- સલમાન ખાનના ઘર પર હુમલો લોરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલે કરાવ્યો
- લોરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલ બિશ્નોઈએ હુમલાની જવાબદારી લીધી
- તેણે એવો દાવો કર્યો છે કે હવે ખાલી ઘર પર ગોળીઓ નહીં ચલાવવામાં આવે
બોલિવૂડ સુપરસ્ટાર એક્ટર સલમાન ખાનના ઘરે ફાયરિંગ કેસમાં એક મોટું અપડેટ સામે આવ્યું છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી પોસ્ટના આધારે દાવો કરવામાં આવી રહ્યો છે કે સલમાન ખાનના ઘર પર હુમલો તિહાર જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલ બિશ્નોઈએ કરાવ્યો હતો. જોકે મુંબઈ પોલીસ તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.
લોરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલ બિશ્નોઈએ ફેસબુક પોસ્ટમાં આની જવાબદારી લીધી છે. અનમોલ બિશ્નોઈએ પોતાની ફેસબુક પોસ્ટમાં લખ્યું છે કે,'આ માત્ર ટ્રેલર હતું સલમાન ખાન...' સલમાન ખાન માટે આ પહેલી અને છેલ્લી ચેતવણી છે. તેણે એવો પણ દાવો કર્યો છે કે હવે ખાલી ઘર પર ગોળીઓ નહીં ચલાવવામાં આવે.
બોલિવૂડના દબંગ સલમાન ખાનના જીવ પર વર્ષોથી ખતરો છે. ગેંગસ્ટર ગોલ્ડી બ્રાર અને લોરેન્સ બિશ્નોઈ તેના દુશ્મન બની બેઠા છે. બંને તરફથી સલમાનને નુકસાન પહોંચાડવાના અનેક પ્રયાસો થયા છે. હવે ફરી એકવાર ચોંકાવનારી ઘટના સામે આવી છે. રવિવારે સવારે 4.50 વાગ્યે સલમાનના ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર અજાણ્યા બાઇક સવારોએ અનેક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું.
સલમાનની સુરક્ષા વધુ કડક કરાઈ
પોલીસ હાલમાં સલમાન પર કોણે હુમલો તેની તપાસ રહી હતી અને તેમને લોરેન્સ બિશ્નોઈ પર શંકા હતી. ત્યારે હવે પોલીસ બાઇક પર આવેલા બે અજાણ્યા હુમલાખોરોની શોધ કરી રહી છે બદમાશોએ હેલ્મેટ પહેર્યું હોવાથી તેઓની ઓળખ હજુ થઈ શકી નથી.
હુમલાખોરોએ 5 રાઉન્ડ કર્યું ફાયરિંગ
અકસ્માતમાં કોઈને નુકસાન થયું નથી પરંતુ ફાયરિંગની ઘટનાએ ફેન્સ અને પરિવારજનોને ચિંતામાં મૂકી દીધા છે. ચુસ્ત સુરક્ષા હોવા છતાં પણ આવી દુર્ઘટના બનવી એ ડરામણી છે. ફોરેન્સિક ટીમે ગેલેક્સી એપાર્ટમેન્ટમાં જઈને તપાસ કરી હતી. દિવાલની અંદરથી ગોળીઓના નિશાન મળી આવ્યા છે. મળતી માહિતી મુજબ, એક ગોળી સલમાન ખાનના ઘરની બાલ્કનીમાં લગાવેલી નેટમાં વાગી હતી. પોલીસને સલમાનના ઘરની અંદરથી તે બુલેટના શેલ મળી આવ્યા છે.
ફેન્સે સલમાન ખાનની સુરક્ષા પર સવાલો ઉઠાવ્યા
સલમાન ખાનના ઘરની બહાર જોરદાર ગોળીબાર થયો હતો જેના કારણે તેના ફેન્સ પરેશાન થઈ ગયા હતા. હવે તેના ઘરની બહાર હુમલાખોરો દ્વારા ફાયરિંગ કરવાનો વીડિયો સામે આવ્યો છે. થોડીક સેકન્ડના આ વીડિયોમાં હુમલાખોરો તરત જ ગોળીબાર કરે છે અને ત્યાંથી બાઇક પર નીકળી જાય છે. જોકે આ વીડિયોમાં આ હુમલાખોરોની ઓળખ કરવી મુશ્કેલ છે. કારણ કે તેણે પોતાની ઓળખ છુપાવવા માટે હેલ્મેટ પહેર્યું છે. જોકે, આ વીડિયો વાયરલ થયા બાદ ફેન્સ સલમાન ખાનની સુરક્ષા પર સવાલો ઉઠાવી રહ્યા છે.
હવે આ વીડિયો પર ફેન્સની દરેક પ્રકારની પ્રતિક્રિયાઓ આવી રહી છે. કેટલાક ફેન્સ કહે છે કે આ બધું લોરેન્સ બિશ્નોઈનું કામ છે. તે જ સમયે, કેટલાક ફેન્સએ મહારાષ્ટ્ર સરકાર પર સવાલ ઉઠાવ્યા કે આ કેવા પ્રકારની સુરક્ષા છે. હાલમાં મુંબઈ પોલીસે આ સીસીટીવી ફૂટેજ મેળવી લીધા છે અને તેઓ ટૂંક સમયમાં આ મામલે કાર્યવાહી શરૂ કરશે.