ઉનાળાની ઋતુ વિદાય લેવાની કગાર ઉપર છે, ત્યારે ભાવનગર મહાનગરપાલિકાના ડ્રેનેજ વિભાગ દ્વારા 15 જુનથી નિયમ પ્રમાણે શરૂ થતાં ચોમાસાને પગલે પ્રિ-મોન્સૂન કામગીરી શરૂ કરવામાં આવી હતી. શહેરના મહાનગરપાલિકાના 13 વોર્ડમાં અંદાજિત 70 લાખના ખર્ચે કામગીરી હાથ ધરવામાં આવી છે. વિપક્ષે આક્ષેપ કર્યો છે કે દર વર્ષે પ્રિ-મોન્સૂનની કામગીરી માત્રને માત્ર કાગળ ઉપર હોય છે. દર વર્ષે પ્રિ મોન્સૂન કામગીરી કરવામાં આવે છે તેમ છતાં અનેક વિસ્તારોમાં પાણી ભરાવવાની સમસ્યા સર્જાય છે.
કામગીરીમાં 70 લાખનો ખર્ચ થવાનો અંદાજ
પ્રિમોન્સુન કામગીરીને લઈને મહાનગરપાલિકાના વિભાગના અધિકારી એન.બી.વઢવાણિયાએ જણાવ્યું હતું કે ગત વર્ષે જે પ્રિમોન્સૂન કામગીરી કરી હતી, તેમાં 70 લાખ જેટલો ખર્ચ થયો હતો. આ વર્ષે પણ શહેરના 13 વોર્ડમાં કામગીરીને લઈને પ્રક્રિયા કરવામાં આવી રહી છે અને આ વર્ષે પણ અંદાજિત 70 લાખનો ખર્ચ થવાનો પણ અંદાજ છે. જો કે અમે 31 મે પહેલા પ્રથમ રાઉન્ડ પૂર્ણ કરવાની તૈયારી સાથે કામ કરી રહ્યા છીએ. હાલમાં શહેરમાં વિવિધ સ્થળો ઉપર પ્રિમોન્સૂન કામગીરી શરૂ છે. શહેરમાં આવેલી બધી સ્ટ્રોમ લાઈનો યુનિટો, ખુલ્લા યુનિટો, બોક્સ ડ્રોન અને ખુલ્લા નાળાઓમાં સફાઈ કરવામાં આવી રહી છે. જોકે શહેરમાં તરસમિયા પાસે આવેલી શિવ સૃષ્ટિ સોસાયટીમાં ગયા ચોમાસામાં દીવાલ તોડીને પાણીનો નિકાલ કરવો પડે તેવી સ્થિતિ હતી. જેમાં મહાનગરપાલિકાના કમિશનરે 60 લાખ મંજૂર કર્યા બાદ ત્યાં સ્ટ્રોમ લાઈન નાખવાની કામગીરી હાલ ચાલુ છે. આ સાથે શહેરમાં નાના-મોટા પાણી ભરાવવાના 15થી 20 જેટલા પોઈન્ટ છે, જેને લઈને પણ કાર્યવાહી શરૂ કરાઈ છે.
13 વોર્ડમાં 7000 જેટલી કુંડીઓ અને 27 જેટલા ખુલ્લા નાળાઓ
સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને આ અંગે પૂછતાં તેઓએ જણાવ્યું હતું કે પ્રિ-મોન્સૂન કામગીરી ભાવનગર શહેરમાં મહાનગરપાલિકાના 13 વોર્ડમાં આવતા વિસ્તારોમાં 7000 જેટલી કુંડીઓ અને 27 જેટલા ખુલ્લા નાળાઓ છે. જેમાં કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ભાવનગર શહેરમાં દર વર્ષની જેમ પાણી ભરાવવાની સમસ્યા હોય ત્યાં નિકાલ કરવામાં આવી રહ્યો છે. આ વર્ષે પણ પ્રથમ રાઉન્ડ 31 મે સુધીમાં પૂર્ણ થવાની શક્યતા છે. એક વોર્ડમાં 5 લાખ સુધીનો ખર્ચ પ્રિ-મોન્સૂન કામગીરી પાછળ વાપરવામાં આવે છે. આ અંગે વિપક્ષના નેતાએ આક્ષેપ સાથે કહ્યું હતું કે પ્રિ મોન્સૂનની કામગીરી માત્રને માત્ર કાગળ ઉપર જ રહે છે.
પાણી ભરાવવાથી લોકોને પરેશાની
દર વર્ષની જેમ શહેરમાં અનેક વિસ્તારોમાં પ્રિ-મોન્સૂન કામગીરી કરવામાં આવી હોય એ વિસ્તારોમાં જ પાણી ભરાવાની સમસ્યા જોવા મળે છે. નજીવો વરસાદ આવતાની સાથે જ ભાવનગર તરતુ ભાવનગર તરીકે દેખાઈ આવે છે. પ્રિ-મોન્સૂન કામગીરી માત્રને માત્ર કાગળ ઉપર જ હોય છે. કોન્ટ્રાકટર અને શાસકો માત્રને માત્ર ભાગ બટાઈ કરી રહ્યા છે. દર વર્ષે મનપા લાખો રૂપિયાનો ખર્ચો કરે છે અને તેમ છતાં પાણી ભરાવાની સમસ્યા હજુ પણ ઘણા વિસ્તારોમાં આ વર્ષે પણ જોવા મળશે. ભાવનગર મનપા દ્વારા દર વર્ષે લાખો રૂપિયાનો ખર્ચો કરી પ્રિ-મોન્સૂન કામગીરી કરે છે. તેમ છતાં પણ દર વર્ષે પાણી ભરાય છે અને લોકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડે છે, ત્યારે આ વખતે પણ પ્રિ-મોન્સૂન કામગીરી શરૂ કરવામાં આવી છે. ત્યારે હવે આવનારું ચોમાસું મહાનગરપાલિકાની રહી ગયેલી ક્ષતિને ઉજાગર કરશે તે જોવાનું રહેશે.