સાઉથની અભિનેત્રી સૌંદર્યાને આ દુનિયા છોડ્યે 22 વર્ષ વીતી ગયા છે. 17 એપ્રિલ, 2004ના રોજ એક પ્લેન ક્રેશમાં સૌંદર્યાનું માત્ર 31 વર્ષની વયે અવસાન થયું હતું. મૃત્યુ સમયે સૌંદર્યા 7 મહિનાની પ્રેગ્નેન્ટ હતી. તેમણે અમિતાભ બચ્ચનની ફિલ્મ સૂર્યવંશમમાં રાધા સિંહની ભૂમિકા ભજવી હતી. આ તેમની પહેલી અને છેલ્લી બોલીવુડ ફિલ્મ હતી. સૌંદર્યાને બાળપણથી જ એક્ટિંગમાં રસ હતો. ફિલ્મો માટેનો તેનો ક્રેઝ એ વાત પરથી જાણી શકાય છે કે તેમણે અભિનય માટે પોતાનો અભ્યાસ પણ છોડી દીધો હતો.


સૌંદર્યાને શરૂઆતથી જ એક્ટિંગ પ્રત્યે લગાવ હતો

સૌંદર્યાનો જન્મ 18 જુલાઈ, 1972ના રોજ કર્ણાટકના કોલારમાં કન્નડ ફિલ્મોના પ્રખ્યાત અભિનેતા, લેખક અને નિર્માતા કે.એસ. સત્યનારાયણના ઘરે થયો હતો. તે ડોક્ટરીનો અભ્યાસ કરી રહ્યા હતા અને જ્યારે તે પહેલા વર્ષમાં હતા, ત્યારે જ તેના પિતાના એક મિત્રએ તેમને ફિલ્મની ઓફર આપી. આ ફિલ્મનું નામ ગંધર્વ હતું. ફિલ્મની ઓફર મળતા જ સૌંદર્યાએ તરત જ ડોક્ટરીનો અભ્યાસ છોડી દીધો. તેમની પહેલી ફિલ્મ સુપરહિટ રહી અને તે રાતોરાત સાઉથની મોટી એક્ટ્રેસ બની ગઈ હતી.

મોટા સુપરસ્ટાર્સ સાથે કામ કર્યું

સૌંદર્યાએ પોતાના સમયના દરેક સુપરસ્ટાર સાથે કામ કર્યું. તેણે રજનીકાંતથી લઈને ઘણા મોટા કલાકારો સાથે ફિલ્મો કરી. બોલીવુડના શહેનશાહ અમિતાભ બચ્ચન સાથે તેણે ફિલ્મ સૂર્યવંશમમાં કામ કર્યું હતું. આ ફિલ્મમાં તેમણે બિગ બીની પત્ની રાધા સિંહનું પાત્ર ભજવ્યું હતું, જેનાથી તેને ઘરે-ઘરે ઓળખ મળી. તે તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ અને હિન્દી સિનેમામાં પોતાની આગવી ઓળખ બનાવવામાં સફળ રહી હતી.

એક્ટિંગ છોડવા માગતી હતી સૌંદર્યા

વર્ષ 2003માં સૌંદર્યાએ એક એન્જિનિયર સાથે લગ્ન કર્યા હતા. પ્રેગ્નેન્ટ હોવાને કારણે તે ફિલ્મ ઈન્ડસ્ટ્રી છોડવા માંગતી હતી, પરંતુ ભગવાનને કંઈક બીજું જ મંજૂર હતું. વર્ષ 2004માં તેમણે રાજકારણમાં પણ પગ મૂક્યો હતો. લોકસભા ચૂંટણી દરમિયાન ભાજપ અને ટીડીપીના નેતાઓ માટે પ્રચાર કરવા તેમણે 17 એપ્રિલે બેંગલુરુથી આંધ્રપ્રદેશના કરીમનગર માટે ઉડાન ભરી હતી. પરંતુ પ્લેન 100 ફૂટની ઊંચાઈએ પહોંચતા જ અકસ્માતનો શિકાર બન્યું. આ દુર્ઘટનામાં સૌંદર્યા, તેનો નાનો ભાઈ અને અન્ય નેતાઓએ જીવ ગુમાવ્યો.

મૃત્યુ સમયે પ્રેગ્નેન્ટ હતી સૌંદર્યા

સૌંદર્યાના મૃત્યુ બાદ તમિલ ડાયરેક્ટર આરવી ઉદયકુમારે ખુલાસો કર્યો હતો કે સૌંદર્યા મૃત્યુ સમયે 7 મહિનાની પ્રેગ્નેન્ટ હતી. સૌંદર્યાએ તેના મૃત્યુના એક દિવસ પહેલા ડાયરેક્ટરને કોલ કર્યો હતો. લગભગ 1 કલાક સુધી ચાલેલી વાતચીતમાં તેણે જણાવ્યું હતું કે તે હવે વધુ ફિલ્મોમાં કામ નહીં કરે કારણ કે તે ટૂંક સમયમાં માતા બનવાની છે.

આ પણ વાંચો- ન નરગિસ, ના મધુબાલા, ના હેમા માલિની! આ એક્ટ્રેસે જીત્યો હતો દેશનો પ્રથમ ઈન્ટરનેશનલ એવોર્ડ

  • Follow us on: