- ઉદયપુર રિસેપ્શનમાં જોવા મળ્યો કપલનો ખાસ લૂક
- પિંક સાડીમાં પરિણીતી અને બ્લેક સૂટમાં જોવા મળ્યા રાઘવ
- દિલ્હીમાં રાજકીય નેતાઓ માટે અને મુંબઈમાં ઈન્ડસ્ટ્રીના મિત્રો માટે રાખશે રિસેપ્શન
ગઈકાલે એટલે કે 24 સપ્ટેમ્બરની સાંજે એક્ટ્રેસ પરિણીતી ચોપરા અને સાંસદ રાઘવ ચઢ્ઢા લગ્નના તાંતણે બંધાયા. ઉદયપુરના લીલા પેલેસમાં બંનેના લગ્ન ધામધૂમથી સંપન્ન થયા અને સાથે જ અહીં એક રિસેપ્શન પણ યોજવામાં આવ્યું હતું. હાલમાં સોશિયલ મીડિયામાં જે ફોટો સામે આવી રહ્યા છે તેમાં એક્ટ્રેસે રિસેપ્શનમાં પિંક સાડી પહેરી હતી અને સેંથામાં સિંદુર પણ ભર્યું હતું...હાથમાં ચૂડા સાથે તેનો લૂક ખાસ જોવા મળી રહ્યો હતો. તો સાથે જ બ્લેક સૂટમાં રાઘવ ચઢ્ઢા પણ ખાસ જોવા મળ્યો. બંને એકસાથે ખૂબ જ સુંદર લાગી રહ્યા હતા.
કપલે ઉદયપુરમાં પણ આપ્યું રિસેપ્શન
રાઘવ ચઢ્ઢા અને પરિણીતી ચોપરાએ લગ્ન પછી તરત જ ઉદયપુરમાં રિસેપ્શનનું આયોજન કર્યું પરંતુ લગ્નની ઉજવણી આટલી જલદી પૂરી થવાની નથી. રિપોર્ટ અનુસાર, હવે બંનેના લગ્નનું ભવ્ય રિસેપ્શન થવાનું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે રાઘવ અને પરિણીતી તેમના નજીકના લોકો માટે એક નહીં પરંતુ બે રિસેપ્શનનું આયોજન કરશે.
દિલ્હી અને મુંબઈમાં રિસેપ્શન યોજાશે
રિપોર્ટમાં કહેવામાં આવી રહ્યું છે કે રાઘવ ચઢ્ઢા અને પરિણીતી ચોપરા એક રિસેપ્શન દિલ્હીમાં અને બીજું મુંબઈમાં આપવાના છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે રાજનીતિ સાથે સંકળાયેલા લોકો દિલ્હીમાં રિસેપ્શનમાં હાજરી આપશે, જ્યારે મુંબઈમાં પરિણીતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના મિત્રો સાથે તેના લગ્નની ઉજવણી કરશે. જો કે હાલમાં રિસેપ્શનને લઈને કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી.
કોણે કોણે લગ્નમાં હાજરી આપી હતી
બંનેના લગ્નની ઉજવણી 23 સપ્ટેમ્બરથી ઉદયપુરમાં શરૂ થઈ હતી, ત્યારબાદ બંનેએ 24 સપ્ટેમ્બરના રોજ લગ્ન કર્યા હતા. અરવિંદ કેજરીવાલ, ભગવંત માન, આદિત્ય ઠાકરે, સાન્યા મિર્ઝા, મનીષ મલ્હોત્રા, ભાગ્યશ્રી સહિત અનેક મોટી હસ્તીઓ બંનેની ખુશીમાં સામેલ થવા પહોંચી હતી. પહેલાથી જ કહેવામાં આવી રહ્યું હતું કે કરણ જોહર પણ હાજરી આપશે, પરંતુ તે હાજર રહ્યા નહીં. કોઈ કારણસર પરિણીતીની પિતરાઈ બહેન પ્રિયંકા ચોપરા પણ આવી શકી ન હતી.