જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારતીય સુરક્ષા દળોએ પાકિસ્તાન સ્થિત આતંકવાદી અડ્ડાઓ પર સફળ કાર્યવાહી કરી હતી. ઓપરેશન સિંદૂરની સફળતાના સન્માનમાં દેશભરમાં તિરંગા યાત્રાઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત ભુજ ખાતે પણ ગુરુવારે સવારે 10 કલાકે જવાનોના સન્માનમાં તિરંગા યાત્રા યોજવામાં આવી હતી. આ તિરંગા યાત્રામાં તમામ ધારાસભ્યો, સાંસદ સહિત આર્મીના જવાનો, પોલીસના જવાનો, શાળાના છાત્રો તેમજ સ્થાનિક લોકો બહોળી સંખ્યામાં જોડાતાં સમગ્ર ભુજના રસ્તાના તિરંગા રંગે રંગાઇ ગયા હતા. તો રૂટ ઉપર વિવિધ સંસ્થાઓ દ્વારા ફૂલો સાથે આવકાર આપી તિરંગાને સલામી આપી હતી.
સાંસદ-ધારાસભ્યો તિરંગા યાત્રામાં જોડાયા
ભારતીય સેનાનાં ઓપરેશન સિંદૂરની અભૂતપૂર્વ સફ્ળતાની ઉજવણીનાં ભાગરૂપે ભુજમાં ભવ્ય તિરંગા યાત્રા યોજી સેનાનાં જવાનોના પરાક્રમને બિરદાવાયું હતું. શહેરનાં જ્યુબિલી સર્કલ પાસેથી શરૂ થયેલી આ તિરંગા યાત્રામાં 300 મીટર લાંબા તિરંગા સાથે યાત્રા શહેરના વિવિધ મુખ્યમાર્ગો પરથી પસાર થઇ હતી. ત્યારે ભારત માતા કી જયનાં ગગનભેદી નારા ગુંજતા હતા. આ યાત્રા ડીઇઓ કચેરી પાસે થઇ, વીડી હાઇસ્કૂલ, પેટ્રોલ પંપ, બસ પોર્ટ રોડ, જિલ્લા પંચાયત રોડ, ઓલ્ફ્રેડ હાઇસ્કૂલ પાસે થઇ હમીરસર કિનારા ઉપર ગાંધીજીની પ્રતિમા પાસે વિરામ પામી હતી. આ યાત્રામાં સાંસદ વિનોદ ચાવડા, જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા, ધારાસભ્યો પૈકી કેશુભાઇ પટેલ, ત્રિકમભાઇ છાંગા, અનિરૂદ્ધ દવે, માલતીબેન મહેશ્વરી, કલેક્ટર આનંદ પટેલ, જિલ્લા પોલીસ વડા વિકાસ સુંડા સહિતનાં અધિકારીઓ, અગ્રણીઓ, સામાજિક કાર્યકરો, સેનાના જવાનો, પોલીસ જવાનો જોડાયા હતા. સમાપને પ્રસંગોચિત ઉદ્દબોધનોમાં રાજકીય અગ્રણીઓએ જવાનોની વીરતાને બિરદાવી હતી. ઓપરેશન સિંદૂર કરોડો ભારતવાસીઓની ભાવનાનું પ્રતિબિંબ હોવાનું જણાવી ભારતીય સેનાએ આતંકવાદને જડબાતોડ જવાબ આપ્યો છે. નોંધનીય છે કે, યાત્રામાં 300 મીટર લાંબો તિરંગો તેમજ મિરઝાપરની બહેનોનું હરિકૃષ્ણ બેન્ડ પાર્ટી ગ્રૂપ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.
આતંકવાદનો ડોળો ન પડે તેવા પ્રકારના વાતાવરણનું નિર્માણ
ધારાસભ્ય ત્રિકમ છાંગાએ જણાવ્યું હતું કે, સમગ્ર દેશ સાથે નાગરિક તરીકે આજનાં દિને ગૌરવ અનુભવંુ છું. ભારતની સેના અને સરકાર પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરું છું. દેશમાં જે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું અને જે મજબૂતાઇથી દેશે આતંકવાદને જવાબ આપ્યો છે તે જવાબ અને સૈનિકોની વીરતાને બિરદાવવા માટે તિરંગા યાત્રા યોજવામાં આવી છે. ધારાસભ્ય કેશુભાઇ પટેલે જણાવ્યું હતું કે, કાશ્મીરનાં પહલગાવમાં પ્રવાસીઓ ઉપર આતંકવાદીઓએ હુમલો કરીને સહન ન થાય તેવું કૃત્ય કયંર્ુ. જેના પગલે ભારતે ઓપરેશન સિંદૂર દ્વારા તેનો જડબાતોડ જવાબ આપ્યો. ત્યારે ભારતનું નેતૃત્વ, આર્મી, બીએસએફ, એરફોર્સ આ તમામે સાથે મળી પાકિસ્તાનને પ્રચંડ જવાબ આપતાં પાકિસ્તાને શરણાગતિ સ્વીકારી યુદ્ધ વિરામ માટે ગુહાર લગાવી.
ભારત દેશે પાકિસ્તાનને ઈંટનો જવાબ પથ્થરથી આપ્યો
કચ્છ એક્સ સર્વિસમેન એસોસિયેશનનાં જનરલ સેક્રેટરી ભરતભાઇ સુથારે જણાવ્યું હતું કે, આપણે સૌ આજે ઓપરેશન સિંદૂરનો જશ્ન મનાવી રહ્યા છીએ. દુશ્મન દેશ પાકિસ્તાને ભારત દેશનાં સૈનિકોએ ધૂળ ચટાડી છે. હું પણ કારગિલ યુદ્ધ લડી ચૂકેલો છું. મને ખ્યાલ છે કે, યુદ્ધની પરિસ્થિતિ શું હોય છે. આ પરિસ્થિતિમાં ભારત દેશે ઓપરેશ સિંદૂર ચલાવી ઇંટનો જવાબ પથ્થરથી આપ્યો છે. આપણને જીત હાંસલ થઇ છે. ઓપરેશન સિંદૂરનું જેણે નેતૃત્વ સંભાળેલું હતું, તે કર્નલ સોફિયા મેડમ અમારા કમાન્ડિંગ ઓફિસર છે, તેથી મને પોતાને પણ ગર્વ છે. આખા દેશને પણ તેઓ ઉપર ગર્વ છે. હંુ કર્નલને તેમજ ભારત દેશને સેલ્યુટ કરું છે.
તિરંગા યાત્રાને કારણે એક દેશભક્તિનો માહોલ બન્યો
કચ્છ સાંસદ અને પ્રદેશ ભાજપ મહામંત્રી વિનોદ ચાવડાએ જણાવ્યું હતું કે, આજે સમગ્ર દેશમાં જે જે જગ્યાએ તિરંગા યાત્રા યોજવામાં આવી છે તે જગ્યાએ દેશ ભક્તિનો માહોલ બન્યો છે. ભુજ ખાતે પણ ભવ્ય તિરંગા યાત્રા યોજવામાં આવી હતી. દેશનાં બહાદુર જવાનોએ જે પરાક્રમ કયંર્ુ છે, પાકિસ્તાનનાં ઘરમાં ઘૂસીને આતંકવાદીઓનો ખાત્મો કરી દીધો છે. જે આપણા સૌનું ગૌરવ એવા જવાનોનાં માનમાં, સન્માનમાં આખા દેશમાં દેશભક્તિ અને દેશદાઝ ભારતવાસીઓનાં હ્ય્દયમાં છે. જેના ભાગરૂપે આજે અલગ અલગ જગ્યાએ તિરંગા યાત્રા યોજવામાં આવી રહી છે, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાઇ રહ્યા છે.