તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં નવા ટ્વિસ્ટ આવી રહ્યા છે. હાલમાં જ શોમાં એક નવા પરિવારની એન્ટ્રી થઈ છે. શોમાં આવેલા પરિવારમાં એક કપલ અને 2 બાળકો છે. આ કપલનું નામ રત્ના અને રૂપા બિંજોલા છે. બાળકોના નામ વીર અને બંસરી છે. તો બીજી તરફ તારક મહેતામાં નવા ટ્વિસ્ટ આવ્યા હોવા છતાં TRP મામલે 4 નંબરે છે તેથી મેકર્સ દરરોજ નવા નવા પ્રયાસો કરીને દર્શકોનુ દિલ આકર્ષવાનો પ્રયાસ કરી રહ્યા છે તો બીજી તરફ શોમાં ટપ્પુ અને સોનુના લગ્નની અફવાઓ ફેલાઈ છે.
ગોકુલધામને દુલ્હનની જેમ શણગારાયું
તારક મહેતામાં નવા પરિવારની એન્ટ્રી સાથે એક હોબાળો મચી જવા પામ્યો છે કારણ કે, નવા પરિવારનો સામન ભરેલો ટ્રક ચોરાઈ જાય છે. તેથી આખી ગોકુળધામ સોસાયટી ચિંતામાં છે. ત્યાર બાદ હવે શોમાં બંસરી અને વીરે અજાણતાં એક નવી અફવા ફેલાવી જે સાંભળીને આત્મારામ ભીડેની દુનિયા હચમચી ગઈ હતી. હકીકતમાં શોમાં ટપુ સેના ગણેશ ઉત્સવની તૈયારી કરી રહી છે. આખા ગોકુલધામને દુલ્હનની જેમ શણગારવામાં આવી રહ્યું છે. ગણપતિ બાપ્પા માટે મંડપ શણગારવામાં આવી રહ્યો છે, ઢોલવાદક બોલાવવામાં આવ્યા છે, ફટાકડા ખરીદવામાં આવ્યા છે અને ટપ્પુ સેનાએ એક પ્રદર્શન પણ તૈયાર કર્યું છે.













