- ઘરે બનાવો સ્વાદિષ્ટ બ્રેડ પિત્ઝા
- આ રીતે બનાવી લો આલુ ચાટ
- ક્વિક ડેઝર્ટ વધારશે મજા
દરેક ગૃહિણી પછી તે વર્કિંગ વુમન હોય કે ઘરેલુ મહિલા, તેમને માટે રસોઇનું કામ મુશ્કેલ રહે છે અને સાથે જ જો પરિવારમાં જોઇન્ટ ફેમિલિમાં રહેતા હોય તો સભ્યોની સંખ્યા વધારે રહે છે. આ સમયે જો તમે ફટાફટ રસોઇ કરી લો છો તો તમે તમારા પોતાના માટે સારો એવો સમય ફાળવી શકો છો. તો આજે અમે તમારા માટે આવી ફટાફટ એટલે કે 10 મિનિટના સમયમાં બની જતી રેસિપિ લઇને આવ્યા છીએ. જે તમને તમારા પરિવારની સાથે સ્પેશ્યિલ સમય વીતાવવામાં મદદ કરી શકે છે. કઇ ખાસ વાનગીઓ છે જે સ્વાદની સાથે સમયની પણ બચત કરે છે અને તમારી હેલ્થનું પણ ધ્યાન રાખે છે તે જાણો અને આજે જ તેને તમારા રસોડામાં ટ્રાય કરો.
- જો તમારા ઘરમાં કોઇ શાક નથી તો તમે ઝટપટ એવું સેવ-ટામેટાનું શાક બનાવી શકો છો, આ માટે તમે તેલ મૂકો અને જીરું અને હિંગનો વઘાર કરો. તેમાં ટામેટા ઉમેરો અને તેને પણ સાંતળો, હળદર, લાલ મરચાની ભૂકી, ધાણાજીરું, મીઠું અને ગોળ મિક્સ કરો. આ દરેક ચીજો મિક્સ થઇ જાય એટલે સેવ નાંખીને શાકને ગેસ પરથી ઉતારી લો. તૈયાર છે તમારું ટેસ્ટી સેવ-ટામેટાનું શાક.
- રબડી બનાવવા ઇચ્છો છો તો તમે બે કપ દૂધને ઉકાળી લો અને તેમાં બે બ્રેડની સ્લાઇસને મિક્સરમાં પીસીને દૂધ સાથે જ ઉકાળો. તેમાં પા કપ કન્ડેસ્ન્ડ મિલ્ક, બે મોટા ચમચા સાકર અને એલચીનો ભૂકો મિક્સ કરો. 10 મિનિટ સુધી ઉકાળો અને પછી ગેસ પરથી ઉતારી લો. તેને તમે ડ્રાયફ્રૂટ્સની મદદથી ગાર્નિશ કરીને સર્વ કરો.
- બ્રેડની સ્લાઇસ પર શિમલા મરચાં, કાંદા તથા ચીઝને ખમણીને મૂકો, તેને ઓવનમાં બેક કરો અને તૈયાર થઇ જશે તમારા સ્વાદિષ્ટ બ્રેડ પિત્ઝા. જેની મજા તમે તરત જ માણી શકો છો.
- જો ફટાફટ ગુલાબજાંબુની મજા માણવા ઇચ્છો છો તો તમે બ્રેડની સ્લાઇસનો ભૂકો કરો. તેમાં દૂધ, મલાઇ, ઘી, મેંદો મિક્સ કરો અને તેના નાના ગોળા બનાવો. તેને તળી લો, તેને સાકરની ચાસણી કરી તેમાં નાંખીને પલળવા દો. તૈયાર છે તમારા સ્વાદિષ્ટ ગુલાબજાંબુ.
- બ્રેડમાં બાફેલા બટાકા, શાક, સ્વાદ અનુસાર લીલાં મરચાં, કોથમીર અને મીઠું મિક્સ કરો અને તેની નાની ટિક્કી બનાવો. તેને તળી લો, તેને ચટણી સાથે ખાવ. આ ડિશ તમને કટલેસ જેવી ફિલ આપે છે.
- બાફેલા બટાકાના ટુકડા કરો અને તેમાં ફૂદીનાની ચટણી, ચાટ મસાલો અને મીઠું મિક્સ કરો. તેમાં ઉપરથી લાલ મરચું અને કોથમીર નાંખો, તેને સર્વ કરો, તે આલુ ચાટની ગરજ સારે છે અને એક હેલ્ધી સ્નેક્સ બની શકે છે.
- દહીંમા મધ અને કાળી દ્રાક્ષને મિક્સ કરો, તેને ઠુંડુ કરીને તમે ક્વિક ડેઝર્ટની રીતે પીરસી શકો છો.
- વધેલી રોટલીનો ઝીણો ભૂકો કરો અને તેમાં ઘી અને ગોળ મિક્સ કરી તેના ઇન્સ્ટન્ટ લાડુ બનાવો. તે પણ એક બેસ્ટ સ્વીટની ગરજ સારે છે.