પ્રખ્યાત ગાયક સોનુ નિગમ ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. બેંગલુરુના ઈસ્ટ પોઈન્ટ કોલેજમાં લાઈવ કોન્સર્ટ દરમિયાન તેમના નિવેદનથી વિવાદનો મધપૂડા છંછેડાયો છે. આ મામલો એટલો વધી ગયો છે કે હવે ગાયક વિરુદ્ધ કેસ પણ નોંધવામાં આવ્યો છે. આ સમગ્ર વિવાદ જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલા સાથે સંકળાયેલો છે. હવે આ હોબાળા મામલે ગાયક સોનુ નિગમની પ્રતિક્રિયાની રાહ જોવામાં આવી રહી છે.


સોનુ નિગમ વિરુદ્ધ FIR દાખલ

પ્રખ્યાત ગાયક સોનુ નિગમ એક નવા વિવાદમાં ફસાયા છે. જે કર્ણાટકમાં આયોજિત એક સંગીત કાર્યક્રમ સાથે સંબંધિત છે. બેંગલુરુની ઈસ્ટ પોઈન્ટ એન્જિનિયરિંગ કોલેજમાં આયોજિત આ કાર્યક્રમની એક વીડિયો ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ વીડિયોમાં, સોનુ નિગમ એક ચાહકના વર્તન પર ગુસ્સો વ્યક્ત કરતો અને તેની તુલના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા સાથે કરતો જોવા મળે છે, જેના કારણે વિવાદ વધુ ઘેરો બની રહ્યો છે.

શું સોનુએ કન્નડ સમુદાયની લાગણીઓને ઠેસ પહોંચાડી?

આ નિવેદનને લઈને કર્ણાટક રક્ષા વેદિક નામના સંગઠને સોનુ નિગમ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવાયું છે કે સોનુ નિગમે એક ચાહક દ્વારા કન્નડ ગીત ગાવાની વિનંતીને ગંભીર આતંકવાદી ઘટના સાથે સરખાવી હતી. જેનાથી કન્નડ સમુદાયની લાગણીઓને ઠેસ પહોંચી હતી. વીડિયોમાં, સોનુ નિગમ કહે છે, "જ્યારે એક નાનો છોકરો મને કન્નડ ગીત ગાવા માટે આગ્રહ કરતો રહ્યો ત્યારે મને ખરાબ લાગ્યું. પહેલગામ જેવી ઘટનાઓનું મૂળ આ પ્રકારનું વર્તન છે. જુઓ, તમારી સામે કોણ ઉભું છે." સોનુ નિગમનું આ નિવેદન સોશિયલ મીડિયા પર ટીકાનું કેન્દ્ર બન્યું છે. ઘણા યુઝર્સે તેને ભાષા અને પ્રાદેશિક ઓળખનું અપમાન ગણાવ્યું છે.

નિવેદનમાં ગાયકનો ખુલાસો

જોકે, સોનુ નિગમે મંચ પરથી એ પણ સ્પષ્ટ કર્યું કે તેમને કન્નડ ભાષા અને લોકો પ્રત્યે ખૂબ માન છે. તેમણે કહ્યું કે તેમણે પહેલા ઘણા કન્નડ ગીતો ગાયા છે, પરંતુ બળજબરી અને આક્રમકતા તેમને અસ્વસ્થ બનાવે છે. આમ છતાં કર્ણાટક રક્ષા વેદિક એટલે કે KRVએ સોનુ નિગમના નિવેદનને અસંવેદનશીલ અને ઉશ્કેરણીજનક ગણાવ્યું છે અને કાર્યવાહીની માંગ કરી છે. તેમનું કહેવું છે કે એક સામાન્ય સાંસ્કૃતિક મુદ્દાને આતંકવાદી ઘટના સાથે જોડવો એ માત્ર અન્યાયી નથી પણ કન્નડ સમુદાયની છબીને ખરાબ રીતે ઉજાગર કરે છે. 

  • Follow us on: