બોલીવુડ એક્ટર સંજય દત્ત ફરી એકવાર પોતાની નવી ફિલ્મને લઈને ચર્ચામાં છે. 90ના દાયકાની તેની આઇકોનિક ફિલ્મ ખલનાયકએ દર્શકોના દિલમાં ખાસ જગ્યા બનાવી હતી અને હવે વર્ષો પછી તેની સ્ટોરી નવા અંદાજમાં પરત ફરવા જઈ રહી છે. સંજય દત્તે ખલનાયક રિટર્ન્સ ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝ કર્યો છે, જેના પછી ફેન્સમાં જબરદસ્ત ઉત્સાહ જોવા મળી રહ્યો છે.


'નાયક નહીં, ખલનાયક હૂં મૈં...'

સંજય દત્તે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરીને આ ફિલ્મની જાહેરાત કરી હતી. તેણે કેપ્શનમાં લખ્યું, કેટલીક વાર્તાઓ ખતમ નથી થતી... તે ફરી શરૂ થાય છે. ખલનાયક રિટર્ન્સ. વીડિયોમાં તેનો સૌથી પ્રખ્યાત ડાયલોગ નાયક નહીં, ખલનાયક હૂં મૈં પણ સાંભળવા મળ્યો, જે સાંભળતા જ ફેન્સમાં હલચલ મચી ગઈ અને દરેક જણ આ વિશે વધુ જાણવા માટે ઉત્સુક બન્યા.

ફર્સ્ટ લુક પોસ્ટરે મચાવી સનસનાટી

આ દરમિયાન સંજય દત્તે ફિલ્મનું ફર્સ્ટ લુક પોસ્ટર શેર કર્યું અને લખ્યું, દરેક વાર્તાનો એક સમય હોય છે... અને તેનો સમય આવી ગયો છે... ખલનાયક રિટર્ન્સ. આ પોસ્ટરમાં સંજય દત્ત ઇન્ટેન્સ અને રફ લુકમાં જોવા મળી રહ્યો છે, જેણે ફેન્સની બેચેની વધારી દીધી છે. તેના ચહેરા પર એ જ જૂનો એટીટ્યુડ દેખાઈ રહ્યો છે, જેવો 90ના દાયકાની આ ફિલ્મમાં જોવા મળ્યો હતો. સંજય દત્તે આ ફિલ્મ વિશે જણાવતા કહ્યું કે, ખલનાયકની જર્ની ઘણી લાંબી જર્ની છે, જે સુભાષ જી વગર શક્ય નહોતી.


ખલનાયક રિટર્ન્સને લઈને શું બોલ્યા સંજય દત્ત?

સંજય દત્તે ખલનાયક રિટર્ન્સની ઈવેન્ટમાં ફિલ્મ વિશે વાત કરતા કહ્યું કે, આ ખલનાયકની જર્ની ઘણી લાંબી છે. સુભાષ જી વગર આ શક્ય નહોતું. તેઓ લિજેન્ડ છે અને મેન ઓફ એન્ટરટેઈનમેન્ટ છે. હું તેમનો આભારી છું કે તેમણે મને આ સન્માન આપ્યું અને ખલનાયક ફરી બનાવવાનો નિર્ણય લીધો. આ સાથે એક્ટરે તેની પત્ની માન્યતા દત્તનો પણ આભાર માન્યો અને કહ્યું કે, જ્યારે હું લથડું છું ત્યારે કોઈ તો છે જે મારી કોલર પકડવા માટે છે.

1993માં આવ્યો હતો પહેલો ભાગ

આ ફિલ્મને જિયો સ્ટુડિયોઝના જ્યોતિ દેશપાંડે પ્રોડ્યુસ કરી રહ્યા છે, જેમણે ધુરંધર પર પણ કામ કર્યું છે. ફિલ્મનો પહેલો ભાગ 1993માં આવ્યો હતો, જેનું નિર્દેશન સુભાષ ઘાઈએ કર્યું હતું. ફિલ્મમાં સંજય દત્તે બલ્લુ નામના ખતરનાક અપરાધીનું પાત્ર ભજવ્યું હતું, જે જેલમાંથી ભાગી જાય છે અને પોલીસ તેને પકડવાનો પ્રયાસ કરે છે. આ ફિલ્મમાં માધુરી દીક્ષિત, જેકી શ્રોફ, અનુપમ ખેર અને રાખી ગુલઝાર જેવા કલાકારો પણ જોવા મળ્યા હતા. ફિલ્મ બોક્સ ઓફિસ પર બ્લોકબસ્ટર હિટ સાબિત થઈ હતી અને તેનું ગીત ચોલી કે પીછે ક્યા હૈ આજે પણ લોકપ્રિય છે.

આ પણ વાંચો- TMKOC : 18 વર્ષ બાદ તારક મહેતા છોડશે બાપુજી? શોમાં બતાવ્યો મોતનો ટ્રેક, જેઠાલાલની ચીસોથી ફેન્સ ફફડી ઉઠ્યા!

  • Follow us on: