ભુજ પાલિકાનું બિલ્ડિંગ 2001માં આવેલા ભૂકંપ સમયે જર્જરિત થયું હતું, પરંતુ તેની મરામત કરીને તેને અત્યાર સુધી કાર્યરત રાખવામાં આવ્યું, પરંતુ હવે પાલિકા દ્વારા આ બિલ્ડિંગની જગ્યાએ નવું આધુનિક બિલ્ડિંગ ઊભું કરવા માટેની કામગીરી આજથી બે વર્ષ પહેલાં શરૂ કરવામાં આવી હતી. રૂ. 4.50 કરોડના ખર્ચે 10,000 સ્ક્વેર ફૂટમાં ત્રણ માળનું બિલ્ડિંગ તૈયાર કરવામાં આવ્યું છે. સમગ્ર બિલ્ડિંગ મહાનગરપાલિકાને ધ્યાને લઈને તૈયાર કરવામાં આવ્યું હોય ભવિષ્યમાં બિલ્ડિંગમાં કોઈપણ પ્રકારની તોડફોડ કરવાની જરૂરિયાત રહેશે નહીં. બિલ્ડિંગની 90 ટકા કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. આગામી જુલાઈના અંત સુધીમાં કામગીરી પૂર્ણ થયેથી વિધિવત્ રીતે ઉદ્ઘાટન કરવામાં આવશે.


ખાસ કરીને ત્રણ માળના બિલ્ડિંગમાં તમામ પ્રકારની સુવિધાઓ ઉભી કરવામાં આવી રહી છે. જૂના બિલ્ડિંગમાં જે જે અગવડતાઓ પડતી હતી, તે તમામ અગવડતાઓને દૂર કરવાની સાથે સાથે મુલાકાતીઓ તેમજ અરજદારોની સુવિધાને પણ ધ્યાને રાખવામાં આવી છે. જ્યાંથી કામગીરી કરવામાં આવનાર છે, તે તમામ બારીઓ પાસે શેડ ઊભા કરી દેવામાં આવ્યા છે. જેને કારણે ચોમાસામાં વરસાદથી ભીંજાવાશે નહીં અને ઉનાળામાં તડકામાં ઊભવું નહીં પડે. આ સિવાય ત્રણ બિલ્ડિંગોમાં ટોયલેટ સહિતની સુવિધા, પીવાના પાણીની સુવિધા ઊભી કરવામાં આવી છે. બેસવા માટે જરૂરી બાંકડાઓ પણ રખાયા છે. લિફ્ટની પણ સુવિધા ઊભી કરાઈ છે.

જૂનું બિલ્ડિંગ દૂર કરી ત્યાં જ ત્રણ માળનું નવું બિલ્ડિંગ બનાવાયું

પાલિકાના બાંધકામ સમિતિના ચેરમેન દિવ્યરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, પાલિકાનું જ્યાં જૂનું બિલ્ડિંગ આવેલું હતું, તે ભૂકંપમાં જર્જરિત થઈ ગયું હતું તેને દૂર કરીને તે જ સ્થળે ત્રણ માળનાં નવા બિલ્ડિંગનું નિર્માણ કરવામાં આવ્યું છે. બિલ્ડિંગની એન્ટ્રીમાં દિવ્યાંગોને ધ્યાને લઈને રેમ્પવે, વડીલો સહિતના લોકો માટે ત્રણ માળ સુધી જવા આવવા માટે લિફ્ટની સુવિધા ઊભી કરાઈ છે. ત્રણ માળના બિલ્ડિંગમાં નીચેના ભાગે જન ઉપયોગી જેટલા પણ કેન્દ્રો છે, તે તમામ રાખવામાં આવ્યા છે. વ્યક્તિ પોતાનું જરૂરીકામ પૂર્ણ કરીને પરત નીકળી શકશે. બીજા માળ સુધી ધક્કો ખાવો નહીં પડે. બીજા માળે કર્મચારીઓ અને પદાધિકારીઓના રૂમો અને ત્રીજા માળે ટેકનિકલ સ્ટાફ, સામાન્ય સભા માટે હોલ સહિતની વ્યવસ્થા કરાઈ છે.

વરસાદી પાણીના સંગ્રહ માટે રિચાર્જ બોરની પણ વ્યવસ્થા

પાલિકાના કારોબારી ચેરમેન મહિદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, બિલ્ડિંગ જુલાઈ માસનાં અંત સુધીમાં પૂર્ણ થઈ જશે. મહાનગરપાલિકાને ધ્યાને લઈને સમગ્ર બિલ્ડિંગ તૈયાર કરાયું છે. ચાઈના મોજેકના સથવારે વોટરપ્રૂફિંગ કરવામાં આવ્યું છે. તો વરસાદી પાણીનાં સંગ્રહ માટે રિચાર્ર્જ બોરની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. જેને કારણે વરસાદના ટીપેટીપાંનો સંગ્રહ થઈ શકશે. પાણીના તળ ઊંચા આવશે. સોલાર સિસ્ટમ પણ બિલ્ડિંગની છત પર બેસાડવા માટે દરખાસ્ત કરી દેવામાં આવી છે. જેને કારણે કચેરીનો વીજળી ખર્ચ પણ ઘટશે અને પાલિકાને વીજ બિલમાં રાહત થવા પામશે.

ધોળા દિવસે લાઈટો ચાલુ કરવાની જરૂર ન પડે તેવું એલિવેશન

સમગ્ર બિલ્ડિંગમાં દરેક ખૂણે હવા ઉજાસ ભરપૂર માત્રામાં રહે તે રીતે આખેઆખું એલિવેશન ગોઠવવામાં આવ્યું છે. તમામ રૂમોની બારીઓ મોટી બનાવવામાં આવી છે, જેને કારણે દિવસ ઉગે ત્યારથી લઈને આથમે ત્યાં સુધી કચેરીના તમામ રૂમોમાં ઉજાસ તેમજ પૂરતા પ્રમાણમાં કુદરતી હવાનો લાભ પદાધિકારીઓ, કર્મચારીઓને મળી રહેવા પામશે. ધોળા દિવસે લાઇટો ચાલુ કરવાની જરૂર રહેશે નહીં. જેને કારણે સ્વાભાવિક પણે જ વીજળીનો ઉપયોગ પણ ઘટી જવા પામશે. કારણ કે, લાઈટનો ઉપયોગ ઓછો થઈ જશે.

કમ્પાઉન્ડ વોલ અને ફાયર સેફ્ટી માટે અલગથી ખર્ચ

રૂ. 4.50 કરોડના ખર્ચે તૈયાર થયેલા બિલ્ડિંગમાં કમ્પાઉન્ડ વોલ તથા ફાયર સેફ્ટીના સાધનો માટે અલગથી રૂપિયા 40 લાખના ખર્ચનું આયોજન કરવામાં આવ્યું છે, જેને કારણે સમગ્ર બિલ્ડિંગ રૂ. 5 કરોડમાં તૈયાર થશે. બિલ્ડિંગને ભૂકંપપ્રૂફ બનાવવામાં આવ્યું છે. સ્ટ્રક્ચરની પહોળાઈ 45 મીટરથી વધુ હોવાને કારણે બિલ્ડિંગને બે ભાગમાં બનાવવામાં આવ્યું છે. ફાઉન્ડેશન, કોલમ, બીમ સહિતનું સ્ટ્રક્ચર અલગ અલગ ઊભું કરાયું છે. સામાન્ય રીતે બિલ્ડિંગનું આયુષ્ય 50 વર્ષનું ગણવામાં આવે છે, પરંતુ પાલિકાનું આ બિલ્ડિંગ 100 વર્ષ સુધી ટકી રહે તે પ્રકારનું આખેઆખું સ્ટ્રક્ચર ઊભું કરાયું છે.

લિફ્ટ, રેમ્પવે, શેડ, બાંકડા સહિતની અનેકવિધ સુવિધા

પાલિકાની તૈયાર થયેલી અત્યાધુનિક કચેરીનાં દરેક ફ્લોર ઉપર જેન્ટ્સ અને લેડીઝ માટે ટોઈલેટ અને બાથરૂમની વ્યવસ્થા કરવામાં આવી છે. પીવા માટે શુદ્ધ પાણીની વ્યવસ્થા, સીડી ચઢવી ન પડે તે માટે લીફ્ટની વ્યવસ્થા, દિવ્યાંગો માટે રેમ્પ વેની વ્યવસ્થા, કચેરીની બારી પાસે જન્મ-મરણના દાખલા સહિતની કામગીરી માટે આવતા લોકો માટે શેડની વ્યવસ્થા કરાઈ છે. જેને કારણે તડકો કે વરસાદમાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી પડશે નહીં. આ સિવાય ત્રણે માળમાં બેસવા માટે જરૂરી બાંકડા પણ મૂકવામાં આવશે. જેને કારણે મુલાકાતીઓ સહિતના લોકોને પણ આરમદાયક બેઠક મળી રહેશે.

પહેલીવાર સત્તાપક્ષના નેતા, દંડકને પણ કેબિનો મળશે

બિલ્ડિંગનાં બીજા માળે પદાધિકારીઓની કેબિનો તૈયાર કરવામાં આવી છે, જેમાં બાંધકામ એકાઉન્ટ સહિતના વિભાગો સાથે જ કરવામાં આવ્યા છે, જેથી વહીવટી પ્રક્રિયા સરળતાથી થઈ શકે. પ્રમુખ, કારોબારી ચેરમેનની જ કેબિનો હોય છે, પરંતુ નવા બિલ્ડિંગમાં ચૂંટાયેલી પાંખના તમામ હોદ્દેદારો જેમ કે, પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન, સત્તાપક્ષનાં નેતા, દંડક, જેટલા પણ ચૂંટાયેલા પ્રતિનિધિ છે તેના માટે અલગ કેબિન બનાવવામાં આવી છે.

  • Follow us on: