સુરતમાં પોલીસના સઘન પેટ્રોલિંગ વચ્ચે ચોરીની ઘટનાઓ સતત વધી રહી છે. શહેરમાં મોટા વરાછા વિસ્તારની એક સોસાયટીમાં તસ્કરોએ મકાનમાં ઘૂસીને 6.85 લાખના દાગીનાનો હાથ ફેરો કર્યાની ઘટનાથી ચકચાર મચી જવા પામી હતી. ચોરી કરીને ફરાર થયેલા તસ્કરો સીસીટીવીમાં કેદ થઈ ગયા હતાં. આ ઘટના બાદ ઉતરાણ પોલીસ સહિત ક્રાઈમ બ્રાંચનો કાફલો તપાસમાં જોડાઈ ગયો હતો. પોલીસે સીસીટીવીના આધારે તસ્કરોને ઝડપી લેવા માટે તપાસ હાથ ધરી હતી.
મકાનમાં ઘૂસીને તસ્કરોએ 6.85 લાખના દાગીના ચોર્યા
ઉનાળાની સિઝનમાં ગરમીને કારણે લોકો રાત્રે મકાનના ધાબા પર સુવા જતા હોય છે. સુરત શહેરના મોટા વરછા વિસ્તારમાં હરિઓમ નગર સોસાયટીમાં રહેતા દવે દંપતિ ગરમીને કારણે ધાબા પર સુવા માટે ગયા હતાં. મોડી રાત્રે તસ્કરો મકાનમાં ઘૂસ્યા હતાં અને 6.85 લાખની કિંમતના 22 તોલાના ઘરેણાની ચોરી કરીને ફરાર થઈ ગયા હતાં. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. રાત્રે ધાબા પર સુઈ ગયેલા દંપતિને સવારે પોતાના ઘરમાં ચોરી થઈ હોવાની જાણ થતાં જ તેમણે પોલીસનો સંપર્ક કર્યો હતો.
પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી
પોલીસે ઘટના સ્થળે પહોંચીને મકાનમાં થયેલી ચોરી અંગે તપાસ હાથ ધરી હતી. મોડી રાત્રે થયેલી 22 તોલાના ઘરેણાની ચોરીની ઘટનાથી આસપાસના વિસ્તારોમાં પોલીસના રાત્રિ પેટ્રોલિંગ સામે અનેક ચર્ચાઓ શરૂ થઈ હતી. તસ્કરોને પકડવા માટે પોલીસ સહિત ક્રાઈમ બ્રાંચની ટીમ પણ તપાસમાં જોડાઈ હતી. સુરત શહેરની ઉતરાણ પોલીસે મકાન માલિકની ફરિયાદના આધારે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી હતી. ક્રાઈમ બ્રાંચ પણ સક્રિય થયેલા તસ્કરોને ઝડપી પાડવા માટે એક્શનમાં આવી ગઈ હતી. મોટા વરાછામાં હરિઓમ નગરમાં દવે દંપતિના ઘરમાં તસ્કરોએ હાથ ફેરો કર્યા બાદ લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો.
પોલીસનું સઘન પેટ્રોલિંગ હોવા છતાં ચોરીની ઘટનાઓ
ઉનાળાની આગ ઝરતી ગરમીમાં રાત્રે અનેક લોકો પોતાના મકાનના ધાબા પર સુવા માટે જતા હોય છે. જેનો લાભ તસ્કરો ઉઠાવી રહ્યાં છે. પોલીસનું સઘન પેટ્રોલિંગ હોવા છતાં આ પ્રકારની ચોરીની ઘટનાઓ કેમ બને છે તેવા અનેક સવાલો લોકોમાં ચર્ચાઈ રહ્યાં છે. શહેરમાં ઘરફોડ, ચોરી અને લૂંટની ઘટનાઓ સતત વધતાં પોલીસનો ડર ઓસરી રહ્યો હોવાની પણ અનેક ચર્ચાઓ શરૂ થવા પામી હતી.