- શેફાલી શાહે એક ઈન્ટરવ્યુમાં પોતે વેઠવી પડેલી હેરાનગતિની વાત કરી
- જ્યારે તે નાના હતાં ત્યારે રસ્તામાં તેમની સાથે છેડતીની ઘટના બની હતી
- દીકરાઓનો ઉછેર યોગ્ય રીતે થશે તો આપણી દીકરીઓ સુરક્ષિત રહેશે
'દિલ્હી ક્રાઈમ' ફેમ શેફાલી શાહ આજકાલ ચર્ચામાં છે. તેમની લોકપ્રિય વેબ સિરીઝની બીજી સીઝન માટે તેમને ઇન્ટરનેશનલ એમી એવોર્ડ 2023માં નોમિનેટ કરવામાં આવ્યા હતાં. આ સમાચારથી તેઓ ખૂબ જ ઉત્સાહિત હતાં. તાજેતરમાં એક ઈન્ટરવ્યુમાં તેમણે મહિલાઓની સુરક્ષા અંગે વાત કરી છે. તેમને તે દિવસ પણ યાદ આવ્યો જ્યારે તેમનું રસ્તા પર શોષણ થયું હતું. તેમણે કહ્યું કે અન્ય મહિલાઓની જેમ તે પણ આ પીડામાંથી પસાર થઈ છે.
લગભગ બધી સ્ત્રીઓએ આનો સામનો કર્યો છે
અભિનેત્રી શેફાલી શાહે ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે તેણે તેના પુત્રોને શું સલાહ આપી છે. તેમણે કહ્યું કે માત્ર પુત્રોને જ યોગ્ય રીતે ઉછેરવા જોઈએ. સ્ટ્રીટ હેરેસમેન્ટનો ઉલ્લેખ કરતાં અભિનેત્રીએ કહ્યું કે 'મને લાગે છે કે આપણામાંથી મોટાભાગના લોકોએ રસ્તા પર થતી સતામણીનો સામનો કર્યો છે. મને યાદ છે કે જ્યારે હું નાની હતી, શાળાએથી આવતાં બજારમાંથી પસાર થઈ રહી હતી ત્યારે આનો સામનો કર્યો હતો. પરંતુ હું તેની સામે કંઈ કરી શકી નહીં કારણ કે હું ખૂબ જ નાની હતી. હું ડરી ગઈ હતી અને મારી સાથે કોઈ ઊભું ન હતું. ત્યાં ભીડ હતી પરંતુ કોઈ ન હતું. મને લાગે છે કે લગભગ બધી સ્ત્રીઓએ ક્યાંક ને ક્યાંક આનો સામનો કર્યો છે.
પુત્રોના ઉછેર વિશે વાત કરી
શેફાલીએ કહ્યું હતું કે દીકરીઓ ત્યારે જ સુરક્ષિત રહી શકે છે જ્યારે દીકરાઓનો યોગ્ય ઉછેર થાય. તેમણે કહ્યું, 'હું સેલિબ્રિટી હોઉં કે ન હોઉં, હું સાચે જ માનું છું કે જો અમારા દીકરાઓનો ઉછેર યોગ્ય રીતે થશે તો અમારી દીકરીઓ સુરક્ષિત રહેશે. મારા બે દીકરા છે અને તેમને યોગ્ય રીતે ઉછેરવાની જવાબદારી મારી છે. હવે અમે અમારી દીકરીઓ સુરક્ષિત હોવાની વાત પણ કરતા નથી. અમે ફક્ત લોકોના સલામત રહેવાની, સન્માન મેળવવાની અને હેરાન ન થવાની વાત કરીએ છીએ. હું હંમેશા મારા પુત્રોને કહું છું કે અન્ય લોકો સાથે તે રીતે વર્તો જેવી અપેક્ષા તમે તમારી જાત માટે કરો છો.