- ગાંધીનગર રેન્જ IG વિરેન્દ્ર યાદવે તૈયારીની માહિતી આપી
- મહાત્મા મંદિર એક્ઝિબીશન સેન્ટર પર બંદોબસ્ત ગોઠવાયો
- 7 હજાર પોલીસ જવાન બંદોબસ્તમાં રહેશે
ગાંધીનગરમાં 9 જાન્યુઆરીથી 12 જાન્યુઆરી સુધી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2024 નું મહાત્મા મંદિર, સેકટર-17 એકઝીબીશન સેન્ટર તથા ગીફટ સીટી ખાતે વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા દેશ વિદેશના વિવિધ મહેમાનો હાજર રહેશે. આ તમામની સુરક્ષા અને સલામતી માટે રાજ્ય પોલીસ દ્વારા આવતી કાલથી રીહર્સલ શરુ કરવામાં આવશે.
આ વચ્ચે ગાંધીનગરમાં રેન્જ આઈજી વિરેન્દ્રસિંહ યાદવે જણાવ્યું હતું કે, વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024નો પ્રારંભ 10મા વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શોથી થશે. આ સમગ્ર બંદોબસ્તને કુલ 6 ઝોનમાં વહેચવામાં આવ્યો છે. જેમાં મહાત્મા મંદિર, એક્ઝિબિશન સેન્ટર, ગીફ્ટ સીટી, રાજ ભવન, રોડ બંદોબસ્ત અને મોર્ચા સ્ક્વૉડનો સમાવેશ થાય છે.
થ્રીડી મેપીંગ કરવામાં આવ્યું
આ માટે શહેરમાં 1 ADGP, 6 IGP/DIGP, 21 SP, 69 Dy.SP, 233 PI, 391 PSI, 5520 પોલીસ, 100 કમાન્ડો, 21 મોરચા સ્ક્વૉડ, 8 QRT ટીમ, 15 BDDS સહિતના પોલીસ અધિકારી કર્મચારીઓ કર્મીઓ તહેનાત રહેશે, એટલું જ નહિ, આડેધડ પાર્કિંગ ન થાય તેની તકેદારી માટે 34 ટ્રાફિક ક્રેઇન પણ શહેરના માર્ગો પર ફરશે.
મહાત્મા મંદિર, સેકટર-17 એકઝીબીશન તથા ગીફટ સીટી ખાતે યોજાનાર કાર્યક્રમ માટે જે તે જગ્યાએ ડ્રોન દ્વારા થ્રીડી મેપીંગ કરવામાં આવ્યુ છે. આ સાથે જ પહેલી વખત એન એસ જી કમાન્ડો દ્વારા સહયોગ સાથે એન્ટી ડ્રોન સિસ્ટમ કાર્યરત કરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વિદેશી મહાનુભાવોની સુરક્ષા ને ધ્યાનમાં રાખીને વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે.
આ ઉપરાંત જરૂરી સી.સી.ટી.વી. કેમેરા તથા પાર્કિંગમાં પી.ટી. ઝેડ કેમરા તેમજ એન્ટ્રી-એકઝીટ પર કેમરા લગાવવામાં આવ્યા છે. ડીપ્લોયમેન્ટ માટે પણ પ્લાનીંગ કરવામાં આવ્યુ છે તેમજ આર.એફ.આઇ.ડી બેઝડ મહાનુભાવોના પ્રવેશ તેમજ મુલાકાતીઓના વાહનોના પાર્કિંગ માટે સીસ્ટમ ઉભી કરવામાં આવી છે. કોમ્યુનિકેશન માટે ફ્રીકવન્સી ચેનલ ઉભી કરવામાં આવેલ છે.
ક્યા રૂટ રહેશે બંધ અને શું છે વૈકલ્પિક માર્ગ
જ્યારે સમગ્ર કાર્યક્રમમાં ટ્રાફિક નિયમન માટે અલગ અલગ રૂટના ડાયવર્ઝન આપવામાં આવેલ છે. જે અંતર્ગત જાહેરનામા પ્રસિધ્ધ કરાવવામાં આવ્યા છે. જાહેરનામા અંતર્ગત ભારે વાહન માટે અમદાવાદ રીંગ રોડ ઉપર નાના ચીલોડાથી વૈષ્ણોદેવી સુધી તેમજ ઝુંડાલથી એપોલો સર્કલ તરફ જતો માર્ગ પ્રતિબંધિત કરવામાં આવેલ છે. આ વચ્ચે નાના ચીલોડાથી સેક્ટર-30 સર્કલથી ક-7 ઉવારસદ થઇ બાલાપીર દરગાહ તરફ ડાયવર્ઝન કરેલ છે, તેમજ એપોલો સર્કલથી અને તપોવન સર્કલ તરફથી આવતાં ભારે વાહનો ઝુંડાલ સર્કલ થઇ ઉવારસદ ગામથી વાવોલ ગામ થઇ ક-7 થી સેક્ટર-30 સર્કલ થઇ મોટાં ચીલોડા તરફ ડાયવર્ટ કરવામાં આવ્યો છે. ગાંધીનગરમાં ઇન્ટર્નલ ડાયવર્ઝનમાં 1 થી 7 નંબરના રોડનો ઉપયોગ કરવા જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે તથા મહાત્મા મંદિરની મુલાકાત લઈ રહેલા મહાનુભાવોની અવર-જવર માટે ‘ખ’ તેમજ ‘ગ’ રોડને આરક્ષિત કરવામાં આવ્યાં છે.