જૂન, ૧૯૫૨ના રોજ ઉત્તર પ્રદેશના ટુંડલામાં થયો હતો. બાળપણથી જ અભિનયનો શોખ ધરાવતા રાજ બબ્બર શાળાના દિવસોથી જ સ્ટેજ પર એક્ટિંગ કરતા હતા. પોતાના આ જ જુસ્સાને પ્રોફેશનલ ઓપ આપવા માટે તેમણે દિલ્હીની પ્રતિષ્ઠિત 'નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા' (NSD) માંથી અભિનયનો અભ્યાસ કર્યો અને ત્યારબાદ માયાનગરી મુંબઈ તરફ પ્રયાણ કર્યું.


'ઇન્સાફ કા તરાઝુ' થી રાજબબ્બરનું બદલાયું નસીબ

રાજ બબ્બરે વર્ષ ૧૯૭૭માં ફિલ્મ "કિસ્સા કુર્સી કા" થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. શરૂઆતમાં તેમને ખાસ સફળતા મળી ન હતી, પરંતુ ૧૯૮૦માં આવેલી ફિલ્મ "ઇન્સાફ કા તરાઝુ" તેમના કરિયરનો ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ. આ ફિલ્મમાં તેમણે ભજવેલી નકારાત્મક (વિલન) ભૂમિકાને દર્શકોએ એટલી પસંદ કરી કે તેઓ રાતોરાત લાઈમલાઈટમાં આવી ગયા.

બિગ બીને લીધે ગુમાવી મોટી ફિલ્મો

સ્ટારડમ મેળવતા પહેલાં રાજ બબ્બરે કરિયરની શરૂઆતમાં કેટલાક એવા કડવા અનુભવોનો સામનો કરવો પડ્યો હતો, જે તેઓ ક્યારેય ભૂલી શક્યા નથી. એક ઇન્ટરવ્યુમાં તેમણે ખુલાસો કર્યો હતો કે, તેમને તે સમયની સુપરહિટ ફિલ્મ "શક્તિ" માટે પસંદ કરવામાં આવ્યા હતા. તેમણે સ્ક્રીન ટેસ્ટ પણ પાસ કરી લીધો હતો અને તેમને પાકો વિશ્વાસ હતો કે તેઓ આ ફિલ્મનો હિસ્સો બનશે. જોકે, છેલ્લી ઘડીએ નિર્માતાઓએ તેમને હટાવીને તેમની જગ્યાએ સુપરસ્ટાર અમિતાભ બચ્ચનને કાસ્ટ કરી લીધા.

એંગ્રી યંગ મેન અમિતાભ, રાજ બબ્બર માટે વિલન

રાજ બબ્બરના જણાવ્યા અનુસાર, અમિતાભ બચ્ચન તે સમયે ઇન્ડસ્ટ્રીના સૌથી મોટા એંગ્રી યંગ મેન અને સ્ટાર હતા. ફિલ્મ નિર્માતાઓને લાગ્યું કે બિગ બીનું નામ ફિલ્મને બોક્સ ઓફિસ પર મોટી સફળતા અપાવી શકે છે, તેથી રાજ બબ્બરને આ પ્રોજેક્ટમાંથી બહાર કરી દેવાયા હતા. માત્ર 'શક્તિ' જ નહીં, પરંતુ સુપરહિટ કોમેડી ફિલ્મ "નમક હલાલ" સાથે પણ તેમની સાથે આવું જ બન્યું હતું. રાજ બબ્બરે દાવો કર્યો હતો કે તેમને આ ફિલ્મ માટે પણ સાઇન કરાયા પરંતુ પાછળથી તેમની જગ્યાએ બીજા એક પ્રખ્યાત સ્ટારને લઈ લેવાયા. 

પછીથી અમિતાભ બચ્ચન સાથે જ શેર કરી સ્ક્રીન

આ એવો સમય હતો જ્યારે તેમની મહેનત છતાં મોટી તકો તેમના હાથમાંથી સરકીને બીજા પાસે જતી રહેતી હતી. જોકે, તેમણે આ બાબતને ક્યારેય દિલ પર ન લીધી અને તેને ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો એક નિયમ માનીને આગળ વધતા રહ્યા. સમયનું ચક્ર એવું ફર્યું કે જે સુપરસ્ટારના કારણે રાજ બબ્બરે ફિલ્મો ગુમાવી હતી, પાછળથી તેમની સાથે જ કામ કરવાનો મોકો મળ્યો. રાજ બબ્બર અને અમિતાભ બચ્ચને સુપરહિટ ફિલ્મ "યારાના" માં સાથે સ્ક્રીન શેર કરી અને બંનેની જુગલબંદીએ દર્શકોના દિલ જીતી લીધા.

અસંખ્ય સુપરહિટ ફિલ્મો અને સફળ રાજકીય સફર

રાજ બબ્બરે પોતાના લાંબા કરિયરમાં "નિકાહ," "ઉમરાવ જાન," "પ્રેમ ગીત," "અગર તુમ ના હોતે," "આજ કી આવાઝ," "સંસાર," "ફેશન" અને "બોડીગાર્ડ" જેવી અનેક યાદગાર ફિલ્મો આપી છે. ફિલ્મ ‘સુહાગન’ માં તેમણે દિગ્ગજ અભિનેત્રી શ્રીદેવી સાથે પણ કામ કર્યું હતું. ફિલ્મો ઉપરાંત તેમણે ટેલિવિઝન અને વેબ સિરીઝની દુનિયામાં પણ પોતાનો સિક્કો જમાવ્યો છે.

રાજબબ્બરની ૧૯૮૯માં રાજકારણમાં એન્ટ્રી 

અભિનયમાં સફળતા મેળવ્યા બાદ રાજ બબ્બરે ૧૯૮૯માં રાજકારણમાં એન્ટ્રી કરી. તેઓ દેશના રાજકારણમાં પણ એટલા જ સફળ રહ્યા અને બાદમાં લોકસભા તેમજ રાજ્યસભા બંનેના સભ્ય બન્યા. આજે પણ રાજ બબ્બરને હિન્દી સિનેમાના એવા ખુદ્દાર કલાકારોમાં ગણવામાં આવે છે, જેમણે કોઈ પણ ગોડફાધર વગર પોતાના દમ પર ઇન્ડસ્ટ્રી અને પોલિટિક્સ બંનેમાં એક મોટું સ્થાન હાંસલ કર્યું છે.


આ પણ વાંચો : Box office પર 'કોકટેલ 2' ની ધમાકેદાર શરૂઆત, શાહિદ, રશ્મિકા અને કૃતિની ફિલ્મે 4 દિવસમાં 50 કરોડની કમાણી કરી તોડયો રેકોર્ડ

  • Follow us on: