બોલીવુડના દિગ્ગજ અભિનેતા ગોવિંદાની પત્ની સુનિતા આહુજા આજકાલ પોતાના બેબાક અંદાજને કારણે સોશિયલ મીડિયા પર છવાયેલી છે. હાલમાં તે એકતા કપૂરના લોકપ્રિય રિયાલિટી શો 'લોક અપ'માં જોવા મળી રહી છે, જ્યાં તેની સ્પષ્ટવક્તા અને સરળ સ્વભાવના દર્શકો ખૂબ વખાણ કરી રહ્યા છે. તાજેતરના જ એક એપિસોડમાં, સુનિતાએ તેને ટ્રોલ કરનારાઓને જડબાતોડ જવાબ આપ્યો હતો અને સાથે જ ભત્રીજા કૃષ્ણા અભિષેક તથા પુત્રવધૂ કાશ્મીરા શાહ સાથેના કૌટુંબિક વિવાદના અંત વિશે ખુલીને વાત કરી હતી.
કૃષ્ણા અભિષેક સાથેના સમાધાન પર ખુલાસો
શો દરમિયાન સુનિતા આહુજાએ કૃષ્ણા અને કાશ્મીરા સાથેના પેચ-અપ વિશે ભાવુક થઈને વાત કરી હતી. તેણે જણાવ્યું, "જ્યારે હું 'લાફ્ટર શેફ' શોમાં ગઈ, ત્યારે કૃષ્ણા અને મારી વચ્ચે સમાધાન થઈ ગયું હતું. મેં જ કૃષ્ણાને મોટો કર્યો છે, પરંતુ એક કડવાશને કારણે મેં છેલ્લા નવ વર્ષથી તેના બાળકોને જોયા નહોતા." પુત્રવધૂ કાશ્મીરા વિશે વાત કરતા સુનિતાએ ઉમેર્યું, "કાશ્મીરા ખરેખર ખૂબ જ પ્રેમાળ છોકરી છે. જ્યારે અમે 14 વર્ષ પછી એકબીજાને મળ્યા, ત્યારે તે ભાવુક થઈને મારા પગે પડી ગઈ અને રડતા-રડતા માફી માગી. તેણે કહ્યું, 'મારાથી ભૂલ થઈ ગઈ, પ્લીઝ મને માફ કરી દો.' આ જોઈને હું પણ મારી જાતને રોકી ન શકી અને રડવા લાગી.
"હું કોઈના માટે પોતાની જાતને નહીં બદલું" -સુનીતા આહુજા
શોમાં જ્યારે આકાંક્ષા ચૌધરીએ સુનિતાને ભૂતકાળના એક વિવાદિત નિવેદન વિશે પૂછ્યું, ત્યારે સુનિતાએ સ્પષ્ટતા કરી કે 'લાફ્ટર શેફ' શોના રાઈટર્સે તેને એક ડાયલોગ બોલવા આપ્યો હતો. એ ડાયલોગ એવો હતો કે, 'જ્યાં સુધી તે (કૃષ્ણા) પોતાની પત્નીનું સાંભળશે, ત્યાં સુધી તે આંખોથી ગોળીબાર કરશે, પણ જો કોઈ ત્રીજી વ્યક્તિ વચ્ચે આવશે તો તેને ઘૂંટણમાં ગોળી વાગશે.' આ નિવેદન બાદ સોશિયલ મીડિયા પર સુનિતાને ભારે ટ્રોલ કરવામાં આવી હતી. પોતાના નફરત કરનારાઓ (Trolls)ને કડક શબ્દોમાં જવાબ આપતા સુનિતાએ કહ્યું કે તે દુનિયા માટે ક્યારેય પોતાની જાતને બદલશે નહીં.
દારૂ પીવા અને પાર્ટી કરવાના આક્ષેપો પર સુનિતા આહુજા ભડકી
સુનિતાએ પોતાની જીવનશૈલી પર સવાલ ઉઠાવનારાઓ પર આકરા પ્રહારો કર્યા હતા. તેણે ગુસ્સામાં કહ્યું, "લોકો અવારનવાર મારી ટીકા કરે છે કે હું ખૂબ પાર્ટી કરું છું અને દારૂ પીઉં છું. હું એવા લોકોને પૂછવા માંગુ છું કે, શું હું તમારા પિતાના ઘરે જઈને પાર્ટી કરું છું? હું જે કંઈ પણ કરું છું, મારા પોતાના ઘરે કરું છું. હવે હું મારા ઘરે એક બોટલ પીઉં કે દસ, તેનાથી કોઈને શું ફરક પડે છે? શું હું કોઈના બાપના પૈસાથી પીઉં છું?" સુનિતાના આ બેબાક અને બિન્દાસ અંદાજે ફરી એકવાર સાબિત કરી દીધું છે કે તે ટ્રોલ્સની પરવા કર્યા વગર પોતાની શરતો પર જીવવાનું પસંદ કરે છે.
આ પણ વાંચો : Shaktimaan Actor : રામ મંદિરમાં ચઢાવા કૌભાંડ પર મુકેશ ખન્નાનો ફૂટ્યો ગુસ્સો, કહ્યું- 'લૂંટ મચી છે'