તમિલ ફિલ્મના ડાયરેક્ટર વિક્રમ સુગુમારનનું ચેન્નઈમાં હાર્ટઅટેકથી નિધન થયું હોવાનું સામે આવ્યું છે. રિપોર્ટ અનુસાર, તેઓ ચેન્નાઈ જઈ રહ્યા હતા આ દરમિયાન તેમની અચાનક તબિયત લથડી હતી અને અંતિમ શ્વાસ લીધા હતા. ડાયરેક્ટરના અચાનક નિધનથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં શોકની લહેર ફેલાઈ છે અને તેમના ફેન્સ સોશિયલ મીડિયા પર શોક વ્યક્ત કરી રહ્યા છે.


ડાયરેક્ટર નિધનથી નજીકના સબંધીઓ થયા દુ:ખી

અભિનેતા શાંથનુએ વિક્રમ સુગુમારન સાથે પોતાની ઘણી તસવીરો શેર કરીને ઈમોશનલ સંદેશો લખ્યો છે. તેમણે લખ્યું હતું કે, '#Rip, પ્યારે ભાઈ @VikramSugumara3 હું તમારી પાસે ઘણું બધુ શિખ્યો અને તમારી સાથે વિતાવેલી દરેક ક્ષણો હંમેશા યાદ રહેશે. તમારી ખૂબ જ યાદ આવશે. #RIPVikramSugumaran'

અભિનેતા કાયલ દેવરાજે પણ નિધનના સમાચાર સાંભળતા જ ચોંકી ગયા હતા અને લખ્યું હતું કે, 2 જૂન, આ સમાચાર પર વિશ્વાસ નથી આવતો કે, ડાયરેક્ટર અને અભિનેતા વિક્રમ સુગુમારનનું ચેન્નઈ જતા સમયે બસમાં અચાનક હાર્ટઅટેકથી નિધન થયું છે.

કોણ હતા વિક્રમ સુગુમારન?

વિક્રમ સુગુમારન એક તમિલ ફિલ્મના ડાયરેક્ટર હતા. જે તેમની સરળ અને સાચી કહાનીઓ માટે જાણીતા હતા. તેઓ તમિલનાડુના રામનાથપુરમ જિલ્લાના પરમાકુડીના વતની હતા. તેમને બાળપણથી જ ફિલ્મોમાં કામ કરવાનો શોખ હતો અને આ સપનું પૂરું કરવા માટે તેઓ ચેન્નાઈ આવ્યા હતા.

તેમણે પ્રખ્યાત દિગ્દર્શક બાલુ મહેન્દ્ર સાથે કામ કરીને પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. 1999થી 2000ની વચ્ચે તેમણે ઘણી શોર્ટ ફિલ્મોમાં સહાયક ડાયરેક્ટર તરીકે કામ કર્યું હતું. આ સમય દરમિયાન તેમણે 'જુલી ગણપતિ' જેવી ફિલ્મોમાં પણ યોગદાન આપ્યું હતું. વિક્રમે પોતાની અભિનય કારકિર્દીની શરૂઆત દિગ્દર્શક વેત્રીમારનની ફિલ્મ 'પોલ્લાધવન'થી કરી હતી. ત્યાર બાદ તેમણે દિગ્દર્શક શશીકુમારની ફિલ્મ 'કોડિવીરન'માં પણ કામ કર્યું હતું.


  • Follow us on: