- તૈયારી કરનારાઓ માટે તલાટીનું પેપર ઈઝી હતું
- અમુક ઉમેદવારોને પરીક્ષામાં સમય ઘટ્યો
- તલાટી અને જુનિયર ક્લાર્કના પરિણામ જૂન મહિનામાં જાહેર થશે
આજે રાજ્યમાં તલાટી કમ મંત્રીની પ્રિલીમ પરીક્ષા યોજાઈ છે. જેમાં 3400 થી વધુ બેઠકો છે અને તેના માટે 8.60 લાખ જેટલાં પરીક્ષાર્થીઓ પરીક્ષા આપી છે. જેના માટે રાજ્યભરના અલગ અલગ જિલ્લાઓમાંથી પરિક્ષાર્થીઓ પરીક્ષા આપવા માત્ર પહોંચ્યા હતા. બપોરે 12.30થી 1.30 વાગ્યા સુધી એક કલાક પરીક્ષા લેવાઈ હતી. રાજ્યનાં 2694 પરીક્ષા કેન્દ્રમાં 28,814 વર્ગખંડમાં પરીક્ષા યોજાવા આવી હતી.
ઉમેદવારોને ફ્રિસન્કિંગ કરીને પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ આપવાનો શરૂ કરવામાં આવ્યો હતો. હોલ ટિકિટ, ઓળખકાર્ડ, પેન સિવાયની વસ્તુઓ અંદર લઈ જવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. તેમજ બૂટ-ચપ્પલ પણ બહાર ઉતારવામાં આવ્યા હતા. આ પહેલાં ઉમેદવારોને સેન્ટર પર પહોંચવામાં પણ ઘણી તકલીફનો સામનો કરવો પડી રહ્યો હતો. આ વખતે પરીક્ષાર્થીઓની સાથે સિનિયર અધિકારી સહિત 64 હજારનો સ્ટાફ તૈનાત રહ્યો હતો.
Live Update :
તલાટી અને જુનિયર ક્લાર્કના પરિણામ જૂન મહિનામાં જાહેર થઈ શકે છે
તલાટી કમ મંત્રીની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયા બાદ હસમુખ પટેલે આપી પ્રથમ પ્રતિક્રિયા, જણાવ્યું કે, પ્રાંતથી લઈ DySP સુધીના અધિકારીઓ વ્યવસ્થામાં હતા અને સામાજિક સંસ્થાઓએ ખૂબ જ મદદ કરી છે. તેમજ ગુજરાતીઓએ પરીક્ષાને પ્રસંગમાં બદલી નાખી છે. તેના માટે મીડિયાએ પણ ખૂબ મોટી જવાબદારી નિભાવી છે.
હસમુખ પટેલે જણાવ્યું કે, સરકારના તમામ વિભાગોનો મને સહયોગ મળ્યો છે. તલાટી પરીક્ષાના પરિણામ અંગે હસમુખ પટેલે જણાવ્યું કે, જૂનમાં તલાટી અને જૂનિયર ક્લાર્કનું પરિણામ આવશે. જૂન મહિનામાં તલાટીનું પરિણામ જાહેર થશે. કારણ કે ગામડાઓમાં તલાટીની ખૂબ જ આવશ્યકતા છે. અને તે તાત્કાલિક ધોરણે પૂર્ણ કરવામાં આવશે. આ માટે પરિણામ પણ તુરંત જ જાહેર કરવામાં આવશે.
પરીક્ષાની સફળતા અંગે વાત કરતાં પસંદગી બોર્ડના ચેરમેને જણાવ્યું કે, સરકારના તમામ વિભાગોનો મને સહયોગ મળ્યો છે. તેમજ શહેરી વિસ્તારમાં કેન્દ્રો ફાળવવામાં ખૂબ સહયોગ મળ્યો છે. જેમાં પોલીસ વિભાગે અસામાજિક તત્વો સામે સતત વોચ રાખી હતી. આ ઉપરાંત IBના સતત સંપર્કમાં હતો એટલે સફળતા મળી છે. તેમજ ડમી ઉમેદવારો ના બેસે તે માટે CCTVથી રેકોર્ડિંગ કરાયું છે.
પેપર અંગે ઉમેદવારોએ શું આપી પ્રતિક્રિયા
કેટલાંક ઉમેદવારોએ જણાવ્યું કે, પેપર સારૂ રહ્યું પણ સમય ઘટ્યો તો કેટલાકને પંચાયતી રાજના પ્રશ્નો લાંબા લાગ્યા હતા. તેમજ કેટલાક ઉમેદવારોએ જુનિયર ક્લાર્ક કરતા તલાટીની પરીક્ષાનું પેપર સરળ ગણાવ્યું હતું. તેમજ ઈતિહાસ અને અંગ્રેજીના પ્રશ્નો વધુ પુછાયા હતા અને ગણિતના પ્રશ્નો અઘરા હતા તેમ જણાવ્યું છે.
1.30 કલાકે આખરે પરીક્ષા પૂર્ણ
આખરે તલાટી કમ મંત્રીની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ છે. જેમાં રાજ્યના 30 જિલ્લાઓમાં 2694 કેન્દ્ર પર પરીક્ષા પૂર્ણ થતાં તંત્રએ પણ હાશકરો અનુભવ્યો છે. રાજ્યના 2694 કેન્દ્રના 28, 814 સેન્ટર પર પરીક્ષા યોજાઈ હતી. પરીક્ષા પૂર્ણ થયા બાદ ઉમેદવારોએ જણાવ્યું કે, તૈયારી કરનારાઓ માટે તલાટીનું પેપર ઈઝી હતુ અને સારી રીતે પેપર પૂર્ણ થયું.
વલસાડમાં ટ્રેન મોડી થતાં પરીક્ષાર્થીઓ 5 મિનિટ મોડા પહોંચ્યા અને અટવાયા
વલસાડમાં તલાટી મંત્રીની પરીક્ષામાં 5 મિનિટ લેટ પહોંચતા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો નહીં. ઉમેદવારો પરીક્ષા કેન્દ્ર પર સેન્ટ જોસેફ સ્કૂલમાં 5 મિનિટ મોડા પહોંચતા અટકાવી દેવામાં આવ્યા છે. આશરે 15 જેટલાં વિદ્યાર્થીઓ 11.55 સુધીમાં પ્રવેશ મેળવવાનો સમય હતો પણ તેઓ 12 વાગ્યે પહોંચ્યા તેથી શાળાના ગેટ બંધ કરી દેવામાં આવ્યા અને ઉમેદવારોને પ્રવેશ આપવામાં આવ્યો નહીં.
પંચાયત પસંદગી મંડળના ચેરમેન હસમુખ પટેલે જાતે નિરિક્ષણ કર્યું
પરીક્ષા કેન્દ્રનું નિરિક્ષણ કરવા માટે હસમુખ પટેલ પહોંચ્યા અને તેમને પરીક્ષા કેન્દ્રની તમામ તૈયારીઓનું નિરિક્ષણ કર્યું છે. ગાંધીનગરમાં GPSSBના અધ્યક્ષ હસમુખ પટેલ પરીક્ષા કેન્દ્રની મુલાકાતે પહોંચ્યા છે. હસમુખ પટેલે સેકટર 22ની ગુરુકુળ સ્કૂલની મુલાકાત લીધી હતી. તેમજ પરીક્ષા કેન્દ્ર પર વ્યવસ્થાની સમીક્ષા કરી રહ્યા છે.
આ અંગે વાત કરતાં તેમણે જણાવ્યું કે, ઉમેદવારો સમયસર પહોંચી રહ્યા છે અને તેમનો પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ તે તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. ઉમેદવારોની વીડિયો ગ્રાફી કરવામાં આવી છે અને પરીક્ષામાં કોઈ પણ ગેરરીતિ ન થાય તેની પણ તમામ કાળજી રાખવામાં આવી છે. કોઈ પણ ગેરરીતિના થાય તેના માટે તંત્રની તમામ મામલે તૈયારીઓ કરવામાં આવી છે. પરીક્ષા સમાગ્રી પહોંચી ગઈ છે અને 12.10ના OMR શીટ આપવામાં આવશે અને પછી પરીક્ષા શરૂ થશે.
રાજ્ય પ્રવક્તા મંત્રીએ પરીક્ષા વ્યવસ્થાના કર્યા વખાણ
આ વચ્ચે રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું કે, તલાટીની પરીક્ષાની ખુબ સારી તૈયારી છે જેમાં 2600થી વધુ કેન્દ્ર ઉપર ખુબ સારી તૈયારી છે. આ ઉપરાંત પંચાયત પસંદગી મંડળની પરીક્ષાઓના ચેરમેન હસમુખ પટેલ અંગે વાત કરતાં ઋષિકેશ પટેલે જણાવ્યું કે, હસમુખ પટેલની આગેવાનીમાં સારા માહોલમાં પરીક્ષા યોજાઈ રહી છે. જેમાં ઉમેદવારોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
11.30 વાગ્યાથી ઉમેદવારોને પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ આપવાની શરૂઆત કરવામાં આવી
આ માટે ઉમેદવારોની તપાસ કર્યા બાદ પ્રવેશ અપાઇ રહ્યો છે. જેમાં ઉમેદવારોના બુટ-મોજા ઉતરાવીને પણ તપાસ કરવામાં આવી રહી છે. તેમજ પરીક્ષા કેન્દ્ર પર CCTV કેમેરાથી પણ નજર રખાશે. તંત્ર દ્વારા કોઈ પણ ખામી ન સર્જાય તેવી વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
હાઈવે પર ટ્રાફિકજામથી પરીક્ષાર્થીઓ પરેશાન, હસમુખ પટેલ પાસે માગી મદદ
ગુજરાતમાં તલાટીની પરીક્ષા માટે રાજ્ય સરકાર અને પંચાયત પસંદગી મંડળ દ્વારા તમામ વ્યવસ્થા કરવામાં આવી છે, છતાં પણ ઉમેદવારોને સેન્ટર સુધી પહોંચવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જેના માટે હવે પરીક્ષાર્થીઓ દ્વારા હસમુખ પટેલ પાસે ટ્વિટ કરીને મદદ માંગવામાં આવી રહી છે.
તમામ વ્યવસ્થા છતાં પરિવહનમાં તલાટી પરીક્ષાર્થીઓની પરેશાની
રાજ્યમાં આજે તલાટીની પરીક્ષા છે. જ્યાં રાજ્યભરમાં 8 લાખથી વધુ ઉમેદવારો પરીક્ષા આપવા માટે પરીક્ષા કેન્દ્રો પર પહોંચી રહ્યા છે. આ માટે અમદાવાદમાં 1.50 લાખ ઉમેદવારો પરીક્ષા આપશે. જેના માટે તંત્રની તમામ તૈયારીઓ છતાં પણ પરીક્ષાર્થીઓને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે.
અમદાવાદમાં પરીક્ષા આપવા દૂર દૂરથી ઉમેદવારો પહોંચ્યા છે. જેના માટે રાણીપ ST બસ સ્ટેન્ડ પર ઉમેદવારોની ભારે ભીડ જોવા મળી રહી છે. આ ઉપરાંત ગીતા મંદિર બસ સ્ટેન્ડ પર મોડી રાતથી જ ઉમેદવારો મોટી સંખ્યામાં પહોંચી રહ્યા છે.
તમામ સેન્ટરના વર્ગખંડ CCTVથી સજ્જ
તલાટી કમ મંત્રીની પ્રિલીમ પરીક્ષા માટે તમામ સેન્ટરના વર્ગખંડ CCTVથી સજ્જ કરવામાં આવ્યા છે. કેન્દ્રમાં પ્રવેશતા જ પરીક્ષાર્થીઓના કોલલેટર સાથે વિડીયોગ્રાફી થશે. પરીક્ષાર્થીઓને તમામ સુવિધાઓ મળી રહે તે માટે તંત્ર સજ્જ થયું છે. આ માટે એસટી દ્વારા પણ વિશેષ બસ દોડાવવામાં આવી રહી છે. તેમજ રેલવે દ્વારા પણ તમામ વ્યવસ્થા કરવામાં આવી છે.
નવા કાયદાની પોલીસ અધિકારીઓને ખાસ તાલીમ
આ પહેલી પરીક્ષા હશે જે પેપર લીક માટે અને ભરતી માટે બનાવેલા ગેરરીતિ કાનૂનના કાયદા હેઠળ લેવાશે. જે નવા કાયદાની પોલીસ અધિકારીઓને ખાસ તાલીમ આપવામાં આવી છે. આ ઉપરાંત હસમુખ પટેલે તલાટી કમ મંત્રીની પરીક્ષાના ગેરરીતિ મામલે જણાવ્યું કે, ગેરરીતિ કરનાર સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે અને તેના પર કડક કાર્યવાહી પણ થશે.
રાજ્યના મુખ્ય શહેરોમાં પરીક્ષાર્થીઓ
- અમદાવાદમાં 1.50 લાખ ઉમેદવારો પરીક્ષા આપશે
- રાજકોટમાં 197 કેન્દ્રો પર 57000 ઉમેદવારો પરીક્ષા આપશે
- સુરતમાં 216 કેન્દ્રો પર 74,940 ઉમેદવારો પરીક્ષા આપશે
- વડોદરામાં 227 કેન્દ્ર પર 80000 ઉમેદવારો પરીક્ષા આપશે
- જૂનાગઢમાં 74 કેન્દ્ર પર 24000 ઉમેદવારો પરીક્ષા આપશે
- મહેસાણામાં 142 કેન્દ્ર પર 48000 ઉમેદવારો પરીક્ષા આપશે
ગુજરાત તલાટીની પરીક્ષા માટે કેટલાંક નવા નિયમો પણ બનાવવામાં આવ્યા છે જેની પણ ઉમેદવારોએ કાળજી રાખવી પડશે.
1. કોઈ કેન્દ્રમાં સાદી કાંડા ઘડિયાળ લઈ જવા દેવામાં ના આવે તો ઉમેદવાર કોલ લેટર માં લખેલી સૂચના બતાવી શકે છે.
2. ઉમેદવારે પોતાનો મોબાઇલ વોલેટ કે પાકીટ ખુલ્લામાં મૂકવું ના પડે તે માટે નાનો થેલો થેલી લઈ જાય જેમાં મોબાઇલ કે વોલેટ મૂકી શકે. થેલા પરીક્ષા કેન્દ્ર ના કેમ્પસમાં દરવાજા પાસે મુકવા દેવામાં આવશે કેન્દ્રના મકાનમાં લઈ જવા નહીં દેવામાં આવે.
3. ઉમેદવાર પરીક્ષા કેન્દ્રમાં સાદી કાંડા ઘડિયાળ લઈ જઈ શકશે.
4. ઉમેદવારોની બુટ ચપ્પલ કઢાવી ચેક કરવામાં આવશે તથા વર્ગખંડમાં બુટ ચપ્પલ લઈ જવા દેવામાં આવશે નહીં.









