ઓપરેશન સિંદૂરના દિવસે જ ભુજનાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે સિવિલ ડિફેન્સની મોકડ્રીલ યોજવામાં આવી હતી. ત્યારબાદ ફરી એકવાર તમામ સરહદી જિલ્લાઓમાં મોકડ્રીલ યોજવામાં આવી હતી, જેમાં ભુજના આર્મી સ્ટેશનમાં મોકડ્રીલ યોજાઈ હતી. અહીંના રહેણાક ક્વાર્ટરમાં ડ્રોન હુમલા બાદ સર્જાયેલી સ્થિતિ અન્વયે આર્મી, ફાયર, ડોક્ટર, પોલીસ, વહીવટી તંત્ર તેમજ સિવિલ ડિફેન્સની ટીમ દ્વારા સંયુક્ત રીતે કામગીરી હાથ ધરવામાં આવી હતી.


નાગરિકોમાં ડરનો માહોલ ઉભો ના થાય તે માટે કરાઈ મોકડ્રીલ

હુમલા બાદ બિલ્ડિંગમાં આગ લાગતાં ફાયરની ટીમ દ્વારા આગ ઓલવવાની સાથે અન્ય બિલ્ડિંગમાં બચાવની કામગીરી પણ કરવામાં આવી હતી. તો સિવિલ ડિફેન્સના વોલન્ટિયરો દ્વારા ઘાયલોને તાત્કાલિક સારવાર માટે તબીબો પાસે લઇ જવા અને પ્રાથમિક સારવાર બાદ હોસ્પિટલમાં ખસેડવા સહિતની કામગીરી કરવામાં આવી હતી. કલેક્ટર આનંદ પટેલે જણાવ્યું હતું કે, ઓપરેશન સિંદૂર હેઠળ જેટલા પણ સરહદી જિલ્લાઓ છે, તે તમામ જિલ્લાઓમાં મોકડ્રીલ યોજવામાં આવી હતી. કચ્છમાં ભુજ ખાતે મિલિટરી સ્ટેશનમાં મોકડ્રીલ યોજવામાં આવી હતી, જેમાં રહેણાક વિસ્તાર ઉપર એટેક થાય છે, એ એટેક દરમ્યાન કેટલાક લોકો ઘાયલ પણ થાય છે, સાથોસાથ આગ લાગવાના કારણે કેટલાક લોકોને ત્યાંથી શિફ્ટ કરવાની જરૂરિયાત ઉપસ્થિત થાય છે. આ ઉપરાંત કેટલાક સ્થાનિક નાગરિકોમાં ડરનો માહોલ હોઈ પેનિક સ્થિતિ પણ ઉપસ્થિત થાય છે. આ સમગ્ર સ્થિતિને લઇને સિવિલ ડિફેન્સને મેસેજ આપવામાં આવે છે. સિવિલ ડિફેન્સને મેસેજ મળતાં તેમના તરફથી તાત્કાલિક અસરથી જે તે સ્થળ ઉપર એમ્બ્યુલન્સ પહોંચતી કરવામાં આવે છે. ડોક્ટરની ટીમને પહોંચતી કરવાની સાથે ફાયર ફાઇટરની ટીમોને તાત્કાલિક અસરથી પહોંચતી કરવામાં આવે છે.

તમામ એજન્સીઓના સંકલનમાં એક્સરસાઈઝ કરી

ત્યારબાદ જે પણ ઘાયલો હતા તેમને હોસ્પિટલ ખાતે શિફ્ટ કરવામાં આવ્યા હતા, તો જે લોકો ડરમાં હતા તેવા લોકોને ડરમાંથી બહાર લાવવા માટે સિવિલ ડિફેન્સના સ્થળ પર લઇ જવામાં આવ્યા હતા અને તેમને ત્યાં શાંત કરવામાં આવ્યા હતા. એટેક બાદ ઉદ્ભવતી તમામ પ્રકારની પરિસ્થિતિ મોકડ્રિલના સ્વરૂપે કરવામાં આવી હતી. કારણ કે, આગામી દિવસોમાં પણ આપણે સતત સતર્ક રહીએ એ જ હેતુ સાથે આજની મોકડ્રીલ યોજવામાં આવી હતી. આર્મી સ્ટેશનમાં સ્વોર્મ ડ્રોન એટેકની સ્થિતિ સર્જાયા બાદ ઘાયલોને તાત્કાલિક સારવાર માટે એમ્બ્યુલન્સ અને નાગરિક સંરક્ષણ દળની મદદ લેવામાં આવી હતી. ડ્રોન એટેકમાં આગ લાગી હતી, જેમાં બે બિલ્ડિંગમાંથી લોકોને સલામત રીતે બહાર કાઢવવામાં આવ્યા હતા. તમામ એજન્સીઓનાં સંકલનમાં સમગ્ર એક્સરસાઇઝ કરવામાં આવી હતી.

  • Follow us on: