- રાજ્યમાં વધ્યા હાર્ટએટેકના બનાવ
- એક જ દિવસની અંદર રાજકોટમાં 3ના મોત
- નાની ઉંમરના લોકોમાં વધી રહ્યું છે મોતનું પ્રમાણ
છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યમાં હાર્ટએટેકના બનાવો સતત વધી રહ્યા છે. આ દરમિયાન રાજકોટમાં 24 કલાકમાં હાર્ટએટેકની અલગ અલગ ઘટનાઓમાં 3 લોકોના મોત થતાં ચકચાર મચી ગઈ છે. વાત જાણે એમ છે કે, રાજકોટમાં આજે 3 લોકોના મોત થયા છે. આ ત્રણેયને બેભાન હાલતમાં સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા. જેમને ફરજ પરના ડોક્ટર દ્વારા મૃત જાહેર કરવામાં આવ્યા હતા. આ ત્રણેય ઘટનાઓમાં પ્રાથમિક દૃષ્ટિએ મોતનું કારણ હાર્ટએટેક હોવાનું જણાવાઈ રહ્યું છે.
ગુજરાતમાં હાલના દિવસોમાં હાર્ટએટેકના કારણે લોકો ટપોટપ મોતને ભેટી રહ્યા છે. રાજકોટમાં પણ 24 કલાકની અંદર 3 લોકોએ હૃદયરોગના હુમલાના લીધે જીવ ગુમાવ્યો હોવાનું પ્રાથમિક દૃષ્ટિએ લાગી રહ્યું છે. આ ઘટનાની વધુ માહિતી પ્રમાણે ભારતીનગરમાં રહેતા 46 વર્ષીય રામજી સોલંકી, પાળ ગામે રહેતા 51 વર્ષીય કેશુ મોહનિયા અને રેલનગરમાં રહેતા 27 વર્ષીય યુવાન ભાવેશ ગોહેલનું આજે નિધન થયું હતું. મહત્વનું છે કે આ ત્રણેયને બેહોશ અવસ્થામાં સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જેમને ફરજ પર હાજર તબીબે મૃત જાહેર કર્યા હતા.
હાર્ટ એટેકના લક્ષણોને ઓળખવા જરુરી
તમારા શરીરમાં કોઇપણ ભાગમાં દુખાવો કે બેચેની થઇ રહી હોય તો તમારે પહેલા ડોક્ટરને સંપર્ક કરવો જોઇએ. જો તમને છાતીમાં ભાર, જકડણ, બળતરા, દુખાવો જેવી સમસ્યા હોય તો આ તમારા હાર્ટ એટેકનું કારણ બની શકે છે. ઉબકો આવે અથવા ધળકન વધે તો તમારે તરત જ પોતાની સારવાર કરાવી જોઇએ.
એમ્બ્યુલન્સ અથવા કોઇ નજીકની વ્યક્તિને ફોન કરીને બોલાવો
જો તમે એકલા રહેતા હોય અને તમારા શરીરમાં કોઇ પણ રીતની મુશ્કેલી અનુભવો તો એમ્બ્યુલન્સ અથવા કોઇ મિત્ર, અથવા નજીકની વ્યક્તિને બોલાવી લો. તેમની સાથે ઝડપથી ડોક્ટર પાસે જાઓ. તમારી તત્કાળ કરેલી આ પ્રક્રિયા તમને અતિશય મદદગાર બની શકે છે. એ સંકટના સમયે તમારી સાંકળ બની શકે છે અને ઈમરજન્સીના સમયે આપનો કિંમતી જીવ બચાવી શકવામાં મદદગાર બની જાય છે.
શું કાળજી રાખવી જોઇએ
લોકોએ હાર્ટને સુરક્ષિત રાખવા માટેની ડૉક્ટરોએ સલાહ આપી કે, દરેક વ્યક્તિએ દિવસમાં 11 કિમી ચાલવું જોઈએ તેમજ એક્ટિવ લાઇફ રાખવી ખાસ જરૂર છે. જેની સાથે જ તાજેતરમાં વિદ્યાર્થીઓમાં હાર્ટ એટેક વધવાનું મુખ્ય કારણ તણાવ જ છે. તેમજ જંક ફૂડ પણ તેમાં એક કારણ હોય શકે છે.
લોકોને સુરક્ષિત રાખવા માટે ડૉક્ટરે સલાહ આપી કે, કોઇ દુખાવો થતો ન હોય અને કામ કરતા થાકી જઈએ અથવા ચાલતી વખતે થાક લાગે તો સમજવું આ હાર્ટ એટેકના લક્ષણો છે. પરિવારના પુર્વજનો ને પણ હાર્ટ એટેક આવેલો હોય તો તે લોહીમાં આ રોગ એન્ટર થઈ જાય છે.
નાના બાળકોના મોત હાર્ટ એટેકથી નથી થતાં !
નાના બાળકોના હાર્ટએટેકને લઈ ડૉ.મિલન ચગે નિવેદન આપ્યું કે, 15-20 વર્ષે સ્કૂલમાં કે રમતા રમતા મોત હાર્ટએટેક નથી હોતા જેના માટે મોતનું સાચું કારણ પોસ્ટમોર્ટમ કરીએ તો ખબર પડે. કોરોનાના કારણે હાર્ટની બીમારી વધી તે વાત ખોટી છે. જેના માટે વેક્સિન કે કોરાના જવાબદાર નથી. વિશ્વમાં ભારત હૃદય રોગની રાજધાની કહેવાય છે. અન્ય દેશો કરતા ભારતમાં હૃદય રોગનું પ્રમાણ 20 ટકા વધુ છે