ભુજ પાલિકા દ્વારા ઉનાળાની શરૂઆતમાં જ પાણીનાં સ્થાનિક સ્ત્રોતમાં વધારો કરવા માટેનાં પ્રયાસો શરૂ કરવામાં આવ્યા હતા. કારણ કે, પાલિકા હસ્તકનાં 10 બોરમાંથી 6 બોર બંધ હતા, માત્ર 4 બોર ચાલુ હોય તેમાંથી બે કે ત્રણ એમએલડી જ પાણી મળતું હતું. પાણીની માત્રા વધારવા માટે પાલિકાએ પહેલા ક્રમશઃ બંધ બોરને ચાલુ કરવાની સાથે સાથે વધુ પ્રમાણમાં બોરમાંથી પાણી મેળવી શકાય તે માટે બોર ઉપરની મોટરની કેપેસિટીમાં પણ વધારો કર્યો. પરિણામે પાલિકા હાલ 10 બોરમાંથી 15 એમએલડી પાણી મેળવવામાં સફળ રહ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે.


 86 એચપીની મોટર નાખવામાં આવી

આ બાબતે પાલિકાની વોટર સપ્લાય સમિતિના ચેરમેન સંજય ઠક્કરે જણાવ્યું હતું કે, હાલે ઉનાળાને કારણે લોકોની પાણીની જરૂરિયાતમાં વધારો થયો છે, જેને ધ્યાને લઇને નર્મદાનાં પાણીની માત્રામાં પણ વધારો કરી દેવામાં આવ્યો છે. જેને કારણે હાલ 45 એમએલડી પાણીનું પાલિકા દ્વારા એકાંતરે કે બે દિવસે શહેરીજનોને વિતરણ કરવામાં આવી રહ્યું છે. પાલિકા દ્વારા નર્મદાનાં પાણીનો ફોર્સ ઓછો હોવાની સ્થિતિમાં સ્થાનિક સ્ત્રોતનાં પાણી કામ આવી શકે તે ઉપર ઉનાળાનાં પ્રારંભે જ ધ્યાન કેન્દ્રીત કર્યુ હતું.

કારણ કે, પાલિકા હસ્તકના 10 બોરમાંથી માત્ર 3 કે 4 બોર જ ચાલુ હતા, જેમાંથી બેથી ત્રણ એએલડી જેટલું જ પાણી મળતું હતું. બાકીનાં બંધ 6 બોરને પણ ક્રમશઃ ચાલુ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આ દિશામાં પ્રયત્નો શરૂ કરવામાં આવ્યા. એટલું જ નહીં આ વખતે પહેલીવાર બોર ઉપર લગાડાયેલી મોટરો 60 એચપીની કેપેસિટીની હતી તેને બદલાવીને તેની જગ્યાએ 86 એચપીની નાખવામાં આવી હતી. જેને કારણે ઘેરાવો પણ વધી ગયો હતો. જેની ફલશ્રાતિ એ મળી કે, હાલે 10 બોરમાંથી પાલિકાને 15 એમએલડી પાણી મેળવવામાં સફળતા મળી છે. બીજા અર્થમાં કહીએ તો પાલિકા સ્થાનિક સ્ત્રોતને વધારવામાં સફળ રહ્યું છે.

પાલિકાને નર્મદા અને સ્થાનિક મળી 60 એમએલડી પાણી મળતું થયું

ભુજ પાલિકા દ્વારા હાલે શહેરીજનોને દૈનિક 45 એમએલડી નર્મદાનાં પાણીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે, જેમાંથી ૩૫ એમએલડી પાઇપ લાઇન દ્વારા મેળવમાં આવી રહ્યું છે. જ્યારે બાકીનું 10 એમએલડી વિવિધ વિસ્તારોમાં નાખવામાં આવેલા નર્મદાનાં પાણીનાં એરવાલ્વમાંથી મેળવામાં આવી રહ્યું છે. કુલ 45 એમએલડી નર્મદાનાં પાણીનાં વિતરણમાં હવે સ્થાનિકે 15 એમએલડી પાણી બોરમાંથી મળતું થતાં પાલિકાને કુલ 60 એમએલડી પાણી મળતાં એકાંતરે કે બે દિવસે પાણી વિતરણ કરવામાં સફળ રહી છે.

પહેલીવાર નર્મદાની લાઈનમાં ભંગાણની પાણી વિતરણ પર આંશિક અસર

શનિવારે નર્મદાની પાણીની લાઇનમાં ભંગાણ સર્જાયંુ હતું. જેને કારણે પાલિકાને નર્મદાનું પાણી મળતું બંધ થઈ ગયું હતું, રવિવાર અને સોમવારનાં બપોર સુધી મરામતની કમગીરી ચાલી હતી. બપોરે પુનઃ પાલિકાને નર્મદાનું પાણી મળતું થયું હતું, પરંતુ આ વખતે પાલિકાનાં પોતાના પણ 10 બોર અવિરતપણે ચાલુ રહેવાને કારણે પાલિકાને રોજનું 15 એમએલડી પાણી મળતું રહ્યું હતું, પરિણામે શહેરમાં પાણી વિતરણ ઉપર તેની માત્ર આંશિક અસર પડી હતી.

  • Follow us on: