સુરતના સરોલીમાં 19 વર્ષીય મોડલે ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો છે, મધ્યપ્રદેશથી 4 દિવસ પહેલા મોડલ આવી હતી અને તેની બહેનપણીઓ સાથે તે રહેતી હતી અને અચાનક આપઘાત કરી લેતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે, તો સમગ્ર ઘટનામાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. મૃતક સુખપ્રીત કૌર 3 બહેનપણી સાથે રહેતી હતી.
મૃતક મોડલ તેની 3 બહેનપણીઓ સાથે રહેતી હતી
સારોલીમાં રહેતી ૧૯ વર્ષીય મોડેલે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. મોડેલએ ક્યાં કારણોસર અંતિમ પગલું ભર્યું તે અંગે હાલ રહસ્ય સર્જાયું છે. જ્યારે યુવતી મોડેલિંગના કામ અર્થે સુરતમાં ચારેક દિવસ પહેલા જ આવી હતી. પોલીસ હાલ આ મામલે વિવિધ દિશામાં તપાસ કરી રહી છે. મૂળ મધ્ય પ્રદેશમાં શિવપુરીની વતની અને હાલ સારોલી પાસે કુંભારિયા ગામમાં આવેલ સારથી રેસીડેન્સીમાં ૧૯ વર્ષીય સુખપ્રીત લખવિંદરસિંહ કૌર અન્ય ત્રણ બહેનપણીઓ સાથે રહેતી હતી. તેણીનો પરિવાર વતનમાં રહે છે.
સુખપ્રીત મોડેલિંગનું કામ કરતી હતી
સુખપ્રીતની સાથે રહેતી તેની બહેનપણીઓ પણ મોડેલિંગનું કામ કરે છે. જે અંતર્ગત સુખપ્રીત ચાર-પાંચ દિવસ પહેલા જ સુરતના સારોલી ખાતે મોડેલિંગના કામ અર્થે આવીને બહેનપણી સાથે રહેતી હતી. દરમિયાન શુક્રવારે બપોરે ઘરે બેડરૂમમાં છતમાં લગાવેલ પંખા સાથે દુપટ્ટો બાંધીને ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. જ્યારે તેની સાથે રહેતી બહેનપણીએ સુખપ્રીતને લટકેલી હાલતમાં જોતા સમગ્ર ઘટનાની જાણ થઈ હતી. બનાવ અંગે સ્થાનિક સારોલી પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે મૃતકનો કબજો લઈ પોસ્ટમોર્ટમ અર્થે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. મૃતક સુખપ્રીતના આપઘાત પાછળનું કારણ હાલ અકબંધ રહ્યું છે. પોલીસ તપાસ કરી રહી છે.