• તુર્કીયે-સીરિયાના ભૂકંપથી પ્રિયંકા ચોપરા દુઃખી
  • વીડિયો શેર કરીને આ કુદરતી આફત પર દુઃખ વ્યક્ત કર્યું
  • પ્રિયંકાએ લોકો પાસે મદદ માંગી

તુર્કીયે અને સીરિયામાં આવેલા ભૂકંપે સમગ્ર વિશ્વને હચમચાવી દીધું છે. ભૂકંપમાં અત્યાર સુધીમાં 36 હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. ભૂકંપ પીડિતોના દર્દથી સમગ્ર વિશ્વ વ્યથિત છે. આ સમયે અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ હવે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ભૂંકપના વિનાશનો એક વીડિયો શેર કરીને આ કુદરતી આફત પર દુઃખ વ્યક્ત કર્યું છે. પ્રિયંકા ચોપરાએ દુર્ઘટનાનો ભોગ બનેલા લોકો માટે મદદની અપીલ કરી છે.

તુર્કીયે-સીરિયામાં આવેલા ભૂકંપથી પ્રિયંકા ચોપરા દુઃખી

પ્રિયંકાએ ઈન્સ્ટાગ્રામ પર તુર્કીયે અને સીરિયાના બચાવ અભિયાનનો એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં રેસ્ક્યુ ટીમ કાટમાળમાંથી નાની બાળકીને બહાર કાઢતી જોવા મળી રહી છે. આ દ્રશ્ય ખરેખર હ્રદયસ્પર્શી છે. અભિનેત્રીએ આ વીડિયોની સાથે એક નોટ પણ લખી છે. પ્રિયંકા ચોપરાએ લખ્યું છે કે, 'વિનાશક ભૂકંપના એક સપ્તાહ બાદ પણ તુર્કીયે અને સીરિયાના લોકો માટે દર્દ અને વેદનાનો અંત આવ્યો નથી.'

 

પ્રિયંકાએ લોકો પાસે મદદ માંગી

તુર્કીયે અને સીરિયાના ભૂકંપનો વીડિયો શેર કરતા પ્રિયંકાએ લખ્યું, 'રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ છે, જેના કારણે કેટલીક એવી આશાભરી ક્ષણો આવી, જ્યાં 3 મહિનાના બાળકને કાટમાળમાંથી બહાર કાઢવામાં આવ્યું, ત્યાં ઘણા લોકો છે જે હજુ પણ ફસાયેલા છે, રાહ જોતા અને બચવાની આશામાં મુશ્કેલ સમય વીતાવી રહ્યા છે. તેમના પરિવારો ચમત્કાર માટે પ્રાર્થના કરી રહ્યા છે. આ હૃદય હચમચાવી દેનાર છે. પ્રિયંકાએ લખ્યું છે કે, 'કુદરતનો પ્રકોપ કોઈને છોડતો નથી, પરંતુ આપણે બધા મદદ કરી શકીએ છીએ. પાયાના સ્તરે કામ કરતી સંસ્થાઓની વિગતો મારા ધ્યાનમાં છે. મને આશા છે કે તમે કોઈપણ રીતે મદદ કરશો.'

તુર્કીયે અને સીરિયામાં ભૂકંપની તબાહી

જણાવી દઈએ કે 6 ફેબ્રુઆરીએ તુર્કી અને સીરિયામાં વિનાશક ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપના કારણે ભારે તારાજી સર્જાઈ છે. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 36 હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. તે જ સમયે 80 હજારથી વધુ લોકો ઘાયલ થયા છે. હજુ પણ હજારો લોકો કાટમાળ નીચે દટાયા હોવાની આશંકા છે. સમગ્ર વિશ્વએ તુર્કીયે અને સીરિયા તરફ મદદનો હાથ લંબાવ્યો છે. રાહત અને બચાવ કાર્ય હજુ પણ ચાલુ છે.

  • Follow us on: