ઓપરેશન સિંદૂર બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહેલીવાર કચ્છ પધારી રહ્યા છે. તેઓ 26 મેના ભુજ ખાતે મિરઝાપર રોડ ઉપરનાં વિશાળ ગ્રાઉન્ડમાં જાહેર સભાને સંબોધન કરશે. તે પૂર્વે તેમના અભિવાદ માટે દેશભક્તિની થીમ ઉપર દોઢ કિલો મીટરનો રોડ શો યોજવામાં આવશે, જેમાં 1 કિલોમીટર લાંબા તિરંગાથી વડાપ્રધાનનું અભિવાદન કરવામાં આવશે. થોડા થોડા અંતરે 10થી વધુ ગ્રૂપો દેશભક્તિને અનુરૂપ વિવિધ કૃતિઓ રજૂ કરશે. જેઓ માટે સ્ટેજ બનાવવાની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. આ સિવાય સમગ્ર રૂટ ઉપર મોદી અને જવાનોના વિશાળ હોર્ડિગ્સ પણ લગાવવામાં આવી રહ્યા છે. દોઢ કિમી રોડ ઉપર 50 જેટલા હોર્ડિગ્સ ઊભા કરવામાં આવશે.


કલાકારો દ્વારા પણ પ્રેક્ટિસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો

રસ્તાના ડિવાઈડર ઉપર આવેલા વૃક્ષોની ફરતેનાં પાંજરાને પણ તિરંગા કલરથી સજાવી દેવામાં આવ્યા છે. સમગ્ર રસ્તા ઉપર અત્યારે પુરજોશમાં ડામરનું કામ ચાલી રહ્યું છે. તેની સાથે સાથે બંને સાઈડમાં લોકો તિરંગા સાથે અભિવાદન કરી શકે તે માટે બેરિકેટ લગાડવાની કામગીરી પણ યુદ્ધના ધોરણે કરવામાં આવી રહી છે. આ રોડ શોમાં વિવિધ સમાજનાં અગ્રણીઓ પોત પોતાનાં પારંપરિક પરિધાનમાં હાજરી આપશે અને તિરંગા ફરકાવીને વડાપ્રધાનનું અભિવાદન કરશે. હાલે રોડ શોને લઈને તમામ પ્રકારની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. કલાકારો દ્વારા પણ પ્રેક્ટિસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે. સમગ્ર કાર્યક્રમને લઇને લોકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વેપારીઓ પોતાનાં રોજગાર ધંધા બંધ રાખીને વડાપ્રધાનનાં કાર્યક્રમમાં જોડાશે.

રોડ શોની બંને સાઈડમાં 50થી વધુ વિશાળ બેનરો

બપોરનાં ત્રણ કલાકે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભુજ આવી પહોંચશે. એરપોર્ટથી તેઓ સીધા મિરઝાપર રોડ ઉપરનાં ગ્રાઉન્ડમાં જાહેર સભાને સંબોધવા માટે રવાના થશે. તેઓ હિલવ્યૂ હોટલ પાસે પહોંચ્યા બાદ રોડ શો શરૂ થઇ જશે. અહીં તેઓ તમામ સમાજનાં અગ્રણીઓનું અભિવાદન ઝીલશે. રોડ શોનાં સમગ્ર રસ્તાની બંને સાઇડ 50થી વધુ વિશાળ બેનરો લગાડવામાં આવ્યા છે, જેમાં યુદ્ધ વચ્ચે સેનાનો જઝબો બતાવાની સાથેસાથે વડાપ્રધાન મોદી જવાનોનો ઉત્સાહ વધારી રહ્યા હોય તેવા પિક્ચરનો પણ બેનરોમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

દેશભક્તિની થીમ ઉપર ભીંત ચિત્રોની સ્પર્ધા યોજાશે

આ રોડ શો દરમ્યાન 1000 મીટર લાંબા તિરંગા સાથે યુવાનો વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું અભિવાદન કરશે. થોડાથોડા અંતરે વિવિધ 10થી વધુ ગ્રૂપો દ્વારા દેશભક્તિની થીમ ઉપર પોતપોતાની કૃતિઓ રજૂ કરશે. આ સમયે ભીંતચિત્રોની પણ સ્પર્ધા યોજવામાં આવનાર છે, જેમાં પણ દેશભક્તિની થીમ રાખવામાં આવી છે. ભુજ શહેરમાં આ બીજીવાર રોડ શો યોજાઇ રહ્યો છે, પરંતુ આ વખતનો રોડ શો અલગ્ર પ્રકારનો બની રહેવા પામશે. કારણે બંને સાઈડમાં તિરંગા સાથે લોકો વડાપ્રધાનનું અભિવાદન કરતાં નજરે પડશે.

વિશાળ ડોમમાં ક્લસ્ટરવાઇઝ પાણી સહિતની સુવિધા

મિરઝાપર રોડ ઉપરનાં ગ્રાઉન્ડમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાહેર સભાને સંબોધિત કરશે. 1 લાખથી વધુ લોકો હાજર રહે તેવી સંભાવનાઓને પગલે ત્રણ વિશાળ ડોમ ઊભા કરવામાં આવ્યા છે, જેમાં અંદાજિત 1.25 લાખ લોકો બેસી શકશે. સભા સ્થળે વિવિધ ક્લસ્ટરવાઇઝ પાણી સહિતની પ્રાથમિક સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. બપોરનો સમય હોઈ ગરમીને ધ્યાને લઇને સમગ્ર ડોમમાં ખૂણેખૂણે પંખાઓ પણ લગાડવામાં આવ્યા છે. જેને કારણે વડાપ્રધાનને સાંભળવા આવનારા લોકોને ગરમીથી પરેશાની ભોગવવી ન પડે.

રિટાયર્ડ આર્મીમેનો જાહેર સભા સ્થળે હાજરી આપશે

ઓપરેશન સિંદૂર દ્વારા ભારતીય સેનાએ આતંકવાદીઓને નેસ્તનાબૂદ કરીને બદલો લીધો છે. જેને ધ્યાને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેરસભામાં ભાજપની મહિલા મોરચાની 10,000 જેટલી બહેનો કેસરી સાડીમાં માથે સિંદૂર ભરીને હાજરી આપશે. આ સિવાય રિટાયર્ડ આર્મીમેનો પણ સભા સ્થળે હાજર રહીને ઉપસ્થિત લોકોના ઉત્સાહમાં વધારો કરશે. વધુને વધુ લોકો જાહેરસભામાં હાજરી આપે તે માટે વહીવટી તંત્ર સહિત ભાજપનાં હોદ્દેદારો પણ ગામોગામ પહોંચ્યા છે. સ્થાનિક લોકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

300થી 350 કર્મચારીઓ દ્વારા મેગા સફાઈ અભિયાન

ભુજ પાલિકાના કારોબારી ચેરમેન મહિદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, ઓપરેશન સિંદૂર બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભુજ પધારી રહ્યા છે, ત્યારે તેમના અભિવાદન માટે સમગ્ર વહીવટી તંત્રની સાથે ભુજ પાલિકા દ્વારા પણ તૈયારીઓનો ધમધમાટ ચાલી રહ્યો છે. હિલગાર્ડન રોડ ઉપર ૨૬મીએ બપોરના રોડ શો યોજાશે. ઇન્ડિયન આર્મી, નેવી અને સરકારને પ્રોત્સાહન પૂરું પાડવા માટે સમગ્ર ભુજવાસીઓ અહીં એકત્રિત થશે. પાલિકાનાં તમામ કર્મચારીઓ સફાઇ સહિતની કામગીરીમાં અને આરએન્ડબીનાં કર્મચારીઓ રોડ બનાવવાની કામગીરીમાં જોતરાઈ ગયા છે. પાલિકા દ્વારા ભુજ શહેરમાં હાલે મેગા સફાઇ અભિયાન હાથ ધરાયું છે. 300થી 350 જેટલા કર્મચારીઓ સફાઈ કરી રહ્યા છે. આ રોડ શો ભુજ માટે ઐતિહાસિક બની રહેશે. 2022માં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ભુજ ખાતે રોડ શો યોજાયો હતો. 10મી વાર વડાપ્રધાન કચ્છ પધારી રહ્યા છે, ત્યારે કચ્છવાસીઓનો પણ ઉત્સાહ બેવડાયો છે.

  • Follow us on: