'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' લગભગ 17 વર્ષથી તેની મજબૂત કહાની દ્વારા લોકોનું મનોરંજન કરાવી રહ્યો છે. આ શોના દરેક કલાકાર દર્શકોના હૃદયમાં વસેલા છે. જેમાં દયાબેનના ગયા બાદ દિલીપ જોશી પર ફેન્સ અપાર પ્રેમ વરસાવી રહ્યા છે. ઘણા સમયથી દિલીપ જોશી ટૂંક સમયમાં શો છોડી દેશે એવી માહિતી ચાલી રહી છે. હવે શોના નિર્માતા અસિત કુમાર મોદીએ આ અહેવાલો પર પોતાનું મૌન તોડ્યું છે અને એક ચોંકાવનારું નિવેદન આપ્યું છે.
શું જેઠાલાલ છોડશે શો?
હકીકતમાં અસિત કુમાર મોદીએ હવે શો અને દિલીપ જોશી વિશે આવી રહેલા આ સમાચારો પર ખુલીને વાત કરી છે. એક ઇન્ટરવ્યુમાં તેમણે કહ્યું હતું કે, 'હું હવે આ બાબતો પર વધુ ધ્યાન આપતો નથી. કારણ કે દરરોજ શો વિશે કોઈને કોઈ અફવાઓ આવતી રહે છે. જો હું બધાને જવાબ આપવાનું શરૂ કરી દઉં તો આ કહાની ક્યારેય સમાપ્ત થશે નહીં.'
અસિત કુમારે કરી આ સ્પષ્ટતા
અસિત કુમારે આગળ કહ્યું હતું કે, 'આ શોમાં દિલીપ જેઠાલાલની ભૂમિકા ભજવે છે. તે છેલ્લા કેટલાક દિવસોથી પોતાના અંગત કામને કારણે બ્રેક પર હતો. આનો અર્થ એ નથી કે તેણે શો છોડી દીધો છે. કોઈપણ કહાની હંમેશા એક પાત્રની આસપાસ ફરતી નથી. લોકો હંમેશા આખી કહાની જાણ્યા વિના જ નિષ્કર્ષ કાઢે છે પરંતુ મારું ધ્યાન હંમેશા કહાની સુધારવા પર છે.'
તમને જણાવી દઈએ કે, હકીકતમાં થોડા સમય પહેલા દિલીપ જોશી 'તારક મહેતા' છોડી રહ્યા હોવાની અફવાઓ ત્યારે ફેલાઈ હતી જ્યારે તેઓ શોના ઘણા એપિસોડમાંથી ગાયબ હતા. સાથે જ શોની વાત કરીએ તો, સતત ત્રણ અઠવાડિયા સુધી ટીઆરપી ચાર્ટમાં નંબર વન રહ્યો.