• કડવી મેથી હેલ્થને આપશે અનેક લાભ
  • વસાણા ખાવાથી મળશે બારેમાસ આરામ
  • મેથીના લાડુ હાડકાની તકલીફોથી રાહત આપશે

આપણા ત્યાં એક કહેવત છે કે, જે શિયાળામાં ખાય પાક તેને ન લાગે થાક. શિયાળામાં વિવિધ જાતના વસાણા ખાવાની ગુજરાતીઓની પરંપરા છે. તેની પાછળ તંદુરસ્તીના અનેક રહસ્યો છુપાયેલા છે. શિયાળામાં લીલી કે સૂકી મેથી ખાવાની ખાસ પરંપરા છે. માનવામાં આવે છે કે કડવી મેથી હેલ્થ માટે લાભદાયી રહે છે. તે લાડુનું સેવન કરી લેવાથી આખું વર્ષ હાડકાની તકલીફોથી રાહત મેળવી શકાય છે. તો જાણો કેવી રીતે બનાવશો કડવી મેથીના ટેસ્ટી લાડુ.

મેથી લાડુ

સામગ્રી

- 250 ગ્રામ અડદનો લોટ

- 250 ગ્રામ મેથી

- 250 ગ્રામ ઘઉંનો જાડો લોટ

- 500 ગ્રામ ઘી

- 3/4 કપ ગોળ

- 50 ગ્રામ બત્રીસું(કાટલું)

- 50 ગ્રામ સૂંઠ પાઉડર

- 50 ગ્રામ કાજુ

- 50 ગ્રામ બદામ

- 50 ગ્રામ ટોપરું સૂકું

ગાર્નિશિંગ માટે

- 4 ચમચી ટોપરાનું છીણ

રીત

સૌપ્રથમ અડધા ઘીમાં અડદનો લોટ ધીમા તાપે શેકી લો. તે જ રીતે ઘઉંના લોટને ઘી ગરમ કરી બદામી રંગનો શેકી લો. હવે બાકીનું ઘી ફરી ગરમ કરી છીણેલો ગોળ ઉમેરવો. બેથી ત્રણ ઊભરા આવે ત્યા સુધી ગરમ થવા દેવો. હવે તેમાં બંને લોટ, સૂંઠ પાઉડર, બત્રીસુ તથા તમામ સામગ્રી ઉમેરીને બરાબર મિક્સ કરી લો. બધી જ સામગ્રી બરાબર એકરસ થઈ જાય એટલે તેના લાડુ વાળી લેવા. અને જો ના વાળવા હોય તો થાળીમાં ઘી લગાવેલી થાળીમાં મિશ્રણ રેડીને બરાબર પાથરી દેવું. ટોપરાના છીણથી ગાર્નિશિંગ કરીને ઠરવા દેવું. ઠરી જાય એટલે તેને કટ કરીને એર ટાઈટ ડબ્બામાં ભરી લેવું. જો લાડુ વાળ્યા હોય તો તેને નાળિયેરની છીણમાં રગદોળીને એર ટાઈટ ડબ્બામાં ભરી લેવા. આ લાડુથી હાડકા મજબૂત રહેશે અને આખું વર્ષ દર્દમાં રાહત મેળવી શકાશે. 

  • Follow us on: